જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા અને તેના એક સાગરીતને જામનગર સાયબર પોલીસે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે બન્નેની રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલ હવાલે કરાયા છે.
જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આ.ઇડી. ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં સૌ પ્રથમ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાનું લોકેશન મેળવીને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લઇ રીમાન્ડ પર લીધો હતો. પોલીસ દ્વારા બે મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા હતા, અને ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન ધ્રોલમાં રહેતો રાજેન્દ્રસિંહ સોલંકી નામના સાગરીતની સંડોવણી સામે આવી હતી દરમ્યાન રાજેન્દ્રસિંહને બે દિવસના રીમાન્ડ પર લીધો હતો.
જે બંનેની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા અને તેના સાગરીત બંનેને જેલ હવાલે કરી દેવાયા છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે.