જામનગરમાં તા.૧૩ થી ૧૬ દરમ્યાન ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો -૨૦૨૫નું આયોજન

  • February 12, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર ફેકટરી ઓનર્સ એસો. ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવેલ છે જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્ર્વિક બજારમાં એક મંચ મળે તે પ્રકારનું કોઈ એકઝીબીશન જામનગર ખાતે યોજાયેલ ન હતું તેથી જામનગરના નાના બ્રાસઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત ઔદ્યૌગિક વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી પહેલી જ વાર જામનગરના જ આંગણે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન તથા કે. એન્ડ ડી. કોમ્યુનિકેશન લીમીટેડના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન આરટીઓ ચેકપોસ્ટ, ખંભાળીયા રોડ સામે આવેલા મેદાનમાં જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે.

આ એકસ્પોના આયોજનમાં સંસ્થાને ભારત સરકારના એમએસએમઇ, એમએસઆઇસી, ઇઇપીસી, જીઆઇડીસી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, મેટલ રીસાઈકલીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠલ ઉદ્યાગનગર ઈન્ડસ્ટ્રીઝ એસસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, લોધીકા જીઆઈડીસી એસોસીએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન જામનગર, જામનગર ઈલકેટ્રાપ્લેટર્સ એસોસીએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ, એમ.પી. શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસીએશન, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લીમીટેડ, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે.



ફેકટરી ઓનર્સ એસોના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માલ મેળવવા માટે ગ્રાહક ઉદ્યોગકારોના આંગણે આવે અને માલ વહેંચવા માટે ઉદ્યોગકારો ગ્રાહકના આંગણે જાય આ બન્ને બાબતમાં મોટો ફરક છે ત્યારે જામનગરના ઉદ્યોગકારોને ઘરઆંગણે જ આ સુવિધા મળી રહે અને બ્રાસસીટી જામનગરની વૈશ્વિક ઓળખ બની રહે તેવો અમારો હેતું છે. આ એકસ્પોમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગલોર, ભાવનગર, ચેન્નાઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધીયાણા, મુંબઈ, નાગપુર, નાસિક, ન્યુ દિલ્હી, પુણે, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરોમાંથી ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખ્યા છે. આ એકસ્પોની મુલાકાત લેનાર તેમની જરૂરીયાતના બ્રાસપાટર્સ/મશીનરી વિગેરેના બ્રોસર, વિઝીટીંગ કાર્ડની આપ-લે કરે ખરીદનાર અને વહેચનાર એકબીજાના સંપર્કમાં આવે બન્નેને અરસપરસ મળવાની તક મળે અને નવા ધંધાકીય વ્યવહારોની શરૂઆત થાય તે આશયથી આ એકસ્પોનું આયોજન કરેલ છે. ઘણા નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો અન્ય સેન્ટરમાં યોજાતા એકઝીબીશનોમાં પ્રર્દશીત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી ત્યારે ઘરઆંગણે જ આ પ્રકારનો મંચ મળે તે માટે રાજય સરકારની સબસીડીનો લાભ લઈ ઉદ્યાગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે ત્યારે આવનાર દિવસોમાં આ એકસ્પો બ્રાસઉધોગ માટે અતિ ફળદાયી નિવડશે તેવી અમને આશા તથા વિશ્વાસ છે.



આ એક્સ્પોમાં ઉપસ્થિત રહેવા માટે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, જામનગર-દ્વારકાના લોકલાડીલા સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દ્વારકા (ઓખા)ના ધારાસભ્ય પબુભા માણેક, જીલ્લા કલેકટર કેતન ઠકકર, જીલ્લા પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુ તથા જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપના જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા તથા અન્ય પદાધીકારીઓને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. એવું પણ જાહેર કરાયું હતું કે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અનિવાર્ય કારણસર આ કાર્યક્રમમાં આવી નહિં શકે.

આ એકઝીબીશનને સફળ બનાવવામાં આ સંસ્થાને કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર તરફથી ખુબજ સહકાર મળ્યો છે અને જેના ફળસ્વરૂપે રાજયના  વિભાગના માધ્યમથી વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટીંગ, સેમીનારો યોજવામાં આવનાર છે જેમાં ખાસ કરીને એનટીપીસી, વેસ્ટર્ન રેલ્વે, પીજીવીસીએલ, ઓએનજીસી, એસઆઇડીબીઆઇ, એસબીઆઇ, એસબીજી, આઇજીટીઆર, ડીઆઇસી, કયુસીઆઇ, ઇઇપીસી, જીઇએમ, ગેઇલ, એનએસઆઇસી, પાવર ગ્રીડ  જેવા સરકારી સાહસોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેનાર છે. વિદેશમાં જયાં બ્રાસપાટર્સની મોટાપાયે નિકાશ કરવામાં આવે છે ત્યાંથી ખરીદદારો આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તેવો અમારો હેતું હતો જેમાં આ એકઝીબીશનમાં બેનીન, કેમરૂન, ઈજીપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્જાનીયા, ઝીમ્બાબવે વિગેરે દેશોમાંથી બાયરો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ બ્રાસસીટી જામનગરના મહેમાન બનશે જે અમારા સૌ માટે ગૌરવની વાત છે.

​​​​​​​

આશરે ૫ લાખ ચો. ફુટની વિશાળ જગ્યામાં યોજાનાર આ એકસ્પોમાં આશરે ૨ લાખ ચો. ફુટની જગ્યામાં, જર્મન હેંગરમાં સેન્ટ્રલ એસી ડોમમાં આશરે ૨૦૦ કરતાં પણ વધું એકઝીબીટરો/સ્ટોલ ધારકો તેમના ઉત્પાદનો પ્રર્દશનમાં મુકશે અને આશરે ૩૦ હજાર કરતાં પણ વધું લોકો તેની મુલાકાત લેશે જેથી નવી બિઝનેશ ઈન્કવાયરીઓ જનરેટ થશે અને વૈશ્વિક સ્તરે વેપારની નવી તકો ઉભી થશે અને જેનો જામનગરના બ્રાસઉદ્યાગને જબરો લાભ થશે તેવી મને આશા છે. સંસ્થાના આ ડ્રીમ પ્રોજેકટ એવા આ એક્ઝીબીશનને સફળ બનાવવા માટે કેન્દ્ર તથા રાજય સરકારની સાથોસાથ જામનગરના બ્રાસઉદ્યૌગનું હિત સદાય જેમને હૈયે વસેલ છે એવા આપણા લોકલાડીલા સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જીલ્લા કલેકટર કચેરી, પોલીસ તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રનો ખુબજ સાથ-સહકાર મળ્યો છે તેનો અને ખાસ કરીને આ એક્ઝીબીશન માટે વિના મુલ્યે જગ્યા આપનાર નિલેશભાઈ તથા હિમાંશુભાઈ કરશનભાઈ ભૂતિયા પરિવારનો તથા આ પ્રોજેકટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો ખાસ આભાર માનું છું. તેમ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સુરેશભાઇ હિરપરા, પ્રોજેકટ ચેરમેન સંજય ડોબરીયા, મનસુખભાઇ સાવલા, ભાઇલાલભાઇ ગોધાણી, રાજુભાઇ ચાંગાણી, રમણીકભાઇ અકબરી, દિનેશભાઇ શાહ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application