એમએસપીની વિરુદ્ધમાં ચાલુ થયેલી બૌદ્ધિક ઝુંબેશ

  • February 23, 2024 09:50 AM 

દિલ્હીના પાદરમાં ખેડૂતો એમએસપી, ટેકાના ભાવ માટે લડત ચલાવી રહ્યા છે અને પાછા હાથે તેમ નથી ત્યારે તેમની માગણી જ હવે રિલેવન્ટ નથી રહી એવું સાબિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને એ માટે નિષ્ણાતોને કામ સોંપાયું છે. આ નિષ્ણાતોનું કહેવું છે કે એમએસપી ૧૯૬૦ના દાયકાનો વિચાર છે, જ્યારે દેશ અનાજની ભારે ઊણપની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો હતો. આ સમયે સરકારે ખેડૂતોને વધારે પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક પ્રયાસના ભાગરૂપે એમએસપીની વ્યવસ્થા લાગુ કરી હતી. હવે ફૂડ સરપ્લસનો સમય છે અને એમએસપીની જરૂર રહી નથી. પહેલી એમએસપી ૧૯૬૪-૬૫માં અનાજ માટે અપાઈ હતી. તે સમયે અનાજ માટે પ્રતિ ક્વિન્ટલ એમએસપી ૩૩.૫૦થી ૩૯ રૂપિયા સુધી નક્કી કરાઈ હતી. તો ૧૯૬૬-૬૭માં ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ૫૪ રૂપિયાની એમએસપી નક્કી કરાઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે દેશ હવે ખાદ્ય સુરક્ષાના મામલામાં આત્મનિર્ભર થઈ ગયો છે. આથી એમએસપીની ભૂમિકા પૂરી થઈ ગઈ છે. આ વ્યવસ્થા હંમેશાં માટે ન ચાલી શકે. સત્તાવાર આંકડા મુજબ, ૨૦૨૧-૨૨ અગાઉ ત્રણ વર્ષ સુધી દેશમાં એમએસપીની વ્યવસ્થા હેઠળ ૧,૩૪૦ લાખ ટન અનાજ ખરીદવામાં આવ્યું હતું. આ ખરીદી માટે સરકારે ૨.૭૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. નિષ્ણાતો એવી દલીલ આપે છે કે દેશમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં અનાજનો ભંડાર છે અને તેનો સંગ્રહ કરવાની જગ્યા ઓછી હોવાના કારણે મોટા પ્રમાણમાં અનાજ ખરાબ થઈ જાય છે. તેઓ ઉદાહરણ આપે છે કે સરકારે ૨૦૨૨માં જણાવ્યું કે તેણે ૬૦૦ લાખ ટન ચોખા ખરીદ્યા છે. પણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાઓ હેઠળ ૩૫૦ લાખ ટન ચોખાની ખરીદી જ પૂરતી હતી. આટલા અનાજને સંગ્રહિત કરવાની વ્યવસ્થા ભારતમાં નથી. આથી મોટા પ્રમાણમાં અનાજ સડી જાય છે.
પરંતુ ખરા કૃષિ નિષ્ણાતો આ પ્રચાર જુંબેશ સાથે સહમત નથી. તેઓ કહે છે કે સરકાર ૨૩ પાકો માટે એમએસપી નક્કી કરે છે પણ તે લાગુ માત્ર ઘઉં અને ચોખા પર જ થાય છે. તકલીફનું કારણ આ જ છે. આ કારણે જ ખેડૂતો કાયદાકીય ગેરંટીની માગ કરી રહ્યા છે. જો સરકાર આવું કરે તો બે પાકને મહત્ત્વ અપાય છે તે બંધ થઈ શકે છે. આનાથી પાકોમાં વિવિધતા આવી શકે છે. ગોડાઉનમાં જરૂર કરતાં વધારે અનાજ રાખવાથી જે પાક બરબાદ થઈ જાય છે તેનાથી પણ બચી શકાય છે. ઘણી વાર સરકારી એકમોમાં એ સવાલ ઉઠાવાય છે કે એમએસપી આપીને ખેડૂતોને સબસિડી કેમ અપાય છે. જ્યારે ઓઈસીડીનો અહેવાલ કહે છે કે ૨૦૨૨માં ખેડૂતોને ૧૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, કારણ કે તેમના પાકની જે કિંમત મળવી જોઈતી હતી તે ના મળી. તેને કારણે ખેડૂતોને આ સબસિડી આપવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ભલે પ્રચાર થાય પણ વાસ્તવમાં સમાજ કે સરકાર ખેડૂતોને સબસિડી નથી આપી રહ્યાં. ખેડૂતોનું જીવન કેટલું દોહ્યલું છે તે એસી ચેમ્બરમાં બેસનારાઓ ક્યારેય નહીં સમજી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application