હમેં તો અપનોને લૂંટા, ગૈરોં મેં કહાં દમ થા હમારી કીશ્તી ડૂબી થી વહાં જહાં પાની કમ થા
પૂનમબેન માડમ, રાઘવજીભાઇ પટેલ, હકુભા જાડેજા કોંગ્રેસથી દાઝીને જ બીજા પક્ષમાં ગયા હતાં: આપના ધારાસભ્ય હેમત ખવા સાથે પણ થયો હતો અન્યાય: આપના વર્તમાન પ્રમુખ વશરામ રાઠોડને પણ કોંગીની હાઇકમાન્ડે ખરા ટાણે દેખાડી હતી પીઠ: જીતુ લાલ જેવા લોકપ્રિય નેતા પણ ગુમાવ્યા : કાસમ ખફી જેવા શકિતશાળી વ્યકિતને નજરઅંદાજ કરાયા અને હવે વોર્ડ નં.૧૨ના તાકતવર યુવા નેતા અસલમ ખીલજીને પણ જુથવાદે વેતરી નાખ્યા: આમાં કોંગ્રેસ કયાંથી બેઠી થાય?
એક સમય હતો જયારે જામનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાંથી ત્રણ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે હતી.. એક સમય હતો કે બે દાયકા સુધી કોંગ્રેસના સંસદ સભ્ય હતાં.. એક સમય હતો કે જયારે કોંગ્રેસ જામનગર જિલ્લામાં એટલી મજબુત હતી કે ખરેખર ભાજપ સામે મોદીકાળમાં પણ મોટી ચેલેન્જસમાન હતી પરંતુ આજે કોંગ્રેસની છાવણી પર નજર કરીએ છીએ તો હું, તું ને’ રતનીયો.. જેવો ઘાટ સર્જાયો છે અને દેશની સૌથી જુની રાજકીય પાર્ટીનું જામનગર જિલ્લામાં પતન થવા પાછળ શું કારણ? એ વાત વધુ એક વખત રાજકીય આલમમાં ચર્ચાના એરણે ત્યારે આવી છે કે જયારે કોંગ્રેસના જ એક વધુ તાકાતવાળા નગરસેવકને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સાથે જ કોંગ્રેસની જુની પરંપરાની યાદ વધુ એક વખત તાજી થઇ છે અને એ વાત સમજાઇ રહી છે કે શું કામ જામનગર જિલ્લામાં કોંગ્રેસની અવદશા થઇ છે.
કેટલા નામ લઇએ, કોની કોની ચર્ચા કરીએ કારણ કે ભૂતકાળમાં ડોકીયું કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીમાં જેઓ સન્માનજનક સ્થળે બેઠા છે એમની રાજકીય કારર્કીદીના પાયા કોંગ્રેસમાં નખાયા હતાં પરંતુ ખરા ટાઇમે હાથ છોડી દેવાની ગુજરાત કોંગી હાઇકમાન્ડની સ્યુસાઇડલ પોલીસીના કારણે તેઓ કોંગ્રેસથી દુર ગયા.
હેટ્રીક સર્જનારા વર્તમાન સાંસદ પૂનમબેન માડમ સૌથી મોટો દાખલો છે, એમની રાજકીય સફરનો એકડો કોંગ્રેસમાં ઘૂંટાયો હતો, ખંભાળીયાથી વિધાનસભાની ચુંટણી માટે એમણે ટીકીટ માંગી હતી, પવન પારખી નહિં શકનારી અને તાકાતવાળાઓને બાકાત રાખવાની પોલીસી ધરાવતી કોંગીની હાઇકમાન્ડે તત્સમયે જુથવાદના કારણે લગભગ ફાઇનલ થઇ ચુકેલા પૂનમબેનને ટીકીટ આપી ન હતી અને એ પછી શું થયું એ જામનગર-દ્વારકા જિલ્લાના લોકો જાણે છે.
વર્તમાન કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પણ કોંગ્રેસને છોડીને ભાજપમાં ગયા હતાં, મતલબ કે આ બે મોટા નેતાઓને પણ કોંગ્રેસમાં કંઇક નાનો-મોટો અન્યાય તો થયો જ હશે એવું નહિં માનવાનું કોઇ કારણ નથી.
સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને વેપારી આલમમાંથી આવતા તથા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુ લાલ પણ એવું નામ છે કે એમના જવાથી પણ કોંગ્રેસને ભારે નુકશાન પહોચ્યું છે, કારણ કે તેઓ લોક હૃદયમાં સ્થાન લેવામાં સફળ થયેલા એક લોકનેતા છે, આજે તેઓ ભાજપમાં છે.
મજબૂત રાજકીય નેતાઓને સાઇડલાઇન કરવાની કોંગીની પરંપરા સતત ચાલતી રહી છે, આવું જ કંઇક જામજોધપુરના આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય હેમતભાઇ ખવા સાથે પણ થયું હતું અને આવા યુવા નેતાને જિલ્લા પંચાયતની ટીકીટ નહિં આપીને કોંગીની હાઇકમાન્ડે મુર્ખાઇનું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, આ પછી નારાજ થયેલા હેમતભાઇ ખવાએ જામજોધપુરમાં કોંગ્રેસની ઘોર ખોદી નાખી અને ત્રીપાંખીયા જંગમાં કોંગી તથા ભાજપ બન્નેને પરાજીત કરીને તેઓ ધારાસભ્ય બન્યાં એટલે સીધી વાત છે કે એમના બાવળામાં બળ હતું.
આમ આદમી પાર્ટીના વર્તમાન જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ સાથે પણ કોંગીએ હળાહળ અન્યાય કરીને તે લાયક હોવા છતાં એમને જિલ્લા પંચાયતની બેઠક પર ટીકીટ આપી નહિં, તેઓ પણ કોંગીના જુથવાદનો શિકાર બન્યાનું જે તે સમયે સપાટી પર આવ્યું હતું, પરિણામ એ આવ્યું કે એમણે પણ પંજાનો સાથ છોડી દીધો અને સાવરણું હાથમાં લઇ લીધું, ઉપરોકત બન્ને આહિર નેતાઓ કેટલા તાકાતવાળા છે તેના પુરાવા આજે પણ મળી રહ્યા છે.
આગળ ચાલીએ તો કોંગી હાઇકમાન્ડની અન્યાયકારી નજરનો વધુ એક શિકાર પૂર્વ નગરસેવક અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફી બન્યા હતા, આ એવા તાકાતવાળા નેતા હતાં જેની સાથે પણ કોંગીએ અન્યાય કર્યો, એમણે ૭૭-જામનગર ગ્રામ્યની બેઠક પર ગત વખતે ચુંટણી લડી, બહુજન સમાજ પક્ષના તેઓ ઉમેદવાર બન્યાં, આટલું જ નહિં કોંગ્રેસના ઉમેદવાર કરતા ડબલ મત એમણે મેળવ્યા અને સૌરાષ્ટ્રમાં અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી વધુ મત મેળવનારા તેઓ સાબિત થયાં, આવા તાકાતવાળા અને પોતાની પાછળ ટેકેદારોનો મોટો સમુહ ધરાવનારા સાચા લોકનેતાની પણ કોંગ્રેસે અવગણના કરી.
ઉપરોકત બધા નામ અત્યારે યાદ કરવાની ફરજ એટલા માટે પડી કારણ કે વાસ્તવમાં એ બધાના કોંગ્રેસ ત્યાગ બાદ જ વાસ્તવીક રીતે કોંગ્રેસનું નામુ નખાવાનું શ થયું, એ બધા એવા પાયા હતા જેના પર કોંગ્રેસની ઇમારત ઉભી હતી પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાઇ કમાન્ડ દ્વારા એ સમયે પણ અપરીપકવતા દેખાડવામાં આવી હતી અને સતત કોંગ્રેસને નુકશાનકર્તા નિર્ણયો પ્રદેશ કોંગ્રેસ તરફથી થતા રહયા હતા તેવું સામાન્ય રીતે જોવા મળ્યું છે.
હજુ તાજો દાખલો છે કે વોર્ડ નં.૧૨ના શકિતશાળી નગરસેવક અસલમ કરીમ ખીલજીને કોંગ્રેસ પક્ષે છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે, આ નગરસેવક લડાયક છે, પોતાની પાછળ મોટો ટેકેદાર સમુહ ધરાવે છે, મત મેળવવાની અને કોંગ્રેસના ઉમેદવાર માટે મત નખાવવાની તાકાત આ યુવા નેતા ધરાવે છે પરંતુ આખરે આ પૂર્વ વિપક્ષી નેતાને પણ કોંગ્રેસનો આંતરીક જુથવાદનો એ ડંશ દેવામાં સફળ થઇ ગયો છે અને એમણે પોતાનું કામ કરી લીધું છે.
વોર્ડ નં.૧૨ કોંગ્રેસ માટે ગઢ માનવામાં આવે છે, તેમાં ગાબડા પાડવા માટે લાંબા સમયથી વિરોધી રાજકીય પક્ષો નીત નવા નુસ્ખા અજમાવી રહ્યા છે, પરંતુ તેઓ અત્યારસુધી સફળ થઇ શક્યા નહતાં ત્યારે હવે ખુદ કોંગ્રેસે જ જેમ પહેલા કર્યુ તેમ પોતાના શકિતશાળી યુવા નેતાનું માથું ચાંદીની થાળીમાં બીજા પક્ષને ધરી દીધું છે. અત્રે નોંધનીય છે કે આ વોર્ડમાં અસલમ ખીલજી રેકર્ડબ્રેક જીત નોંધાવી ચુકયા છે.
ચર્ચામાં એક નામ રહી ગયું અને એ છે પૂર્વ મંત્રી ડો. દિનેશભાઇ પરમાર.. આ સુશિક્ષીત અને પ્રબુદ્ધ દલીત નેતાના પુત્ર અખીલ પરમાર સાથે પણ કોંગ્રેસ અન્યાય કરવાનું ચુકી નહિં અને એમની પણ બાદબાકી કરીને કોંગીની કટપુતળી જેવી હાઇકમાન્ડે એવું પુરવાર કરી દીધું કે ગાંધીનગર, અમદાવાદ બેઠેલા કોંગીના કહેવાતા મોટા નેતાઓ પાસે વિઝન જ નથી.. ભવિષ્ય સુધી જોવાની તાકાત એમની નજરમાં છે જ નહિં.
કદાચ આવા જ કારણે જામનગર-દેવભૂમી દ્વારકામાં કોંગ્રેસ આજે મરણ પથારીએ પહોંચી ગઇ છે અને કોંગ્રેસનો આ જુથવાદ હજુ પણ કોંગ્રેસની પથારી ફેરવવા રોજ ઉઠીને કોનું માથું વાઢવું તેવા પ્લાન બનાવી રહ્યો છે ત્યારે રાજકીય વિશ્ર્લેષકો એવું જોઇ રહ્યા છે કે કોંગ્રેસને વેન્ટીલેટર સુધી પહોંચાડી દેનારા કોઇ બહારના નહિં તેના ઘરના જ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કહેવાતી હાઇ કમાન્ડ શું વિચારીને નિર્ણય લે છે એ ખરેખર સમજાય એવું નથી, જે પરાજીત થયા હોય તેને સંગઠનના સુત્રધારો બનાવી દેવામાં આવે છે અને જેની પાછળ લોકોનો સમુહ હોય, જનતાનું સમર્થન હોય એવા ચહેરાને નજર અંદાજ કરવામાં આવે છે.
જીવણભાઇ કુંભરવડીયા વિધાનસભાની ચુંટણીમાં પરાજીત થયા હતા, કદાચ તેનું ઇનામ કોંગ્રેસે એમને જીલ્લાના પ્રમુખ બનાવીને આપ્યું, વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા વોર્ડ નં. ૨માં મહાનગરપાલીકાની ચુંટણીમાં પરાજીત થયા હતા એમને શહેર કોંગ્રેસ પ્રમુખપદનો તાજ પહેરાવવામાં આવ્યો, આટલું ઓછું હોય તેમ હજુ પાછલી વિધાનસભાની ચુંટણીમાં જ ૭૯-જામનગર વિધાનસભાની બેઠક પર ઘોર પરાજય પામેલા બિન અનુભવી ચહેરાને હાલમાં જીલ્લાના કોંગ્રેસનું પ્રમુખ પદ શિરપાંવના પમાં ધરી દેવામાં આવ્યું છે.
છે ને આશ્ર્ચર્યજનક નિર્ણયો, ગુજરાત પ્રદેશની હાઇ કમાન્ડ કયા ધારા ધોરણ નજરમાં રાખીને, કયા આધારે પરાજીત થયેલા ચહેરાઓને વધુ પ્રમોટ કરે છે એ ખરેખર સમજાય તેવું નથી અને સરવાળે કોંગ્રેસને નુકશાન પહોંચે એવી જ નીતી રીતી રખાતી હોવાનું ફલીત થાય છે.
દુરંદેશીભરી નજરની વાત તો દુર રહી પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગોફણીયા ઘા જેવા નિર્ણયો પરથી એવું લાગે છે કે પ્રદેશની હાઇ કમાન્ડની આઇ કયુ ખરેખર જાણે ઝીરો થઇ ગઇ છે, ભવિષ્યમાં કોણ પક્ષને મજબુત કરી શકશે એટલી પણ સમજણ કદાચ હાઇ કમાન્ડ ગુમાવી બેઠી હોય એવું લાગે છે.
રાજકારણમાં કોઇપણ નેતાની મુખ્ય તાકાત હોય છે તેની પાછળ ઉભેલું લોક સમર્થનનું વર્તુળ, જેનું વર્તુળ જેટલું મોટું એ એટલો મોટો નેતા કહેવાય, સીધી વાત છે કે રાજકારણમાં નેતામાંથી લોક નેતા બનવા માટે મોટું સમર્થન હોવું અનિવાર્ય છે, અને ઉપરોકત કોંગીથી દુર ગયેલા અથવા ગુજરાત કોંગ્રસની હાઇ કમાન્ડની કટારથી કપાયેલા કોંગી નેતાઓ એવા જ છે કે જેમની પાછળ મોટું લોક સમર્થન છે, એટલે જ રાજકીય વિશ્ર્લેષકો માથું ખંજવાળતા થઇ જાય છે કે આખરે ગુજરાત કોંગ્રેસની હાઇ કમાન્ડ કયા ધારાધોરણોને અનુસરીને કઇ નીતીના આધારે નિર્ણયો લે છે.
ગધેડા અને ઘોડાનો તફાવત જો સમજી શકાતો ન હોય તો એવી નેતાગીરી કોઇપણ પક્ષ માટે પ્રાણઘાતક પુરવાર થાય છે અને આવું જ કઇંક કમસે કમ જામનગર જીલ્લાની બાબતમાં ગુજરાત કોંગ્રેસની હાઇ કમાન્ડનું વલણ અત્યાર સુધી દેખાયું છે.
કેટલો તફાવત છે ભાજપ અને કોંગ્રેસની કાર્યશૈલીમાં, નીતીમાં એ પણ ઉડીને આંખે વળગે છે.. એક તરફ ભારતીય જનતા પાર્ટીના અદનાથી લઇને આલા તમામે તમામ નેતાઓ ગંભીરતાપુર્વક સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું અને કમળની પાંખોને વધુને વધુ મજબુત બનાવવા એક થઇને કામ કર્યું હતું, બીજી તરફ મુખ્ય રાજકીય હરીફ પક્ષ કોંગ્રેસની દશા એવી છે કે તેની અંદરના જુથવાદીઓ પંજાની મજબુત આંગળીઓને એક પછી એક કાપી રહ્યા છે. જોઇએ કોંગીનો આ જુથવાદ નહે-ઇન્દીરા ગાંધીના આ પક્ષને પાતાળમાં કયાં સુધી પહોંચાડે છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech