દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન રસીકરણ કાર્યક્ર્મ: 1.19 લાખ લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ

  • June 01, 2021 10:59 AM 

60 હજાર લોકો બીજો ડોઝ પણ લઈને સુરક્ષિત થયા

કોરોના વાયરસ મહામારી સામે લડત આપવા છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા સઘન વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત ચોક્કસ વયજૂથના લોકો નિયત સમયગાળામાં કોરોના વેક્સિનના બે ડોઝ લઈ અને સુરક્ષિત બને તે માટે સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ 45 વર્ષથી ઉપરની વય ધરાવતા લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. આ સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ તા. 30 મે સુધીમાં જિલ્લામાં કુલ 1,19,380 વ્યક્તિઓને કોવીડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 3926 હેલ્થ વર્કરો, 11,520 ફ્રન્ટલાઈન વર્કરો, 60 વર્ષથી વધારે વય ધરાવતા 47,849 વ્યક્તિઓ, તેમજ 45 થી 59 વર્ષના 56,085 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાં 3765 હેલ્થ વર્કરો, 7810 ફ્રન્ટલાઇન વર્કર, તથા 25,571 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 થી 59 વર્ષના 22,842 લોકો મળી, કુલ 59,988 વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સ્થિત જિલ્લાની જનરલ હોસ્પિટલ, દ્વારકાની સરકારી હોસ્પિટલ, જુદા જુદા ગામોમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર, વિગેરે જેવી સરકારી સંસ્થાઓમાં કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ સરકારી સંસ્થાઓમાં કોરોના વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવે છે.

જિલ્લામાં કોરોના રસીકરણ માટે ઉપરોક્ત વયજૂથની કેટેગરીમાં આવતા વ્યક્તિઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન, અથવા કોવિન વેબ એપ્લિકેશનમાં ઓનલાઈન નોંધણી કરી શકશે. જો કોઈ વ્યક્તિ ઓનલાઇન નોંધણી ન કરાવી શકે તો ઉપરોક્ત રસીકરણ કેન્દ્ર ખાતે મુલાકાત લઇ અને ફોટો સાથેના આધાર કાર્ડ વિગેરે જેવા માન્ય ઓળખપત્ર સાથે લઈ અને લાભાર્થી પોતાની નોંધણી કરાવી અને વેક્સિનેશન કરાવી શકશે.

કોરોના વેક્સિનેશન કાર્યક્રમમાં હાલ રસીના ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિઓને કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ રસી લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપરોક્ત વયજૂથ ધરાવતા લોકોએ રસીકરણ કરાવવું જોઈએ તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.

આ વચ્ચે લોકોએ રસી લીધા પછી પણ કોરોના અંગેની ગાઈડલાઈનનો અમલ કરવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વિગેરે બાબતે પણ સાવચેત રહેવું જોઈએ તેમ આરોગ્ય વિભાગ તથા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS