જામનગર એરફોર્સના અધિકારીના મામલામાં હાઈકોર્ટે કહ્યું: કોઈને વૈક્સિન લેવાની ફરજ પાડી શકાય નહીં

  • June 24, 2021 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એરફોર્સ અધિકારી સામે કોઇ પગલાં લેવા પર વડી અદાલતની ડિવિઝન બેંચે મનાઈ ફરમાવી

જામનગર એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતાં એક અધિકારીએ વેક્સીન લેવાનો ઇન્કાર કરતા તેમને નોકરીમાંથી શા માટે બરતરફ કરવા નહીં તેવી શોકોઝ નોટીસ ફટકારવામાં આવતા અધિકારી દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા, જેમાં હાઇકોર્ટે અધિકારીના ધારાશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ મુદ્દાઓને ઘ્યાને લઇ હાઇકોર્ટની જસ્ટીસ બેચ દ્વારા આ અધિકારી સામે કોઇ પ્રકારની કાર્યવાહી કે પગલા લેવા નહીં તેવો સ્ટે ફરમાવ્યો હતો. જામનગરમાં ઇન્ડીયન એરફોર્સમાં ફરજ બજાવતા અધિકારીએ વેકસીન લેવાની ના પાડતા તેમને એરફોર્સે શો કોઝ નોટિસ પાઠવી છે. આ નોટિસને એરફોર્સના અધિકારીએ હાઇકોર્ટમાં પડકારી છે. તેમા એવી રજુઆત કરી છે કે, વેકસીન લેવી કે નહી તે અંગે વ્યકિતનો અંગત અધિકાર છે તેના પર કોઇ ફરજ પાડી શકે નહી.

અધિકારી પોતે આયુર્વેદમાં માને છે તેમને એલોપેથી પર વિશ્વાસ નથી તેથી વેકસીન લેવા ઇન્ડીયન એરફોર્સ ફરજ પાડી શકે નહી. જસ્ટિસ એ.જે દેસાઇ અને અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે ઇન્ડીયન એરફોર્સ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અને અધિકારી સામે 1લી જુલાઇ સુધી કોઇ પગલા નહી લેવા આદેશ કર્યો છે.

જામનગરમાં ઇન્ડીયન એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રકુમારે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી રજુઆત કરી છે કે, તેણે કોવિડ-19 સામેની વેકસીન લેવાનો ઇન્કાર કરતા તેને ઇન્ડીયન એરફોર્સે નોકરીમાંથી બરતરફ કરવા તા.10મી મે ના રોજ શો કોઝ નોટિસ પાઠવી છે. આ નોટિસ ગેરકાયદેસર છે. વેકસીન લેવી કે નહી તે અંગે કોઇ ફરજ પાડી શકે નહી. વેકસીન લેવાનો ઇન્કાર કરનારને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય તદ્ન ગેરકાયદેસર છે.

અધિકારી પોતે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદની દવાઓ લે છે. માત્ર કટોકટીના સમયે જ તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરે છે. જયારે આયુર્વેદ પાસે બિમારીનું સમાધાન ન હોય ત્યારે જ તે એલોપેથીનો આશરો લે છે. ભારતીય વાયુસેનામાં જામનગર ખાતે ફરજ બજાવતા અધિકારીએ પોતાને પાઠવાયેલી નોટિસ સંદર્ભે હાઇકોર્ટનો આશરો લેતા સમગ્ર મુદ્દે ભારે ચકચાર મચી જવા પામી છે. ઇન્ડીયન એરફોર્સ એક શિસ્તબધ્ધ ફોર્સ છે તેમા શિસ્તભંગ કરનારને નોકરીમાંથી બરતરફ કરવાનો નિયમ છે.યોગેન્દ્ર કુમારે વેકસીન લેવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમને નોકરીમાંથી શા માટે બરતરફ ના કરવા તેવી નોટિસ આપવામાં આવી છે.

ઇન્ડીયન એરફોર્સના અધિકારી યોદેન્દ્ર કુમારે 26મી ફેબ્રુઆરીએ કમાન્ડીંગ ઓફિસરને પત્ર લખીને વેકસીન લેવા અનિચ્છા દશર્વિી હતી. અને એવી રજુઆત કરી હતીકે તે વર્ષોથી રોગપ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદનો ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં પણ વેકસીન ફરજીયાત લેવાનો કોઇ ઉલ્લેખ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS