જામનગરના વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં સ્વસ્થ જામનગર, સ્વચ્છ જામનગરનના કામ કે જે અગાઉના બજેટમાં દર્શાવાયા છે તેનો વીંટલો વાળી દેવામાં આવ્યાની સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે, વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના ડ્રાફટ બજેટમાં કરોડોના કામ દર્શાવી મનપના સતાધીશો અને અધીકારીઓએ લીંબડ જશ ખાટ્યો પણ ચાલુ વર્ષના બજેટમાં આ કામોની સ્થિતિ શું છે તેનો કોઇ ઉલ્લેખ સુઘ્ધા કરવામાં ન આવતા એટલે કે ગાયબ કરી દેવામાં આવ્યા છે. ફકત રૂ.૧૦૫ કરોડમાંથી ફકત ૨૫ ટકા કામગીરી છતાં બાકી કામ ચાલુ વર્ષના અંતે પૂરા કરવાના દીવાસ્વપ્નો બતાવામાં આવ્યા છે. અગાઉના બજેટમાં પણ આ કામો જમીન ફાળવણી, ડીપીઆર અને ટેન્ડરમાં અટવાયેલા દર્શાવાયા હતા ત્યારે આ કામ પૂરા કયારે થશે તે સળગતો સવાલ ઉઠ્યો છે.
જામનગર મહાનગરપાલીકાના જવાબદારો દ્રારા દર વર્ષે બજેટમાં અગાઉના બજેટમાં દર્શાવેલા વિકાસકાર્યોમાંથી ઘણાં કાર્યોનું પુનરાવર્તન કરવામાં આવે છે તો અમુક દર્શાવેલા કામો કે શ ન થયા હોવા છતાં નવા મસમોટા કાર્યોના આંબા આંબલી શહેરીજનોને બતાવામાં આવે છે. આ પરંપરા ઘણાં વર્ષોથી ચાલી આવે છે. આમ છતાં શહેરીજનોને દર વર્ષે વિકાસકાર્યોના દીવાસ્વપ્નો બતાવામાં મનપાના સતાધીશો અને અધિકારીઓ શરમ કે સંકોચ અનુભવતા નથી. તાજેતરમાં જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કમિશ્ર્નરે રજૂ કરેલા વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં વીકાસ કાર્યોના હવાઇકીલ્લા બતાવી શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરાવામાં આવ્યા છે. કારણ કે, વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર હેઠળ મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન ૨.૦ અંતર્ગત કરોડોના કામના આયોજનો દર્શાવાયા હતાં. જેમાં સેનેટરી લેન્ડ ફીલ્ડ સાઇટ રૂ.૧૯ કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન, શહેરમાં નાના-મોટા મરેલા પ્રાણીઓ સહીત ઓફએલ વેસ્ટના સંગ્રહ, ઉપચાર અને પ્રક્રીયા માટે બાયોમીથેનેશન અને ઇન્સીનેરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આયોજન, જામનગર મહાનગરપાલીકાને ફાઇવ સ્ટાર ગાર્બેજ ફ્રી રેટીંગ અને વોટર પ્લસ સર્ટીફીકેશન પ્રાપ્ત થાય તે અન્વયેનું આયોજન, ટ્રાન્સફર સ્ટેશન રૂ.૧૫.૭૫ કરોડના ખર્ચે વિકસાવવાના આયોજનનો સમાવેશ કરાયો હતો.
જયારે વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડર અને વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ બજેટમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર હેઠળ મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન ૨.૦ અને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વાહ વાહી મેળવવા જુદા જુદા કામના આયોજનની ભરમાર દર્શાવામાં આવી હતી. જેમાં જામ્યુકોને સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૩માં થ્રી સ્ટાર ગાર્બેજ ફ્રી રેટીંગ અને વોટર પ્લસ સર્ટીફીકેશન પ્રાપ્ત થયું છે. મીકેનાઇઝડ રોડ સ્વીપર સહીતના મશીનોની રૂ.૧૦.૩૦ કરોડના ખર્ચે ખરીદી કરાઇ હોવાનું દર્શાવાયું હતું. જયારે સેનીટરી લેન્ડ ફીલ સાઇટ રૂ.૪.૪૨ કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન હાથ ઉપર છે, કલેકટર દ્રારા જમીન ફાળવણી થયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કમ્પોસ્ટ પ્લાન્ટ(વેટ વેસ્ટ)રૂ.૮.૦૫ કરોડના ખર્ચે ડીપીઆર તૈયાર થયો છે જેની ટેન્ડર કાર્યવાહી બાદ કામગીરી હાથ ધરાશે. બાયોગેસ(વેટ વેસ્ટ)રૂ.૨૧.૫૦ કરોડના ખર્ચે ડીપીઆર તૈયાર થયો છે. જેની ટેન્ડર કાર્યવાહી બાદ કામગીરી હાથ ધરાશે.
એમ.આર.એફ કમ આર.ડી.એફ. પ્લાન્ટ(ડ્રાઇ વેસ્ટ) રૂ.૧૩.૧૭ કરોડના ખર્ચે ડીપીઆર તૈયાર થયેલ છે. જેની ટેન્ડર કાર્યવાહી બાદ કામગીરી હાથ ધરાશે. સી એન્ડ ડી વેસ્ટ રૂ.૮.૫૦ કરોડના ખર્ચે ટેન્ડર કાર્યવાહી હાથ ઉપર હોય ટેન્ડર એપ્રુવ થયે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. ડેડ એનીમલના સાયન્ટીફીક નિકાલ(ઇન્સીનરેશન)પ્લાન્ટનું અંદાજે રૂ.૪ કરોડનું ટેન્ડર ઓનલાઇન હોય ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. એનીમલ બર્થ ક્ધટ્રોલ રૂલ્સ અંતર્ગત ઇન્ફ્રસ્ટ્રકચર ફેસેલીટી, સ્ટરીલાઇઝેશન અને વેકસીનેશન માટે અંદાજે રૂ.૬.૩૬ કરોડની દરખાસ્ત મંજૂર થયેલી કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ દર્શાવાયું હતું.
જયારે ચાલુ વર્ષે રજૂ કરાયેલા એટલે કે વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર અંતર્ગત કુલ રૂ.૧૦૫ કરોડના કામ પૈકી રૂ.૨૭ કરોડના કામ પૂર્ણ થયાનું અને અને અંદાજે રૂ.૪૦ કરોડના કામ ચાલુ હોવાનું દર્શાવાયું છે. જેમાં મુખ્યત્વે બે મોટી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, કેટલ પોન્ડ ડેવલોપમેન્ટ, ડોગ સ્ટરીલાઇઝેશન અને વેકસીનેશન માટેના સીવીલ વર્ક, લીગાસી વેસ્ટ રીમીડેઅશન, લીટર પીકર મશીન અને ટવીન બીન્સની ખરીદીનો સમાવેશ થાય છે. બાકી રહેતા કામો ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાના આયોજનનો દાવો કરાયો છે. પરંતુ નવાઇની વાત એ છે કે, સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર હેઠળ જે ૨૭ કરોડના કામ પૂર્ણ કરાયા છે તે કયાં છે અને જે કામ ચાલે છે તે કયાં સ્થળે અને કેટલા પૂર્ણ થયા છે તેનો કોઇ ઉલ્લેખ ન કરાતા અનેક સવાલોની સાથે શહેરીજનોને વધુ એક વખત ઉંધા ચશ્મા પહેરાવાયા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉના બજેટમાં સ્વસ્થ જામનગર, સ્વચ્છ જામનગર અંતર્ગત દર્શાવાયેલા સેનેટરી લેન્ડ ફીલ્ડ સાઇટ સહીતના કામોનું શું થયું, કામની સ્થિતિ એટલે કે કયાં સ્ટેજ પર છે તેનોે ચાલુ વર્ષના બજેટમા કોઇ ઉલ્લેખ ન હોય રીતસર વીંટલો વાળવામાં આવ્યો હોય એટલે કે ગાયબ કરી દેવામાં આવ્યાનો ઘાટ સર્જાયો છે. ત્યારે સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગરના કામોને કોરાણે મૂકી અન્ય સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરવામાં આવતા આને કહેવાય વિકાસની સાથે મનપાના સતાધીશો અને અધિકારીઓની કાર્યપ્રણાલી સામે પણ વધુ એક વખત સવાલ ઉઠ્યા છે.
અહો વિચિત્રમ કે ભ્રષ્ટાચાર..? ગત વર્ષના બજેટમાં દર્શાવેલા ૭૬.૩૦ કરોડના કામ ચાલુ વર્ષે ૧૦૫ કરોડે પહોંચી ગયા
જામ્યુકોના વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ બજેટમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર અંતર્ગત જુદા-જુદા મશીનોની ખરીદી અને સેનીટરી લેન્ડ ફીલ સાઇટ સહીત કુલ રૂ.૭૬.૩૦ કરોડના કામ દર્શાવાયા હતાં. જેમાં મશીનની ખરીદી કરવામાં આવી છે તો અન્ય કામ ટેન્ડર, જમીન ફાળવણીમાં અટવાયેલા દર્શાવાયા હતાં.
જયારે ચાલુ વર્ષના એટલે કે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર અંતર્ગત કુલ રૂ.૧૦૫ કરોડના કામો પૈકી રૂ.૨૭ કરોડના કામ પૂર્ણ તો રૂ.૪૦ કરોડના કામ ચાલુ હોવાનું દર્શાવાયું છે. ત્યારે એક વર્ષમાં સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર અંતર્ગતના કામ અને તેના ખર્ચમાં રૂ.૨૮.૭૦ કરોડનો વધારો થતા ભ્રષ્ટાચાર સહીતના સવાલો ઉઠ્યા છે. કારણ કે, કયાં કામો કેટલાના ખર્ચે પૂર્ણ કરાયા અને કયાં કામો કેટલાના ખર્ચે પ્રગતિમાં છે અને બાકી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો નથી. ફકત ગોળગોળ વાતો અને દાવા કરાયા છે.