BREAKING NEWS

જામનગર : શું ટ્રાફીક સમસ્યાનો કોઇ ઉકેલ જ નથી?: લોકો વાહન પાર્ક કયાં કરે

  • December 20, 2025 04:57 PM 



જામનગર શહેરની ટ્રાફીક સમસ્યા આખરે શહેરીજનો માટે નાસુર શું કામ બની ગઇ છે અને તેનો કોઇ ઉકેલ કેમ નથી આવતો તેના મુળ સુધી પહોંચવા છેલ્લા કેટલાક દિવસથી આજકાલ અવિરત ઝુંબેશ ચલાવીને તંત્રને કેટલાક યોગ્ય સુજાવ આપી રહ્યું છે, કે જેથી કરીને અવારનવાર ટ્રાફીકમાં ફસાતા લોકોને રાહત મળી શકે, મુખ્ય માર્ગ વચ્ચેના ગેપ કેટલી હદે ટ્રાફીક સમસ્યા પેદા કરે છે તેના સચિત્ર અહેવાલો પ્રસિદ્ધ કરાયા છે, ખોડીયાર કોલોની રોડની વાત હોય કે અંબર ટોકીઝ રોડના ગેપની વાત હોય એ બધું અમે આપી ચુક્યા છે લોકોની વેદના શ્યાહીના રૂપમાં ઠાલવી ચૂક્યા છીએ, અફસોસ તંત્ર તરફથી આજ દિવસ સુધી ગેપ પુરવા માટે કોઇ કામગીરી શરૂ કરાઇ નથી, ત્યારે આજે આપણે લોકોને રોજબરોજ સતાવતી ટ્રાફીકની સમસ્યા અને વાહન પાર્ક કરવા માટેના પડકારની વાત કરવી છે, જે શહેરીજનો માટે હેડેક બની ગયેલ છે.


અહેવાલની સાથે રણજીત રોડની આજની જ ચક્કા જામની તસ્વીરમાં જોઇ શકાય છે કે કેવી રીતે વાહનચાલકો ફસાયા છે, આમાં ઘણા એવા પણ હશે કે જેને ખરેખર ખુબજ ઇમરજન્સી કામ હશે, કોઇ દવા લેવા પણ નિકળ્યું હશે, કોઇના બાળકો ઇન્તેજાર કરતા હશે, કોઇના વૃદ્ધ માં-બાપ રાહ જોતા હશે, કોઇ ઉપયોગી ખરીદી કરવા આવ્યું હશે, કોઇ બાળકોને શાળાથી તેડવા જતું હશે, સેંકડો કામ એવા હોય છે, જે રોજબરોજના પરંતુ લોકો માટે લાઇફલાઇન સમાન હોય છે.



આવા અણીના સમયે જયારે એ લોકો ઘરની બહાર નિકળે અને ટ્રાફીક‚પી રાક્ષસ આડો ઉભો રહી જાય એટલે લોકો પાસે અફસોસ કરવા સીવાય કંઇ રહેતું નથી કારણ કે જવાબદાર તંત્ર ટ્રાફીક જેવી સમસ્યા નિવારવા માટે પણ સક્ષમ નથી એ તસ્વીરો પરથી સાબિત થાય છે.


આ રોજનું છે, રણજીત રોડ હોય, બેડી નાકું હોય, ત્રણ બત્તી ચોક, ખોડીયાર કોલોની રોડ, અંબર સિનેમા રોડ, ગુરૂદ્વારા ચોકડી, પટેલ કોલોની, રણજીતનગર, એસટી સામેનો રોડ, પવનચક્કી તરફનો વિસ્તાર, હવાઇ ચોક, ચાંદીબજાર, કેટલા નામ લખીએ, કઇ જગ્યાનો ઉલ્લેખ કરીએ, આ બધાયેે સ્થળ એવા છે જયાં ચોક્કસ સમયે વાહનચાલકો ફસાય છે, ચક્કાજામ થાય છે.


ગેપની વાત તો આપણે વિસ્તૃતપૂર્વક કરી છે અને સત્તાધીશોને પણ એ વાતનો અહેસાસ છે કે હા આ ગેપ ઘણી સમસ્યા સર્જી રહ્યા છે પરંતુ નિર્ણયકર્તાઓ કોનાથી ડરે છે, શું કામ નિર્ણય લેતા નથી એ બાબત સમજી તો શકાય છે પરંતુ લખી એટલા માટે શકાતી કે કારણ કે આ બધી સુચનાઓ આંખ દેખાડીને મૌખીક આપવામાં આવતી હોય છે, જેના કોઇ પુરાવા રહેતા નથી.



આજે અમે જગ્યા જગ્યાએ ટ્રાફીકજામની રોજની સમસ્યાનો વધુ એકવખત સાક્ષાત્કાર કર્યો, ઉપરની તસ્વીરોમાં જોઇ શકો છો, આ રોજનું છે, જયારે પણ જામ થાય છે ત્યારે થોડીવાર સીટીઓ વગાડતા અમુક ટ્રાફીક વોર્ડન આવતા હોય છે અને થોડીવારમાં એ પણ ગાયબ થઇ જતા હોય છે કારણ કે સમસ્યાનું સમાધાન એ બેચારાઓ પાસે નથી.


ટ્રાફીક સર્જાયેલી સ્થિતીમાં જોવા મળ્યું કે ઘણાબધા લોકો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્ક કરવા માટે રીતસરના ફાફા મારી રહ્યા હતાં કારણ કે મહત્વના કામ સબબ કોઇપણ વિસ્તારોમાં કોઇપણ વ્યકિત જાય કામ થશે કે કેમ એ તો પછી વિચારે છે, નિકળતા પહેલા એ વિચારે છે કે સાલુ ગાડીનું પાર્કિંગ કયાં કરશું? સીધી વાત છે થોડાક મોડેથી ઘરેથી નિકળતા લોકો માટે પાર્કિંગની જગ્યા રહેતી જ નથી.


કોર્પોરેશનના ૬૪ નગરસેવકો, ૨ ધારાસભ્યો, ૧ સંસદસભ્ય અને જિલ્લાના ૩-૩ વડા અધિકારીઓ, કલેકટર, કમિશ્નર, એસપી આ બધાને શહેરની ટ્રાફીક સમસ્યાનો સાક્ષાત્કાર સમ્યાંતરે થતો જ રહેતો હશે, એ બધા પણ નરી આંખે જોઇ શકતા હશે કે ટ્રાફીક અને પાર્કિંગની કેટલી સમસ્યા છે પરંતુ આજ દિવસ સુધી સમસ્યાને પુરી કરી શકાઇ નથી, હા બે-ચાર દિવસ ઝુંબેશ ચાલશે પરંતુ કાયમી નિકાલ ઉપરોકત તમામમાંથી કોઇ પાસે નથી.

​​​​​​​


પ્રજા જયારે મત આપીને સત્તા સોંપે ત્યારે એમને તમામ સુવિધાઓ મેળવવાનો પુરેપુરો હકક છે, તેઓ તમામ પ્રકારના ટેક્સ ભરે છે, વાહનો વધી ગયા છે, માર્ગ સાંકડા છે, અમે શું કરીએ, આવા જવાબ દેનારાઓએ ખરેખર ચુંટણીઓ જ લડવી જોઇએ નહિં, જો તમારી પાસે પ્રજાના પ્રશ્ર્નોનું નિરાકરણ જ ન હોય તો પ્રજાના પ્રતિનિધિ બનતા પહેલા સો વખત વિચાર કરવો જોઇએ.


ઠીક છે, એક અખબારી ધર્મ તરીકે આજકાલ લોકોની સમસ્યા ઉજાગર કરવા પ્રયત્નશીલ હતું છે અને રહેશે, અમે આ તમામ સમસ્યાઓના સચિત્ર અહેવાલ આપવાનું ચાલુ જ રાખશું, સત્તાધીશો તો મોઢે તાળા મારીને બેસી ગયા છે, વિપક્ષ પણ પાયાની સમસ્યાઓને લઇને કોઇ ખાસ દેખાવ કરી રહ્યું નથી, ચુંટણી આવે ત્યારે મતદારોને માયબાપ કહેવા નિકળી પડનારાઓ પણ તમાશો જોઇ રહ્યા છે, લોકો રોજબરોજની આ સમસ્યાથી ટેવાઇને મુંગા મોઢે સહન કરી રહ્યા છે પરંતુ એ લોકો મુંઝાય નહિં અમે એમનો અવાજ બનીને તંત્રને પડકાર ફેંકતા રહીશું જ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application