જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના નવયુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

  • March 01, 2021 10:37 AM 

જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઇ (ઉ.વ. ૩૦) નું ગઇકાલે રાત્રે બે મોટર સાઇકલો સામસામી અથડાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજતાં ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

આ અકસ્માતની વિગતોમાં ગઇકાલે ગુંજનના બહેન વિભાબેન ભાયાણીની પુત્રી અર્થાત ગુંજનના ભાણેજનો જન્મ દિવસ હોવાથી ભાયાણી પરિવાર દ્વારા પારિવારીક રીતે જામનગર- ખંભાળીયા ધોરીમાર્ગ પર સાત કીમી. દુર આવેલી હોટલ રજવાડુમાં બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. ગુંજન અને ભાયાણી પરિવાર રાત્રે ૧૧ વાગ્યા આસપાસ હોટલ રજવાડુંથી જામનગર પરત આવવા નિકળ્યા હતા.

ગુંજન એકલો તેના મોટર સાઇકલ પર રજવાડુથી જામનગર પરત આવી રહ્યો હતો, ત્યારે જામનગરથી બેડ ટોલ નાકા ઉપર નોકરી કરતા અને બેડ તરફ મોટર સાઇકલ ઉપર પૂરપાટવેગે જતા યુવાનના મોટર સાઇકલ સાથે ધડાકાભેર અથડાતાં બંને મોટર સાઇકલ પરથી ફેંકાઇ ગયા હતા. જેમાં ગુંજનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતુ. જયારે સામાવાળા યુવાનને ઇજા થતાં તેને જી. જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગિરીશભાઇ તથા ભાયાણી પરિવારના સદસ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યાર પછી ગુંજનના મૃતદેહને જી. જી. હોસ્પીટલમાં લઇ જવાયો હતો અને પોસ્ટ મોર્ટમની વિધી પત્યા પછી ગિરીશભાઇના નિવાસ સ્થાન ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમ યાત્રા નિકળી હતી.

ગિરીશભાઇના નવયુવાન પુત્રના અકાળે અવશાનના સમાચાર મળતાં સમગ્ર રઘુવંશી સમજમાં તેમજ પત્રકાર આલમમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઇ છે. ગુંજન ગણાત્રા ગાંધીનગર સ્થિત એક ખાનગી અમેરિકન કંપનીમાં સર્વિસ કરતો હતો, અને શનિ-રવિની રજા હોવાથી તથા ભાણેજના જન્મદિવસના કારણે જામનગર આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS