તું તારા પિયરમાંથી બીમારીનું ઘર લાવી છો, કહી બીમાર પુત્રવધુને સાસરીયાએ કાઢી મૂકી

  • March 15, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજકોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મોરબીમાં વાવડી રોડ પર શુભ સોસાયટીમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપી કાઢી મુક્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.


હાલ ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં માવતરના ઘરે રહેતી રૂમાનાબેન (ઉ.વ 24) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના વાવડી રોડ પર રહેતા પતિ સોયબ અબ્દુલભાઈ આંબલીયા, સસરા અબ્દુલભાઈ, સાસુ રશીદાબેન, જેઠ સરફરાજ, દીયર શાબીર અને નણંદ ફરઝાના તથા રૂબીનાના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા. 17/10/2021 ના શોયેબ સાથે થયા હતા પતિને મોરબીમાં ઇન્વર્ટર બેટરીની દુકાન છે લગ્ન બાદ પરિણીતા અહીં સંયુકત કુટુંબમાં રહેતી હતી. પાંચેક મહિના સારી રીતે રાખ્યા બાદ પરિણીતાની તબિયત સારી રહેતી ન હોય વધારે કામ થતું ન હોય જેથી સાસુ મેણા ટોણા મારવા લાગ્યા હતા. તેમજ થાકીને બપોરના સમયે આરામ કરે તો સાસુ સસરા જગાડીને કહેતા હતા કે, વહુઓને બપોરે સૂવાનું ના હોય કામ જ કરવાનું હોય સાસરીયામાં મકાનનું કામ ચાલુ હોય જેથી તેઓ પરિણીતાને તેના માવતરથી પૈસા લઈ આવવાનું કહેતા હતા અને આ બાબતે પણ ત્રાસ આપતા હતાં. પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય તેના ફોટા પણ પરિણીતાએ જોયા હોય તેથી આ બાબતે તેને પૂછતા તેણે કહ્યું હતું કે તારે મને કંઈ પૂછવાનું નહીં મારે જેમ કરવું હશે તેમ કરીશ.


પરિણીતાને પ્રેગ્નન્સી ન રહેતા હોસ્પિટલમાં બતાવવાનું કહેતા પતિ કહેતો હતો કે, કેટલા પૈસા હોસ્પિટલમાં નાખવાના. બાદમાં બહુ કહેતા રિપોર્ટ કરાવ્યા હતા જેમાં કીડનીની ટ્રીટમેન્ટ કરાવી પડશે તેવું જાણવા મળ્યું હતું જેથી સાસરીયાઓ સ્પષ્ટપણે કહી દીધું હતું કે, અમારી પાસે સારવારના પૈસા નથી તમે તમારી દીકરીને તેડી જાવ, પરિણીતાને કહેતા હતા કે, તું તો તારા પિયરમાંથી બીમારીનું ઘર લાવી છો.

ત્યારબાદ પણ અવારનવાર ત્રાસ આપતા હતા રસોઈ બનાવવા મોડું થાય તો જેઠ બૂમો પાડતો હતો તેમજ દિયર ઘરે આવે ત્યારે પગ દબાવવાનું કહેતો હતો અને ના પાડે તો ઝઘડો કરતો હતો. બે મોટા નણંદ જે બાજુમાં જ રહેતા હોય તે પણ અહીં આવી ચડામણી કરતા હતા. પરંતુ પરિણીતાની આર્થિક સ્થિતિ સારી ન હોય ઘરમાં નાની બહેન અને તેનો ભાઈ જે વિકલાંગ હોય જેથી તે આ વાત માતા-પિતાને કહેતી ન હતી. આવી સ્થિતિ હોવા છતાં તેની બીમારીનો ખર્ચ માતા-પિતા ઉઠાવતા હતા પતિને બિમારીની ખબર પડી ત્યારથી અવારનવાર ધમકી આપતો હતો કે હું બીજા લગ્ન કરી લઈશ આમ કહી ઝઘડો કરી મારકૂટ કરતો હતો.


બાદમાં પરણીતાની તબિયત ઠીક ન હોય પતિ તું થોડા દિવસ ઘરે આરામ કરતી આવું તેમ કહી તેના માવતરના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ તેડવા જ આવ્યો ન હતો. વડીલોની મધ્યસ્થીથી બેઠક બોલાવતા પતિએ કહ્યું હતું કે, તે તેડી જશે પરંતુ સારવાર કરાવશે નહીં અને મને લખાણ કરી દો કે હું છ મહિના પછી બીજા લગ્ન કરીશ. આમ પતિ સહિતના સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application