જામખંભાળિયા લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ પ્રસંગે પ્રેરણારૂપ કાર્યો

  • November 21, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતીના પાવન પ્રસંગે લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીંના જલારામ મંદિરેથી નીકળેલી વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિજનો તથા જલારામ ભક્તો જોડાયા હતા.
આ શોભાયાત્રાને અનેરા આવકાર સાથે માર્ગમાં વિવિધ સંગઠનો દ્વારા અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ સાથે દાયકાઓની પરંપરા મુજબ આ વર્ષે પણ જ્ઞાતિજનોના સમૂહ ભોજનની વ્યવસ્થા શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસાદ લેવા કોઈ કારણોસર ન આવી શકતા લોકોને પ્રસાદના બુંદી, ગાઠીયા અને અડદિયાના પ્રસાદના પેકીંગ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ નાત ભોજનમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા બજાવતા સીનીયર સિટીઝનો કે જેઓ એ વર્ષોથી કોઈ પણ અપેક્ષા વગર જ્ઞાતિસેવાને જ તેમનો ધર્મ માન્યો છે, તેવા સેવકોનું લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
ડીજીટલ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરતુ ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ પણ આ દિશામાં હવે સમયની સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ વખત ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા જે લોકો મહાજનવાડી બુકિંગ કરતી વખતે ડિપોઝિટની રકમ રોકડમાં ભરવાના બદલે ઓનલાઈન ટ્રાન્સફર કરવા ઇચ્છતા હોય, તેઓ ઓનલાઈન મોકલી શકે તે માટે બેંકના ક્યુ.આર. કોડ આ વાડીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ માહિતીઓ મળતી રહે અને માહિતીની આપ-લે થતી રહે તે હેતુથી યુ-ટ્યુબ ચેનલ અને સંસ્થાનું ઈ-મેલ પણ બનાવવામાં આવ્યું છે. જેની નોંધ લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવામાં લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સલાહકાર સમિતિના સભ્યો, કમિટી મેમ્બરો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને કાર્યકર્તાઓ અને દાતાઓના સાથ સહકારથી આ ભવ્ય ઉજવણી સુપેરે સંપન્ન થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application