જામનગરની ચાર ખાખીવર્દીધારી દિકરીઓ સાચી ‘મર્દાની’, ગોલાવાળા અને સેન્ટીંગ મજૂરની દીકરીઓ બની પોલીસ તે સંઘર્ષગાથા છે પ્રેરણાદાયી

  • June 10, 2021 02:12 PM 

ગોલાવાળા અને સેન્ટીંગ મજૂરની દીકરીઓ બની પોલીસ: બે શ્રમિક પરિવારની હોનહાર ચાર પુત્રીઓએ માતા-પિતાનું સપનું સાકાર કર્યું: ગોલા વેંચતા પ્રવિણભાઈ ધોળકિયાની પુત્રી પૂજા અને દીપાલી તથા સેન્ટીંગમાં મજૂરી કરતાં અશોકભાઈ યાદવની પુત્રી ચંદ્રીકા અને વિજયાએ આર્થિક સંકળામણ, અગવડતાઓ વેઠીને સફળતા હાંસલ કરી: ચારે’ય યુવતિઓની સંઘર્ષગાથા અત્યંત પ્રેરણાદાયી

 

કહેવાય છે કે, ‘મન હોય તો માળવે જવાય!’ દૃઢ સંકલ્પ સાથે પરિશ્રમ કરવામાં આવે તો સફળતા ચોક્કસ કદમ ચૂમે છે. એવો જ એક પ્રેરણાત્મક કિસ્સો જામનગરના બે સાધારણ પરિવારની ચાર યુવતિઓનો છે. જે પોલીસ વિભાગમાં ભરતી થઈને પરિવાર તથા પોલીસ ખાતાનું ગૌરવ વધાર્યું છે. અગવડતાઓ, આર્થિક સંકળામણના રોદણાં રોઈને હિંમત હારી જનારાઓ માટે આ વિરાંગનાઓ એક મિશાલ સમાન છે.

 

ગરીબી જાલીમ ચીજ છે, બેબસીનો એ એવો બિહામણો ચહેરો છે જેમાં માયુસી અને મજબૂરીનો નાયક જિંદગીનો ખેલ ચૂપચાપ જોયા કરે છે. સાથોસાથ અગવડતાઓ વચ્ચે અવ્વલ કેમ આવી શકાય એનો રસ્તો શોધી કાઢનારાઓ પણ છે. જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ સપના પૂરા કરવા માટે સખત પરિશ્રમ કરવામાં આવે તો સફળતાને પણ સૈલ્યુટ કરવું જ પડે!

 

પરિસ્થિતિઓ વિપરિત હોય, ઘરનું ગુજરાન ચલાવવું અઘંરું હોય , એક સાંધો ત્યાં તેર તૂટે એવી દાણ દાસ્તાન વચ્ચે પણ દીકરીઓને ભણાવી-ગણાવી તેમને પગભર કરવા માટે દ્રઢ સંકલ્પ અને  જીગરની જરુરી હોય છે. આવા જ જીગરવાળા બે પિતા અને વ્હાલનો દરિયા જેવી તેમની સફળ, હોનહાર પુત્રીઓની અહીં વાત કરવી છે. કહે છે કે, સફળતા પાછળ સંતાયેલો સંઘર્ષ પણ અજબ સંવેદનાઓની સીડીઓ પાર કરીને સાકાર થતો હોય છે. આ યુવતિઓએ જે સિદ્ધિ મેળવી છે તેની પાછળનો સંઘર્ષ પ્રેરણાદાયી છે.

 

જામનગરની ડીસીસી હાઈસ્કૂલ નજીક આવેલ જલારામ નગરમાં રહેતાં તથા ડીકેવી સર્કલ પાસે વર્ષોથી ‘શ્યામ ડીસ ગોલા’ નામે ગોલા વેંચતા પ્રવિણભાઈ મનજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, અમે પરિવારમાં હું, મારી પત્ની જાગૃતિ અને ચાર સંતાન છીંએ, અનેક આર્થિક સંકળામણો વેઠી છે. ગરીબી, મોંઘવારી અને છોકરાઓને ભણાવવાનો ખર્ચ બધું પહોંચી વળવું અઘરું છે, છતાં હિંમત હાર્યા વિના સતત કામ-મહેનત કરી ભણાવ્યા અને છેવટે સારું પરિણામ મળ્યું છે.

 

એક સમયે તો આર્થિક હાલત એવી થઈ ગઈ હતી કે, અઢીસો ગ્રામ તેલ લઈને દિવસો કાઢ્યા છે, પત્નીના દાગીના પણ વેંચવા પડ્યાં હતાં! જો કે, કોઈ પૂછવા પણ આવતું નહીં કે, શું કરો છો?! સાચી વાત છે, જિંદગીનો પણ અજબ ફંડા છે, ‘સુખ કે સબ સાથી, દુ:ખ મેંન ન કોઈ..!’

 

આગળ તેઓ કહે છે કે, ગુજરાન ઉપરાંત ભણતરના ખર્ચને પહોંચી વળવા વધુ કલાકો કામ કર્યું, ઉનાળામાં ગોલા અને શિયાળામાં કાવો વેંચું છું, સાદા મકાનમાં દિવસો કાઢી નાખ્યા. ઘરની જવાબદારી વધુ અને આવક ઓછી! ઉપરથી પરિવાર, સમાજના નાના-મોટા પ્રસંગો નિભાવવા પડતાં હોય છે. પ્રવિણભાઈની પુત્રી પૂજા ધોળકિયા સિટી ‘એ’ ડિવિઝનમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ નિભાવે છે જ્યારે નાની પુત્રી દીપાલી ધોળકિયા જે પોલીસ ભરતીમાં ઉતિર્ણ થતાં જામનગર પોલીસ હૈડ કવાર્ટર ખાતે હાલ તાલીમ પૂર્ણ કરી પોલીસ હૈડકવાર્ટર ખાતે સેવા આપે છે, તેમનો પુત્ર ઈલેક્ટ્રિક ઍન્જિનિયરીંગ કરે છે અને નાનો પુત્ર અભ્યાસ કરે છે.

 

પૂજા ધોળકિયા કહે છે કે, અમે ચારે’ય આજે આ મુકામ પર છીએ તેનો શ્રેય અમારા માતા-પિતાને જાય છે. માતા જાગૃતિબેને ઘરકામ તથા પિતા પ્રવિણભાઈ વર્ષોથી ગોલાની લારી તેમજ રીક્ષા ચલાવવા જેવી અથાગ મહેનત કરીને અમોને અભ્યાસ કરાવી કાબિલ બનાવ્યા છે. માતા-પિતાનું સપનું હતું કે, અમે નાનપણથી જે દુ:ખ જોયું છે તે દુ:ખ અમારા બાળકોને જોવું ન પડે! એ માટે તેઓ સતત મહેનત, મજૂરી કરતાં રહ્યાં છે.

 

પૂજા આગળ કહે છે કે, મારા પિતાએ નાનપણથી જ દાદાનું અવસાન થયાં બાદ ઘણી ગરીબાઈ અને કપરી સ્થિતિનો સામનો કર્યો છે. ભણતરની સાથે મજૂરી કરી નાની ઉંમરથી મોટી જવાબદારીઓ માથે આવી પડી હતી તેને પાર પાડી છે. ઉપરાંત પ્રજાપતિ સમાજને આગળ વધારવામાં પણ યથાશક્તિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે બન્ને બહેનોને ભણાવીને પોલીસ બનાવી પ્રજાપતિ સમાજનું ગૌરવ  વધાર્યું એ બાબતની અમોને ખૂબ જ ખુશી છે.

 

તેણી વધુમાં કહે છે કે, જામનગર સિટી ‘એ’ ડિવિઝન સ્ટાફ તથા અન્ય અધિકારીઓ ઘણો સપોર્ટ કરે છે, મને એ બાબતનો ગર્વ છે કે, કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં હું જામનગર પોલીસ ખાતામાં ફરજ બજાવી રહી છું અને લોકસેવા કરવા તત્પર રહું છું. મારા પિતાને શઆતમાં અમુક લોકો કહેતાં હતાં કે, દીકરીઓને પોલીસ ખાતામાં નોકરી ન કરાવાય, પણ મારા પિતાએ લોકોની આવી નકારાત્મક માનસિકતા સામે ડર્યા વિના ડગલે-પગલે અમને સહકાર આપ્યો છે.

 

એમનું સપનું હતું એ એમણે પૂર્ણ કર્યું છે, જે વાતનો અમને ગર્વ છે. મારા પિતા કહેતાં કે, પરિસ્થિતિ કોઈપણ હોય કદી હિંમત હારવી જોઈએ નહીં. છેલ્લે એમ પણ કહ્યું હતું કે, આ તકે ‘આજકાલ’ની ટીમનો આભાર કે, અમારી વાતને વ્યકત કરવાનો અમને મોકો આપ્યો છે. હાલ પૂજા ધોળકિયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરવામાં આવી છે.

 

જામનગરના શંકરટેકરીમાં આવેલ સિદ્ધાર્થ કોલોનીમાં રહેતાં અશોકભાઈ પ્રેમજીભાઈ યાદવ (બૌદ્ધ)એ જણાવ્યું હતું કે, હું વર્ષોથી સેન્ટ્રીંગમાં મજૂર તરીકે કામ કં છું. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સતત મજૂરીકામ કરીને મારી દીકરીઓને મેં ભણાવી છે. આજે બન્ને પુત્રી ચંદ્રીકાબેન અને વિજયાબેન પોલીસ ખાતામાં ફરજ બજાવે છે એનો મને ભરપૂર ગર્વ છે. જેમ-જેમ અભ્યાસમાં તેમની જરરિયાત ઉભી થઈ તેમ-તેમ હું વધુને કલાકો મજૂરીકામ કરતો ગયો. આગળ કહ્યું કે, પરિવારમાં પત્ની કંકુબેન કે જેણી અગાઉ કારખાનામાં કામ કરવા જતી હતી અને આર્થિક રીતે સહાયક બનતી હતી. શ્રમિક દંપત્તિ ઉપરાંત ચાર દીકરીઓ અને એક નાનો દીકરો છે. મજૂર વર્ગને કાયમી મોઘવારીમાં ગુજરાન ચલાવવું અને સાથે બાળકોને ભણાવવા એ ભારે કપં કામ છે. છતાં હિંમત હાયર્િ વિના ોટી દીકરી ચંદ્રીકાબેન યાદવ અને બીજી પુત્રી વિજયાબેન યાદવને કૉલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવ્યા બાદ પોલીસ પરીક્ષા પાસ કરી.

 

દેવુ કરીએ તો ભાર વધે એના કરતાં મજૂરીકામ કરીને લક્ષ્ય પૂર્ણ કરવું જોઈએ. કોરોનાકાળમાં લૉકડાઉન બાદ કામ-ધંધા ભાંગી પડ્યાં છે. જો કે, છૂટ્ટં-છવાયું કામ મળી રહે છે અને ઘરનું ગાડું ગબડતું રહે છે! ચંદ્રીકાબેન યાદવે જણાવ્યું હતું કે, મેં બી.એ. વીથ ઈકોનોમિકસ સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ વિવિધ સ્પધર્ત્મિક પરીક્ષાઓ આપતી રહી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી જાતે જ મોટા ભાગનું મૈનેજ કરવું પડતું હતું. શંકરટેકરીમાં ડૉ.બી.આર. આંબેડકર એજ્યુકેશન સપોટ સેન્ટર ખાતે સ્પધર્ત્મિક પરીક્ષા માટે નિ:શુલ્ક ચાલતાં કલાસમાં અમો જતાં હતાં જ્યાં ઘણું શીખવા મળ્યું.

 

મારી ઈચ્છા વહિવટી શાખામાં કારકિર્દી બનાવવાની હતી, પરંતુ કલાસમાં સાથી સખીઓ પોલીસ પરીક્ષા માટે ફોર્મ ભરતાં હતાં તેથી અમોએ પણ તૈયારીઓ શ કરી. વર્ષ 2019માં પોલીસ પરીક્ષા આપી અને એમાં પાસ થઈ. પ્રેક્ટિકલ રનીંગ માટે ખૂબ જ મહેનત કરી, વહેલી સવારે ઉઠીને સતત પ્રેક્ટિસ કરતાં હતાં, તેમાં વળી પરીક્ષા નજીકના દિવસોમાં જ મારો એક  પગ મચકાઇ ગયો. પગમાં સોજો આવી જતાં હવે શું થશે? એવી ચિંતા થઇ આંખોમાં આંસુ આવી ગયા જો કે, હિંમત હાયર્િ વિના પરીક્ષા આપી અને બધુ સારુ થયું. હાલ જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રેનીંગ પુરી કરી સીટી બી ડીવીઝનમાં કોવિડ હૉસ્પિટલ ખાતે ફરજ પર છું. ચંદ્રિકાએ આગળ કહેલું કે, મારી નાની બેન વિજયા યાદવ પણ પોલીસમાં છે. બીકોમ સુધી અભ્યાસ કયર્િ બાદ પોલીસ પરીક્ષા પાસ કયર્િ બાદ જુનાગઢ ખાતે ટ્રેનીંગ બાદ હાલ સુરત ખાતે કાર્યરત છે.

 

અમારા માતા પિતા તથા જીતુભાઇએ ખુબ જ સપોર્ટ કર્યો. આર્થિક પરિસ્થિતિ નબળી હતી છતાં પિતાએ સતત હિંમત પ્રોત્સાહન આપ્યું હતું. હું આજે જે કંઇ છું એ ડો. બાબાસાહેબના કારણે જ છું. ચંદ્રિકા કહે છે કે હું ઘરમાં મોટી હોવાથી ઘરની જવાબદારી, ઘરકામ, નાનાભાઇને ભણાવાનું હોય, ઉપરાંત મારે અભ્યાસ કરવાનો હોય અમે બન્ને બહેનો પોલીસ વિભાગમાં જોઇન્ટ થઇ તેનો સમગ્ર શ્રેય અમારા માતા પિતાને જાય છે. વિજયાબેન પણ પોતાની સફળતા પાછળ માતા પિતાને પ્રાધાન્ય આપે છે. દેશ અને સમાજ માટે કંઇક કરી છૂટવાની ઇચ્છા બહેનોએ વ્યકત કરી હતી.

 

આ ચારેય યુવતિઓના પિતાનો અભ્યાસ ભલે ઓછો હોય પણ જીંદગીના પાઠ બરાબર ભણ્યા છે. આમ પણ જે પુસ્તક ના શિખવી શકે એ જીંદગી શીખવતી હોયછે ! સાચું જ કહ્યું છે કે જીંદગી હરકદમ એક નયી જંગ હૈ... જીત જાયેંગે હમ...તુમ અગર સંગ હો...! એકબીજાના ટેકાથી જંગ જીતી શકાય છે. નાના માણસોને ખાલી પેટે સપનાઓને કેમ ભરેલા રાખવા એ આવડતું હોય છે ! કદાચ એટલે જ કહે છે કે, નાના ઘરમાં રહેવાવાળાને મન મોટા હોય છે. ગરીબીમાં ઉછેર કરી, અથાગ મહેનત થકી સફળતા મેળવનાર મહિલા પોલીસને સલામ...એમની સંઘર્ષગાથા અન્યને પ્રોત્સાહિત પ્રેરણાદાયી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS