અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો નવમો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના 30 ફ્યૂલ ટેન્કો અને ઘણા તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, યુદ્ધના મેદાનમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેમાં તેહરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ૨૦ જેટલા નિર્દોષ ઈરાની નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ સમગ્ર આરબ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધુ સ્ફોટક બની છે, જેનાથી વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.
તે જ સમયે, ટ્રમ્પે શનિવારે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન સંપૂર્ણપણે હાર માની લે. ટ્રમ્પે કહ્યું કે તેનો અર્થ એ છે કે ઈરાન લડાઈ ચાલુ રાખવાની સ્થિતિમાં ન રહે અને અંતે આત્મસમર્પણ કરી દે. તેમણે કહ્યું કે કાં તો ઈરાન પોતે શરણાગતિ સ્વીકારે અથવા તેની સૈન્ય શક્તિ એટલી નબળી કરી દેવામાં આવે કે તે લડવાને લાયક જ ન રહે.
બીજી તરફ, ઈરાની સેનાએ શનિવારે અમેરિકાને ધમકી આપી છે કે જો તેના જહાજો ફારસની ખાડીમાં આવશે તો તેમને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવશે. ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકી નૌકાદળ ટૂંક સમયમાં ઓઇલ ટેન્કરોની સુરક્ષા માટે ફારસની ખાડીમાં જહાજો મોકલી શકે છે. આ ટેન્કરો સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
ઈરાન યુદ્ધના મોટા અપડેટ્સ
ઈરાનમાં અત્યાર સુધીમાં 6,668 નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ હુમલાઓમાં 5,535 ઘરો અને 1041 દુકાનોને નુકસાન થયું.
14 મેડિકલ સેન્ટરો અને 65 શાળાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો.
US-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 1483 લોકોના મોત થયા છે.
રેડ ક્રેસન્ટના 13 કેન્દ્રો પણ હુમલાનો ભોગ બન્યા.
યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયલના 1765 લોકો ઘાયલ થયા છે.
બહેરીનમાં લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું
બહેરીનના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં સાયરન વગાડવામાં આવ્યા છે અને લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે.
મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં નાગરિકો અને ત્યાં રહેતા લોકોને શાંત રહેવા અપીલ કરી. સાથે જ કહેવામાં આવ્યું કે બધા લોકો વહેલી તકે પોતાના નજીકના સુરક્ષિત સ્થળે જતા રહે.
આ ચેતવણી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે ખાડી પ્રદેશમાં ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો ખતરો સતત યથાવત છે અને ઘણા દેશોમાં સુરક્ષા એલર્ટ વધારી દેવામાં આવ્યું છે.
મિડલ ઇસ્ટનાં ઘણા દેશો પર રવિવારે સવારે ડ્રોન હુમલા થયા
મિડલ ઇસ્ટના ઘણા દેશોએ રવિવારે સવારે ડ્રોન અને મિસાઇલ હુમલાઓની નવી લહેરની જાણ કરી છે. આ હુમલાઓને કારણે કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કુવૈતની સેનાએ જણાવ્યું કે રવિવારે કુવૈત આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ફ્યુઅલ સ્ટોરેજને ઘણા દુશ્મન ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઘણી બેલિસ્ટિક મિસાઈલોને પણ રસ્તામાં જ રોકી દીધી હતી. જોકે, ઇન્ટરસેપ્શન દરમિયાન પડેલા કાટમાળથી કેટલાક નાગરિક માળખાને નુકસાન થયું હતું.
આ હુમલા એવા સમયે થયા જ્યારે શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિને ખાડી દેશોની માફી માંગતા કહ્યું હતું કે જો તેમના પર હુમલો કરવામાં નહીં આવે તો ઈરાન તેના પાડોશી દેશોને નિશાન બનાવશે નહીં.
પાછળથી તેમની ઓફિસે સ્પષ્ટ કર્યું કે તેમનો કહેવાનો મતલબ એ હતો કે જો પ્રદેશના દેશો અમેરિકાના હુમલામાં સહકાર નહીં આપે તો ઈરાન પણ તેમના પર હુમલો નહીં કરે.