જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૨૨ના આચાર્ય અને શિક્ષકો દ્વારા પ્રેરણાદાયી પગલું

  • July 20, 2021 11:21 AM 

સમગ્ર સ્લમ વિસ્તારના "ફળિયા શિક્ષણ" ના માધ્યમથી અનેક વિસ્તારોમાં ઘેર ઘેર જઈને વિદ્યાર્થીઓને આપાઈ રહ્યું છે શિક્ષણ

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૨૨ કે જેના આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા "શાળા બંધ છે પરંતુ શિક્ષણ બંધ નહીં" તેવા શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓના ઘર વિસ્તારમાં જઈ "ફળિયા શિક્ષણ" નો પ્રારંભ કર્યો છે, અને પ્રત્યેક વિસ્તારોમાં એક કલાક માટે પ્રત્યક્ષ જઈને વિદ્યાર્થીઓને સ્થળ પર શિક્ષણ આપવાનું સ્તુત્ય કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને આ પ્રેરણાદાયી 'ફળિયા શિક્ષણ'ને પણ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.

 જામનગર શહેરમાં કોરોના ની ગાઇડ લાઇનને અનુલક્ષીને હાલમાં માત્ર કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, અને બાકીના અન્ય વર્ગના વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. પરંતુ હાલના સંજોગોમાં શહેરના એવા સ્લમ વિસ્તારો કે ઝુપડપટ્ટી સહિતના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં પણ સાધનો ની કમી છે, તેવા સંજોગોમાં જામનગર મહાનગરપાલિકા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૨૨ કે જે મયુરનગર વામ્બે આવાસ કોલોની વિસ્તારમાં આવેલી છે. જેના આચાર્ય કૌશિકભાઇ આર. ચુડાસમા અને અન્ય આઠ જેટલા શિક્ષકો દ્વારા "ફળિયા શિક્ષણ" હેઠળ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેને પણ પ્રચંડ જન સમર્થન પણ મળી રહ્યું છે.

 હાલમાં કોરોના ની ગાઇડ લાઇનને અનુલક્ષીને 'શાળા બંધ છે, પરંતુ શિક્ષણ બંધ નહીં' ની પ્રણાલીને સાર્થક કરવાના ભાગરૂપે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આસપાસના મયુરનગર, વામ્બે આવાસ, ઉપરાંત આસપાસના ઝુપડપટ્ટી સહિતના અલગ અલગ વિસ્તારોમાં સવારે ૮.૩૦ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ સમયે સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને જાહેરમાં ગાર્ડન અથવા તો ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને એકત્ર કરવામાં આવે છે, અને ૪૫ સુધી સ્થળ પર જ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે બાકીની પંદર મિનિટ માટે વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન-ગમ્મત સાથેની અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે.

 છેલ્લા પખવાડિયાથી શરૂ કરાયેલા આ પ્રયોગમાં ધીમે ધીમે વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, અને 'ફળિયા શિક્ષણ'ને પૂરતા પ્રમાણમાં સમર્થન પણ મળતું રહે છે. તેમજ સ્લમ એરિયાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર આવા નવી પદ્ધતિના શિક્ષણ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. જે એક અત્યંત પ્રેરણાદાયક પગલું છે, અને શાળાના સંચાલકોને આસપાસના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડ દ્વારા પણ શાળાના સંચાલકો દ્વારા લેવાયેલા પગલાને આવકાર્યું છે. આ શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આવું ફળીયા શિક્ષણ શરૂ કરાવાયું છે, અને તેને સમર્થન મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS