જામનગરની જીલ્લા જેલમાં પોલીસ કાફલા દ્વારા સઘન ચેકીંગ

  • September 22, 2023 12:00 PM 

એસ.પી.ના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સીટી પોલીસનો મોટો કાફલો ઉતર્યો : તમામ બેરેક ચેક કરાયા : કશુ વાંધાજનક મળ્યું નહીં


જામનગરની જીલ્લા જેલમાં બે દિવસ પહેલા મોબાઇલ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને ગઇ રાત્રીના એસપીના સુપરવિઝન હેઠળ મોટો પોલીસ કાફલો જેલમાં ત્રાટકયો હતો, સરપ્રાઇઝ ચેકીંગ તમામ બેરેકમાં કરવામાં આવ્યુ હતું, પ્રાથમિક અહેવાલ મુજબ તપાસ દરમ્યાન કશુ વાંધાજનક મળી આવ્યુ નથી, મોડી રાત્રી સુધી જેલ ખાતે ચેકીંગ સહિતની કાર્યવાહીનો ધમધમાટ ચાલતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.


જેલ પ્રશાસન દ્વારા સમયાંતરે જામનગર તેમજ અન્ય જીલ્લાની જેલોમાં ચેકીંગ અને ઉચ્ચ અધિકારીઓ દ્ારા વિઝીટ કરવામાં આવતી હોય છે, કેટલીક વખત ગાંધીનગરથી જેલ સ્કવોડ દ્વારા પણ ચેકીંગ કરવામાં આવે છે, તાજેતરમાં સ્કવોડના ચેકીંગમાં જામનગર જેલમાંથી મોબાઇલ મળ્યો હતો અને બે દિવસ પહેલા પણ અહીંની જીલ્લા જેલમાંથી મોબાઇલ મળી આવતા બે કેદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અંગે તપાસ ચાલી રહી છે, કોની સાથે વાત કરી એ અંગેની ડીટેઇલ કઢાવવામાં આવી રહી છે.


ટુંકાગાળામાં જામનગર જીલ્લા જેલમાંથી બે મોબાઇલ મળી આવતા સ્થાનીક પોલીસતંત્ર હરકતમાં આવ્યુ હતું અને જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સુપરવિઝન હેઠળ ગત રાત્રીના જુદી જુદી ટુકડીઓ દ્વારા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, સીટી એ,બી,સી ડીવીઝન, બીડીડીએસ, ડોગ સ્કવોડ સહિતનો પોલીસ વિભાગનો મોટો કાફલો જેલમાં ચેકીંગ માટે ઉતર્યો હતો, મોડી રાત્રીના એક પછી એક પોલીસની ગાડીઓ જેમાં બોડીવોર્ન કેમેરા સહિતના વાહનો જેલ પટાંગણ ખાતે પહોચતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.


ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરાયુ હતું, જેલની ટુકડી પણ ચેકીંગમાં જોડાઇ હતી, કલાકો સુધી જેલના તમામ વિભાગ બેરેક ખાતે તપાસ કરવામાં આવી હતી અને મોડી રાત્રે આ અંગે ચેકીંગ બાબતે વિગતો અપાઇ હતી જેમાં પ્રાથમિક તપાસમાં જેલમાંથી કશુ વાંધાજનક નહીં મળતા રાહતની લાગણી અનુભવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે જેલ પ્રશાસન દ્વારા ટીન ચેકીંગ કરવામાં આવતુ હોય છે અને જયારે જેલમાંથી કોઇ પ્રતિબંધીત વસ્તુઓ મળી આવે ત્યારે સ્થાનીક તંત્ર દ્વારા મોટા કાફલા સાથે ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application