હવાઇચોકમાં ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું: ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રઘ્ધાંજલિ અને પૂતળા દહન: બેડીગેઇટ ખાતે વિહિપ દ્વારા પૂતળા દહન: એબીવીપી સહિતની સંસ્થાઓ દ્વારા પણ કરાયો વિરોધ: એકી અવાજે પહલગામના આતંકી હુમલા સામે જનતામાં જોવા જબરો રોષ: જડબાતોડ જવાબ દેવા માંગ
પહલગામમાં આતંકવાદીઓ નિહથ્થા પ્રવાસીઓ પર કરેલા કાયરતાપૂર્વકના હુમલા સામે દેશભરના પગલે જામનગરમાં ઉગ્ર રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે, ગઇકાલે બપોર બાદ શહેરના ચોકે ચોકે રાજકીય પક્ષોથી લઇને વિદ્યાર્થી સંગઠ્ઠનોએ મેદાનમાં આવીને આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, ઠેર ઠેર આતંકીઓના પૂતળાઓનું દહન કરવામાં આવ્યા હતા અને પ્રજામાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બપોરે થયેલા ધર્મ આધારિત નરસંહાર કે જેમાં ભારતના ૨૬ જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જે નરસંહારના પડઘા છેક જામનગર સુધી પણ પહોંચ્યા છે, અને જામનગર શહેરમાં આ આતંકી હુમલા ને વખોડીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જામનગર શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં સમસ્ત હિંદુ સમાજ તેમજ રાષ્ટ્રીય અસ્મિતા મંચ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
જે સ્થળે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર મહાનગરપાલિકાના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગરના અન્ય નગર સેવકો તેમજ હિંદુ સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો હતો.
જ્યારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને આ હત્યાકાંડ સર્જનારાઓ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરીને બદલો લેવાની પણ માંગ કરી હતી, આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ સહિતની અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા બેડી ગેઇટ વિસ્તાર મા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને બહોળી સંખ્યામાં તમામ સંસ્થાઓના કાર્યકરો એકત્ર થયા હતા, અને જાહેર માર્ગ પર આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ટાઉનહોલ ખાતે કોંગ્રેસે કર્યો વિરોધ
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે ટાઉનહોલ સર્કલમાં કોંગ્રેસ કાર્યાલય પાસે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જયાં કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, નગરસેવિકા જૈનબ ખફી, પ્રદેશ કોંગીના સહારા મકવાણા, તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા તેમજ અન્ય કોંગી કોર્પોરેટરો તથા શહેર કોંગ્રેસના અન્ય આગેવાનો વગેરેએ ઉપસ્થિત રહીને સૌ પ્રથમ તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ત્યારબાદ તમામ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જાહેરમાં આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, અને આતંકવાદી કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આતંકવાદીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી પણ ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
એબીવીપીએ કર્યા દેખાવો
આ તકે હુમલાના વિરોધમાં ડેકેવી સર્કલ ખાતે એબીવીપીના કાર્યકરો એકઠા થયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બેનર હેઠળ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે એકઠા થઇ ઉગ્ર આક્રોશ દર્શાવ્યો હતો અને આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો.
ફોટોગ્રાફર એસો.એ આપી શહીદોને શ્રઘ્ધાંજલિ
પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં જામનગર ફોટોગ્રાફર એસો. દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને પંચેશ્ર્વર ટાવર ખાતે શ્રઘ્ધાંજલિ આપવામાં આવી હતી, આમ ગઇકાલ બપોર બાદ જામનગરમાં ચારેકોર ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.