સાબુથી લઈને ડિટર્જન્ટ, બિસ્કિટ, પેકેજ્ડ ખાદ્ય પદાર્થો અને પીણાં સુધીની દરેક વસ્તુના ભાવ વધવાની શક્યતા છે. હકિકતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંભવિત વધારો હવે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ક્ષેત્ર પર અસર કરી રહ્યો છે. લોજિસ્ટિક્સ અને કાચા માલના વધતા ખર્ચને કારણે કંપનીઓ ઉત્પાદનના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.
ભૂ-રાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો, ચલણના અવમૂલ્યન અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને કારણે ફુગાવાના દબાણ કોર્પોરેટ નફામાં ઘટાડો કરી રહ્યા છે. આ દબાણ ખોરાક, વ્યક્તિગત સંભાળ, પીણાં અને ઘરગથ્થુ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં અનુભવાઈ રહ્યું છે.
આના કારણે એફએમસીજી કંપનીઓએ પાંચ, દસ અથવા રૂ.15ના લોકપ્રિય નાના પેકેટ જાળવી રાખીને વેચાણ વોલ્યુમ જાળવી રાખવા માટે કિંમતો વધારીને અથવા પેકના કદ ઘટાડીને તેમના માર્જિનને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. સાબુ અને ડિટર્જન્ટ આ ઉત્પાદનોમાં વપરાતા પામ તેલ અને લીનિયર આલ્કિલ બેન્ઝીનના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે. ડીશવોશ અને હેન્ડવોશમાં પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે તેમના ભાવમાં પાંચ-દસ ટકાનો વધારો થઈ શકે છે.
બિસ્કિટ અને નમકીનમાં લોટ, ખાંડ અને પામ તેલના વધતા ભાવ બિસ્કિટ અને નમકીન ઉત્પાદકોના ઉત્પાદનો પર સીધી અસર કરી શકે છે. કંપનીઓ ભાવ વધારશે અથવા પેકેટનું વજન ઘટાડશે. પેકેજ્ડ ફૂડમાં ફ્રોઝન ફૂડ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સના ભાવ પણ વધી શકે છે. સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસમાં ઉનાળાની ઋતુમાં માંગમાં વધારો અને પ્લાસ્ટિક બોટલના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે તેમના ભાવમાં વધારો થઈ શકે છે. ચા અને કોફીમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાને કારણે તેમનું પેકેજિંગ પણ વધુ મોંઘું થઈ શકે છે.