રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૫માં ૮૦ ફૂટ રોડ ઉપર આવેલી જીઆઇડીસીના બિસ્માર રસ્તાઓથી ઉધોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં પાણીની લાઇન નાખવા માટે ત્રણેક મહિના પૂર્વે ખોદકામ કરાયું હતું, પાઇપલાઇન નેટવર્ક બિછાવ્યા બાદ કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે ખાડા પુર્યા ન હોય હાલ રસ્તાની દુર્દશા થઇ ગઇ છે. ખાસ કરીને જીઆઇડીસી એરિયામાં ટ્રક, ટોરસ, મેટાડોર જેવા ભારે માલવાહક વાહનોની સતત અવરજવર રહેતી હોય તેના કારણે રોડની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે. વહેલામાં વહેલી તકે જીઆઇડીસીના રસ્તા રિપેર કરી તેના ઉપર ડામરકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
આજી જીઆઇડીસીના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ૮૦ ફૂટ રોડ અને આજી જીઆઇડીસીના રસ્તા ઉપર એક સાથે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ૮૦ ફૂટ રોડ ઉપર યોગ્ય રીતે ખાડા પુરીને ડામરકામ પણ થઇ ગયું છે, જ્યારે આજી જીઆઇડીસીના રસ્તા ઉપર યોગ્ય રીતે ખાડા પુર્યા ન હોય વાહનોના ટાયર ખુંપી જાય તેવી સ્થિતિ છે તદઉપરાંત મેઇન રોડ ઉપરથી ડ્રેનેજના ઢાંકણ પણ ગાયબ થઇ ગયા હોય અકસ્માત સર્જાવાનું જોખમ રહે છે. ડ્રેનેજના ખુલ્લા ઢાંકણા ને કારણે અકસ્માત ન સર્જાય તે માટે ડ્રેનેજના ખુલ્લા હોલમાં વૃક્ષોના સુકાયેલા ડાળખા ઉભા રાખવામાં આવ્યા છે જેથી વાહનો ત્યાંથી દૂર ચાલે ! અલબત્ત અમુક સ્થળોએ ખાડા પુર્યા છે ત્યાં ખાડા પુરીને ટેકરા સર્જ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
આજી જીઆઇડીસીના રસ્તા ઉપરાંત નળ, ગટર, લાઇટ, સફાઇ સહિતના અનેક પ્રશ્નો વર્ષોથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે ટલ્લે ચડેલા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી આ જીઆઇડીસીના ઉદ્યોગકારો વર્ષોથી જીઆઇડીસીને તેમજ મહાપાલિકાને તેમ બબ્બે ઓથોરિટીને ટેક્સ ચૂકવે છે પરંતુ મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ બન્નેમાંથી એક પણ એજન્સી તરફથી મળતી નથી અને ઉલ્ટા ટેક્નિકલ પ્રશ્નો સર્જાયા કરે છે તેવો વસવસો ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો.
રજુઆત કરતા આશ્વાસન મળ્યું: નરેશ શેઠ
આજી જીઆઇડીસી એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેશભાઈ શેઠએ જણાવ્યું હતું કે, તેમણે બિસ્માર રસ્તા પ્રશ્ને એસોસિએશન વતી મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજુઆત કરી છે. રજુઆત વેળાએ આશ્વાસન મળ્યું છે પરંતુ હજુ રસ્તા રિપેરિંગ શરૂ થયું નથી. ચોમાસા પૂર્વે થઇ જાય તો સૌને રાહત થશે.
મારા સુધી ફરિયાદ આવી નથી: વી.પી.વૈષ્ણવ
આજી જીઆઇડીસીના બિસ્માર રસ્તા પ્રશ્ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવનો આ મામલે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે તેમના સુધી કોઇ ફરિયાદ આવી નથી. ફરિયાદ મળે તો જ ચેમ્બર રજુઆત કરે. જો આ મુદ્દે અમારા સુધી ફરિયાદ આવશે તો રજુઆત કરીશું !
ચોમાસા બાદ નવા રોડનું પ્લાનિંગ: મ્યુનિ.ઇજનેર
રાજકોટ મહાપાલિકાના ઇજનેરી વર્તુળોનો સંપર્ક સાધતા આ મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલ તુરંત તો રસ્તા રિપેરિંગની કાર્યવાહી કરાશે પરંતુ એક્શન પ્લાન હેઠળનો નવો રોડ તો ચોમાસા પછી જ બનાવવાનું પ્લાનિંગ છે અને તેમાં ફેરફારને કોઇ સ્થાન નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech