માવઠાથી શાકભાજીના પાકનો સોંથ, રાજકોટ યાર્ડમાં ગુજરાત તરફની આવકો વધી

  • May 15, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં માવઠાથી શાકભાજીના પાકનો સોંથ વળી ગયો છે, ખાસ કરીને માવઠા બાદ આકરો તાપ વરસતા બગાડ પણ વધ્યો હોય સ્થાનિક આવકો ઘટી ગઇ છે.રાજકોટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ સ્થાનિક ગામોમાંથી ફક્ત ૪૦ ટકા જેવી આવક થઇ રહી છે અને ૬૦ ટકા આવક ગુજરાત તરફથી થઇ રહી છે. તદઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ આવકો થઇ રહી છે જેમાં મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી થતી ટમેટાની આવક મુખ્ય છે.

જ્યારે રાજકોટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે માવઠાથી નુકસાન થયું તદઉપરાંત ત્યારબાદ આકરો તાપ વરસતા બગાડનું પ્રમાણ વધ્યું છે. હાલ આવકો ઘટી ગઇ છે અને કેરીની સીઝનના કારણે લેવાલી પણ ઘટી ગઇ છે. હજુ એકાદ પખવાડિયા સુધી આવી સ્થિતિ રહેશે. હાલ શાકભાજીની મોટા ભાગની આવક રાજકોટ જિલ્લા કે સૌરાષ્ટ્રના બદલે ગુજરાતના જિલ્લાઓમાંથી થઇ રહી છે. સ્થાનિક શાકભાજીમાં હવામાનજન્ય અસરોને કારણે ગુણવત્તા પણ નબળી છે.


બેડી યાર્ડમાં સપ્તાહ બાદ ખેડુતો ઉમટ્યા

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ગત રાત્રીથી તમામ જણસીઓની આવકોને એન્ટ્રી આપવાનું શરૂ કરાતા આજે સવારે થયેલી હરાજીમાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ચોમાસા પહેલા જણસીઓ વેંચવા ખેડૂતો ઉતાવળા બન્યા છે. ઘઉં, ચણા અને સૂકા મરચાની આવકને ટોકન સિસ્ટમથી એન્ટ્રી અપાઇ રહી છે. આજે સવારે ૩૦૦થી વધુ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application