દ્વારકામાં આંતરરાજય કીંગ ગેંગ ઝડપાઇ: ૧૪ ચોરીનો પર્દાફાશ

  • January 09, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા, જામનગર, રાજકોટ, મોરબી, અમરેલી, પુણેમાં ચોરી કર્યાની કબુલાત : સવા ત્રણ લાખનો મુદામાલ કબ્જે

જામનગર, ખંભાળીયા, રાજકોટ, અમરેલી, મહારાષ્ટ, મોરબી સહિતના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી આંતરરાજય કીંગ ગેંગના ૩ સાગરીતોને દ્વારકા એલસીબી પોલીસે પકડી પાડી સવા ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરી ૧૪ જેટલી ચોરીનો પર્દાફાસ કર્યો છે.
છેલ્લા ૩ મહિના દરમ્યાન દેવભુમી દ્વારકા જિલ્લા સહીત જામનગર, અમરેલી, રાજકોટ, મોરબી વિગેરે આજુબાજુના જિલ્લાઓમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી સહિત બાઇક ચોરીના બનાવો બનેલ જેમાં આશરે એકાદ માસ પહેલા ખંભાળીયા ટાઉનમાં હરસિઘ્ધીનગર વિસ્તારમાં રાત્રીના ઘરફોડ ચોરી સહિત ટુ વ્હીલર ચોરીનો બનાવ બનેલ આવા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિેતશ પાંડેય દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન આધારે એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ સહિત પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એસ.વી. ગળચર સ્ટાફ સાથે ગુનાવાળી જગ્યાઓની વિઝીટ કરી અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ લેવલે તેમજ હયુમન સોર્સીસથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા ઇસમો અને શકદારોને ચેક કરી ખંભાળીયા ટાઉન તથા ટોલનાકા સહિતના હાઇવે રોડ પર લગાડેલ સીસીટીવી કેમેરા ચેક કરી જરુરી વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ.
દરમ્યાન ચારેક જેટલા શકમંદ ઇસમો મોટર સાયકલમાં શંકાસ્પદ હીલચાલ સાથે જણાતા આ ચારેય ઇસમોની ગતીવીધી અંગે ખંભાળીયાથી જામનગર, રાજકોટ શહેર, ચોટલા, લીંબડી, બગોદરા, તારાપુર ચોકડી સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની ફુટેજો ચેક કરવામાં આવેલ સાથો સાથ ટેકનીકલ એનાલીસીસ વર્કઆઉટ દરમ્યાન એએઆઇ ભરતભાઇ ચાવડાને હયુમન સોર્સીસથી બાતમી માહિતી મળેલ કે મઘ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના ગામડાના અમુક લબરમુછીયા છોકરાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ઘરફોડ ચોરીઓ સહિત ટુ વ્હીલોરોની ચોરીઓ કરે છે.
જેથી તે આધારે ઉંડાણપુર્વકની ટેકનીકલ સેલના પીએસઆઇ એસ.વી. કાંબલીયા, એએસઆઇ ભરતભાઇ ચાવડા, પો.કોન્સ પ્રકાશભાઇ ચાવડાની સંયુકત ટીમ દ્વારા ટેકનીકલ વર્કઆઉટ કરી સોશ્યલ મીડીયા તેમજ સરકારના ઇગુજકોપ પ્રોગ્રામ હેઠળના પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન અંગે આઇસીઆઇએસ પોર્ટલનો ઉપયોગ કરી તેમા ઉંડાણપુર્વક સર્ચ કરી જરુરી માહીતી એકત્રીત કરવામાં આવેલ. જેમાં ચારેય ઇસમો સહિત અન્ય તેના સાગરીતોની સંડોવણી હોવાનુ તથા તેઓની હાજરી તથા ગતીવીધી મઘ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવતી હોવાનુ જણાતા અલગ અલગ ટીમો તૈયાર કરી મઘ્યપ્રદેશના ધાર જિલ્લામાં તપાસણી અર્થે મોકલી આપેલ.
જે આધારે લાંબી જહેમત અને પરીશ્રમથી મઘ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ખંભાળીયા ચોરીમાં શંકાસ્પદ ભુમીકા ધરાવતા ૨ ઇસમોને પકડી પાડી તેઓની આગવી ઢબે પુછપરછ કરતા દેવભુમી દ્વારકા જિલ્લાના ૨, જામનગર જીલ્લાના ૫, અમરેલીના ૨, રાજકોટ ૧, મોરબી જિલ્લાના ૧, મહારાષ્ટ્ર રાજયના પુણે જિલ્લાના ૧ મળી કુલ ૧૪ ઘરફોડ તથા બાઇક ચોરી કર્યાની કબુલાત કરી હતી.
એમપીના કુકશી તાલુકાના ગોરડીયા ગામના સંજય સુમલસીંગ વસમીયા, વિનોદ કાલુ મસાનીયા, સુરેશ ભુરસીંગ મસાનીયા અને કાકડકુવાના સોહન કમલસીંગ માવીને પકડી લીધા હતા જયારે વિકાસ ઉધનસીંગ ભાંભર, રાજુ થાવરે, અંતરસીંગ ખુરબસીંગ મસાનીયા, સુખરામ કરંગસીંગ, વિશાલ જવલસીંગ, ખુમાનસીંગ થાઉ બાંભણીયા, આરમસીંગ લીંબસીંગ પસાવા, શંકર ભંગુ મસાનીયા, સોમલા બદનસીંગ મંડલોઇ અને મહેશ કાલુ ભુરીયાની સંડોવણી ખુલી છે.
પોલીસે સોનાના દાગીના, ૭ ટુ વ્હીલર, ૩૩૬૬ની રોકડ, ૩ મોબાઇલ, ૧ લેપટોપ, એમ્પ્લીફાયર, લોખંડના સાધનો મળી કુલ ૩.૨૩.૬૨૬નો મુદામાલ કબ્જે કર્યો છે, રેલ્વે ટ્રેક નજીકની સોસાયટી અને વિસ્તારોમાં બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application