જામનગરનું રતન ઓલરાઉન્ડર વિનુ માંકડની આજે જન્મતિથિ

  • April 12, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૯૭૩ માં પદ્મ વિભૂષણથી સન્માનીત: ૬ ટેસ્ટમાં સંભાળ્યું હતું કપ્તાનપદ

નવાનગર-જામનગરે ક્રિકેટ વિશ્વને અનેક ક્રિકેટરો આપ્યા છે જેમણે જામનગર-નવાનગરનું નામ રોશન કર્યું છે, જેમાં સર જામ રણજીતસિંહજી, દુલીપસિંહજી, વિનુ માંકડ, સલીમ દુરાની, અશોક માંકડ, અજયસિંહજી જાડેજા, રવિન્દ્ર જાડેજા સહિતનાઓનો સમાવેશ થાય છે.આ પૈકીના એક ક્રીકેટર વિનુ માંકડની આજે તેમની ૧૦૮મી જન્મતીથી છે,તા.૧૨-૦૪-૧૯૧૭ ગુ‚વારના રોજ જામનગર ખાતે જન્મ,અવસાન તા.૨૧-૦૮-૧૯૭૮ સોમવારના રોજ મુંબઈ ખાતે થયેલ.


ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. વિનુ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ વિનુના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં વિનુ માંકડના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની ઓપનિંગ બેટિંગ અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજીથી કેટલીયે ટેસ્ટમેચોમાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી.


પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ૧૯૩૫થી ૧૯૬૪ દરમિયાન વિનુ માંકડ વેસ્ટર્ન ઇન્ડિયા, નવાનગર, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, મુંબઈ, રાજસ્થાન તરફથી રમ્યા હતા અને ૨૬ સદીઓ સાથે ૩૪.૭૦ની બેટિંગ સરેરાશથી કુલ ૧૧,૫૯૧ રન નોંધાવ્યા હતા. વળી ૨૪.૫૩ની બોલિંગ સરેરાશથી કુલ ૭૮૨ વિકેટો અને ૧૯૦ કેચ ઝડપ્યાં હતાં.૨૦ વર્ષની યુવાન વયે વિનુ માંકડે ૧૯૩૭૩૮માં લાહોર ખાતે ઇંગ્લેન્ડ સામે બિનસત્તાવાર બીજી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો.


અત્યંત શક્તિશાળી ઑલરાઉન્ડર વિનુ માંકડે ૧૯૪૬માં ૨૨મી જૂને લોર્ડ્ઝના મેદાન પર ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં જ ઇંગ્લેન્ડની ક્રિકેટ-મોસમમાં તેમણે ૧,૧૨૦ રન અને ૧૨૯ વિકેટો ઝડપીને બેવડી સિદ્ધિ મેળવી હતી.


૧૯૪૭-૪૮માં લાલા અમરનાથના નેતૃત્વ હેઠળ તેમણે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો અને સિડની ખાતે બીજી ટેસ્ટમાં નોન-સ્ટ્રાઇકર છેડે ઊભા રહી દડો ગોલંદાજના હાથમાંથી છૂટે તે પહેલાં જ ક્રીસ છોડી દેતા ડબ્લ્યૂ. એ. બિલ બ્રાઉનને નોન-સ્ટ્રાઇકર છેડે રન-આઉટ કરીને વિનુ માંકડે સનસનાટી મચાવી હતી. ક્રિકેટ જગતમાં આ ઘટના માન્કડેડ તરીકે જાણીતી બની હતી.૧૯૫૨ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિનુ માંકડે લોડર્ઝ ખાતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટો ઝડપી અને પછી ભારતના બીજા દાવમાં શાનદાર ૧૮૪ રન નોંધાવીને બેટિંગ-બોલિંગ બંને ક્ષેત્રમાં સિદ્ધિ નોંધાવી હતી.


૧૯૫૨-૫૩માં દિલ્હી ખાતે ફીરોજશાહ કોટલા મેદાન પર પાકિસ્તાન સામેની સૌપ્રથમ ટેસ્ટમાં વિનુ માંકડે પ્રથમ દાવમાં ૫૨ રનમાં ૮ તથા બીજા દાવમાં ૭૯ રનમાં ૫ વિકેટો ઝડપીને (૧૩૧ રનમાં કુલ ૧૩ વિકેટો ઝડપીને) તરખાટ મચાવતાં ભારતને ૧ દાવ, ૭૦ રને જ્વલંત વિજય અપાવ્યો હતો.વિનુ માંકડ ટેસ્ટ ક્રિકેટમાં ૨,૦૦૦થી વધુ રન અને ૧૦૦થી વધુ વિકેટો ઝડપી હોય તેવા વિરલ ક્રિકેટર હતા. ૪૪ ટેસ્ટ મેચોમાં પાંચ સદી (સર્વોચ્ચ ૧૮૪) સાથે તેમણે કુલ ૨,૧૦૯ રન (સરેરાશ ૩૧.૪૭) કર્યા હતા તથા ૧૬૨ વિકેટો (સરેરાશ ૩૨.૩૨) અને ૩૩ કેચ ઝડપ્યા હતા.


વિનુ માંકડ ૧૯૫૫-૫૬માં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ચેન્નાઈ ખાતે કોર્પોરેશન મેદાન પર પાંચમી ટેસ્ટમાં પુરબહારમાં ખીલ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન તરીકે બેવડી સદી ફટકારતાં તેમણે ૨૩૧ રન નોંધાવીને સાથી બેટ્સમેન પંકજ રોય (૧૭૩) સાથે ૪૭૨ મિનિટમાં ૪૧૩ રનની પ્રથમ વિકેટની ભાગીદારીનો એ સમયે વિશ્વવિક્રમ સર્જ્યો હતો.વિનુ માંકડે ૬ ટેસ્ટ મેચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું. વર્ષો સુધી ઇંગ્લેન્ડના લીગ ક્રિકેટમાં વ્યવસાયી ખેલાડી તરીકે પણ રમ્યા હતા.૧૯૭૩ માં કેન્દ્ર સરકાર દ્વારા તેઓને પદ્મ વિભૂષણથી નવાજવા આવ્યા હતા, ૧૯૯૫માં સ્મૃતિમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેમ્પ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.


તા.૨૩-૦૧-૨૦૦૪ શુક્રવારના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લાલ બંગલા સર્કલ ખાતે જામનગરના રતન વિનુ માંકડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા જામનગરના ભાવી ક્રિકેટરોને પ્રેરણા પુરી પાડી રહ્યું છે.તેમની ૧૦૮મી પૂણ્યતિથિએ શ્રધ્ધાસુમન...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News