શહેરમાં સેંકડો પરિવારોને ડિમોલિશનની નોટિસ ફટકારાતા મ્યુનિ.કમિશનરને ઇન્દ્રનીલનું આવેદન

  • March 10, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં સેંકડો પરિવારોને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી પીપીપી સહિતની આવાસ યોજનાઓના નામે ઝુંપડા અને મકાનોનું ડિમોલિશન કરતા પહેલા પીડિત પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગણી કરવામાં આવી હતી.


વિશેષમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નેતૃત્વમાં અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીના લેટરપેડ ઉપર મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતનાઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનપત્રમાં વિપક્ષ કોંગ્રેસએ જણાવ્યું છે કે પોતાના ઘરોમાં રહેતા લોકોએ વીસથી પચ્ચીસ વારની જગ્યા ઉપર રહેતા ઝૂંપડપટ્ટીવાસીઓને પોતાના અધિકાર માટે હેરાનગતિ ન કરવી. આપ આઇએએસ અધિકારી છો ભાજપની ભ્રષ્ટાચારી ભૂખને આધીન ન રહો એવી આપની પાસે અપેક્ષા છે. પીપીપી યોજનામાં પોતાની કાયદેસરની મિલકતને ભાજપની સરકારે નિયમો બનાવી અને અનિચ્છાએ પણ આપવી પડે એવી પીપીપી યોજનામાં જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર પણ ન જઇ શકે અને પોલીસ પણ કાયદાની દ્રષ્ટિએ ન જઇ શકે પરંતુ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ મટાવવા આવા બિલ્ડરોની સાથે મિલીભગતથી સત્તાનો દુરુપયોગ કરી લોકોના મકાન પાડવાની પણ કોર્પોરેશન વ્યવસ્થા કરે છે. તેમાં પણ એક આઈએએસ અધિકારીના દરજ્જે આપ યોગ્ય પગલાં લઈ બંધ કરાવશો આ સાથે અમારી માગણી એવી પણ છે કે દરેક ભારતવાસીઓનો દેશ પર અધિકાર છે અને તેનું રહેઠાણ છીનવવાનો કોઈનો નૈતિક અધિકાર નથી માટે કોઈ પણ ઝુપડપટ્ટી વૈકલ્પિક જગ્યા વગર તેના મકાન ન તોડવા માટે અમારી અપીલ છે. રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ આજે રજૂઆતના અંતે કમિશનરે ખાતરી આપી હતી કે નિયમ મુજબ કાર્યવાહી થશે. બિલ્ડર કે શાસકોના દબાણ હેઠળ કામગીરી કરવામાં આવશે નહીં.

ઉપરોક્ત આવેદનપત્ર પાઠવતી વેળાએ પૂર્વ ધારાસભ્ય

ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં પૂર્વ કોર્પોરેટરો સહિત ૫૦ જેટલા કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application