ઉપલેટા : ક્રુર કાકીના હાથે માસૂમ ભત્રીજીની કરપીણ હત્યા, ૯ વર્ષની આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી મારી નાંખી અને પછી...

  • June 10, 2021 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના યાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મુકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગ્ગી કાકીએ ક્રુર મિજાજમાં જેઠાણીની ૯ વર્ષની પુત્રી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા નિપજાવી બનાવને મહિલા તેમજ તેના પતિ તથા જેઠે મળી અકસ્માતમાં ખપાવી દેવાના કરેલા પ્રયાસનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં ક્રુર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતા ચેતન હસુભાઈ નિમાવત અને કાકા મયુરને સકંજામાં લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.


ઘટના સંદર્ભે સ્થાનિક સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ રાજમાર્ગ મેઈન રોડ શહીદ ભગતસિંહ ચોક નજીક અશોક સાબુવાળા નામે દુકાન ધરાવતા નિમાવત પરિવારના બન્ને ભાઈઓ ચેતન અને મયુર સર્વોદય સોસાયટીમાં સંયુકત કુટુંબમાં રહે છે. મોટાભાઈ ચેતનને સંતાનમાં બે પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે પુત્રો છે. સંયુકત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતી નાની-મોટી તકરારને લઈને ક્રુર મિજાજી કાકીએ બદલો લેવા જેઠાણીની માસૂમ પુત્રી આયુષીને નિશાન બનાવી હતી.


બે દિવસ પહેલાં તા.૮ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં બાળકી રૂમમાં ટીવી જોઈ રહી હતી. અન્ય સભ્યો બીજા ‚મમાં હતા એ સમયે કાકી વંદના આવી હતી અને ૯ વર્ષની ભત્રીજી આયુષીને ‘ચાલ તને બેટા એક વસ્તુ આપું’ કહી મકાનની છત પર લઈ ગઈ હતી ત્યાં બાળકીને સુવડાવી માથા પર લોખંડના દસ્તાના બે ઘા ઝીંકી દીધા હતા. લોહિયાળ હાલતમાં બાળકી બેશુધ્ધ બની ગઈ હતી. ઘટના બાદ શૈતાન દિમાગવાળી વંદનાએ પરિવારજનોને આયુષી પ્રથમ મજલેથી પડી ગયાની સ્ટોરી વર્ણવી હતી.


બાળકીને તુરંત જ ખાનગી હોસ્પિટલે લઈ જવાઈ હતી જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારના અન્ય સભ્યો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. બાળકીના પિતા ચેતનને બાળકીની હત્યા થયાની ગંધ આવી અને તેના ભાઈ મયુરને પણ જાણ કરી હતી. જો કે, જે બનાવ બની ગયો તે બન્યો અને ઘરની વાત ઘરમાં રહે તેવા ઈરાદે સગાવ્હાલાઓને પણ બાળકી પડી જવાથી મોત થયાનુ જણાવી તેમજ બાળકીનું પીએમ પણ કરાવ્યા વિના અગ્નિસંસ્કાર કરી દેવાયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી અને મહિલા તેમજ બન્ને ભાઈઓની પૂછતાછ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ત્રણેયને સકંજામાં લીધા હતા.



કાતિલ કાકીએ બાળકીની હત્યાનો અગાઉથી જ પ્લાન બનાવ્યો’તો


દેરાણી-જેઠાણીના કંકાસમાં ૯ વર્ષની બાળકીને રહેસી નાખનાર ક્રુર મિજાજી કાતિલ કાકીએ જેઠાણીની ૯ વર્ષની પુત્રીનું પુરી કરી નાખવાનું અગાઉથી જ નકકી કર્યું હતું. બાળકીને છત પર લઈ જતા પહેલાં મહિલા છત પર ચાદર પાથરી આવી હતી અને ત્યાં હત્યા માટે દસ્તો પણ મુકી આવી હતી. બાળકી જેવી છત પર આવી કે તુરંત જ તેને સુવડાવીને દસ્તાનો એક ઘા માથા પર ફટકાર્યો હતો. બાળકી તરફડવા લાગતા ફરી બીજો ઘા ઝીંકી દીધો હતો અને બાળકીએ જીવ ગુમાવ્યો હતો.



પોલીસ માટે પુરાવા શોધવાની મોટી મથામણ


બાળકીની હત્યા કર્યા બાદ વંદનાએ લોહીના ડાઘા સાફ કરી, ધાબડો તથા ચાદર પણ સાફ કરી નાખ્યા હતા. આ ઉપરાંત અન્ય સ્થળે જે લોહીના ડાઘા કે પુરાવા હતા તે વંદનાના પતિ મયુર અને બાળકીના પિતા ચેતને મળીને સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. બાળકીને અગ્નિસ્નાન અપાયા ત્યાં સ્મશાન પર પોલીસ દોડી ગઈ હતી અને ડીએનએ ટેસ્ટ માટે બાળકીના હાડકા શોધવા મથામણ કરી હતી. પોલીસ માટે હાલના તબકકે કોયડો એ છે કે હત્યા થઈ, આરોપીઓએ કબૂલાત પણ આપી અને હાથમાં પણ આવી ગયા પણ કોઈ પુરાવા વગર કરવું શું ? એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.



પહેલાં પુરાવાનો નાશ કર્યો’ને પછી ડર તથા પ્રાયશ્ર્ચિતરૂપે પોલીસ પાસે દોડયા


બાળકીને મોત સંદર્ભે બાળકીના પિતા ચેતનને ખ્યાલ આવી ગયો હતો. બાળકી હોસ્પિટલે હતી ત્યારે તે ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં છત પર જતા લોહીના ડાઘ જોવા મળ્યા, સાંજના સમયે એક ધૂસો તથા ચાદર ધોયેલી હાલતમાં સુકાતી નજરે પડી તેમાં પણ લોહી જેવા ડાઘ દેખાયા હતા. વંદનાના સ્વભાવથી પરિચિત ચેતને પુત્રીની હત્યા વંદનાએ કરી હોવાની શંકા દૃઢ બની હતી અને તેના ભાઈ મયુરને પણ ઘરે બોલાવી લોહીના ડાઘ બતાવ્યા અને હત્યાની શંકા વ્યકત કરી હતી. જો કે બન્ને ભાઈઓએ જે તે સમયે વાત બહાર ન જાય તેમ માની લોહીના ડાઘ તેમજ ધુસો, ચાદર સગેવગે કરી અને તુરંત જ બાળકીને અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. બીજા દિવસે (ગઈકાલે) બન્ને ભાઈઓને ડર બેઠો કે હજુ ઘરમાં ત્રણ બાળકો છે. વંદના અન્ય બાળકો સાથે કે પરિવારના બીજા સભ્યો સાથે પણ આવી કોઈ હરકત કરી બેસે તો ? આવો ડર અને બન્નેએ છૂપાવેલા પાપનું પ્રાયશ્ર્ચિત થતા સગાવ્હાલાઓને બોલાવ્યા હતા અને ઘટના સંદર્ભે જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર બીના પોલીસ સુધી પહોંચતા અકસ્માતનો બનાવ હત્યા હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર ઘટના અંગે કોઈપણ પોલીસ અધિકારી કશું કહેવા માટે તૈયાર ન થયા કે મગનું નામ મરી પાડયું ન હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS