હોમગાર્ડનો હુમલાખોર આંતર રાજય ચોર ફરી ઝડપાયો

  • December 12, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી ઝોન વનની ટીમે ભગવતીપરા પુલ પાસેથી રીઢા ચીઝઝડપકાર શખસને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઈક, ત્રણ મોબાઈલ અને ચેઇન સહિત રૂપિયા 1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખસની પૂછતાછ કરતા તે અંજારમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં તેમજ ગાંધીનગર મોરબી અને અમદાવાદ જિલ્લામાં ચોરી અને ચીલઝડપ્ના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું માલુમ પડ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-1 પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પારેવડી ચોક પાસે ભગવતી પરા પુલ નીચેથી અગાઉ ચોલઝડપ,બાઇક ચોરી સહિતના ગુનામાં પકડાઈ ચૂકેલા શખસ વિમલ સતિષભાઈ અગ્રાવત 20 (રહે. નાણાવટી ચોક, સરકારી આવાસ યોજના કવાર્ટર રાજકોટ,મૂળ કચ્છ)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે રહેલ બાઈક અંગે ઉત્તાજ કરતા આ બાઈક ચોરીનું હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે આ શખસની અટકાયત કરી હતી.


પકડાયેલા આ શખસની પોલીસે સઘન પૂછતાછ કરતા ચોરી ચીલઝડપ સહિતના સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપીએ સાતેક દિવસ પહેલા અમદાવાદના નરોડા પાટિયા પાસેથી મોબાઇલની ચીલઝડપ, ચાર દિવસ પૂર્વે માળીયા બાયપાસ પાસેથી મોબાઇલની ચીલઝડપ, 20 દિવસ પૂર્વે મેટોડા જીઆઇડીસીમાં ચેનની ચિલઝડપ, સાત દિવસ પૂર્વે અમદાવાદ બાવળા રોડ પર ચેઇનની ચીલઝડપ,20 દિવસ પહેલા શાપરમાંથી બાઇકની ચોરી, ચાર દિવસ પૂર્વે અંજારમાંથી બાઇકની ચોરી અને આઠ દિવસ પૂર્વે ગાંધીનગરના અડાલજમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.


પોલીસે આ શખસ પાસેથી ત્રણ ચોરાઉ બાઈક, ત્રણ મોબાઈલ ફોન અને ચેન સહિત રૂ. 1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી અંજારમાં હત્યાની કોશિશને ગુનામાં નાસ્તો ફરતો હોવાનું માલુ પડ્યું છે.પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ચોરી કરેલા બાઈક વડે જીઆઇડીસી તથા હાઈવે વિસ્તાર પર મોબાઈલ ફોન પર વાત કરનાર રાહદારીનો ફોન તેમજ વૃદ્ધ વ્યક્તિઓના ગળામાંથી ચેનની ચીલઝડપ કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

ચોરી કરતી વેળાએ પકડાઈ જતા હોમગાર્ડ પર ખૂની હુમલો કર્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિમલ અને તેની સાથે એક સગીર આરોપી બંને અંજારમાં રાત્રીના બાઈક ચોરીના ઇરાદે આંટાફેરા કરી રહ્યા હતા. દરમિયાન હોમગાર્ડના જવાનને શંકા જતા બંનેને અટકાવવાની કોશિશ કરતા વિમલે હોમગાર્ડ જવાનને છરીનો ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી. જે ગુનામાં સગીર આરોપી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. જ્યારે વિમલ નાસી છૂટ્યો હતો.

બે માસ પૂર્વે વિમલને 51 મોબાઈલ સાથે પકડ્યો હતો
ત્રણ બાઈક અને ત્રણ ચોરાઉ મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયેલા વિમલ અગ્રાવત અને તેના સાથીદાર નાઝીર નગમાળાને એલસીબી ઝોન-1 ની ટીમે જ બે માસ પૂર્વે ગત તારીખ 1/9/ 2023 ના 51 ચારાઉ મોબાઈલ અને બે બાઈક સહિત 3.02 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તે સમયે આ બંને શખસોની પૂછતાછમાં અલગ-અલગ જિલ્લાઓની છ ચોરીઓના ભેદ ઉકેલાયા હતા. આરોપી સામે અગાઉ રાજકોટમાં ગાંધીગ્રામ માલવીયણગર, એ ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તેમજ મોરબી, કચ્છના ગાંધીધામ અને રાજકોટ ગ્રામ્યના લોધિકા સહિતના પોલીસ સ્ટેશનમાં મળી ચોરી, મારામારી સહિતના 10 ગુના નોંધાઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application