ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા (Peace Talk)ના બીજા તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ તે પહેલા જ ઈરાને કડક વલણ અપનાવ્યું છે. ઈરાની સંરક્ષણ મંત્રાલયે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકા જે જંગના દળદલમાં ફસાયું છે, તેમાંથી બહાર નીકળવા માટે હવે 'સન્માનજનક' રસ્તો શોધી રહ્યું છે.
સીધી વાતચીતની શક્યતા નહિવત્
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી હાલ પાકિસ્તાનની મુલાકાતે છે, જ્યાં તેમણે પાકિસ્તાની અધિકારીઓને પોતાની માંગણીઓ અને અમેરિકી પ્રસ્તાવો સામેના વાંધાઓ સ્પષ્ટ કરી દીધા છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તેમના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ઈરાની પ્રતિનિધિઓ સાથે વાત કરશે, પરંતુ ઈરાની મીડિયાના મતે સીધી વાતચીત (Direct Talk) થવાની કોઈ જ શક્યતા નથી.
તુર્કીની મહત્વની ભૂમિકા અને હોર્મુઝ સ્ટ્રેટ
આ શાંતિ વાર્તા વચ્ચે તુર્કીએ પણ મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રી હાકાન ફિદાનના જણાવ્યા મુજબ જો શાંતિ સમજૂતી થશે, તો તુર્કી હોર્મુઝની ખાડીમાંથી લેન્ડમાઈન્સ (બારૂદી સુરંગો) હટાવવાના ઓપરેશનમાં ભાગ લેશે. આ કામગીરીને તુર્કી માનવીય ફરજ તરીકે જુએ છે અને ટેકનિકલ ટીમ દ્વારા સફાઈ કામગીરીમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.
ઈસ્લામાબાદમાં 'લોકડાઉન' જેવી સ્થિતિ
આ હાઈ-પ્રોફાઈલ વાર્તાને કારણે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. એરપોર્ટ અને રેડ ઝોન તરફ જતા તમામ રસ્તાઓ પર સૈનિકો અને પોલીસ તૈનાત છે. છેલ્લા એક અઠવાડિયાથી લાગુ પ્રતિબંધોને કારણે લાખો લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ચેકપોઈન્ટ્સ અને રૂટ ડાયવર્ઝનને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આખી દુનિયાની નજર હવે ઈસ્લામાબાદ પર છે. શું અમેરિકા કોઈ સમજૂતી કરી શકશે કે પછી ઈરાનનું આ આક્રમક વલણ વાર્તામાં અવરોધ બનશે, તે જોવું રસપ્રદ રહેશે.