ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, સારવાર માટે અફઘાનિસ્તાનથી કરાચી લવાયો

  • December 26, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. મસૂદ અઝહર અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં આતંકવાદીઓને તાલીમ આપી રહ્યો હતો. અહીં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને સારવાર માટે પાકિસ્તાન લાવવામાં આવ્યો હતો. આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારથી પાકિસ્તાન લાવવામાં આવ્યો છે. એક ન્યૂઝ ચેનલ અનુસાર મસૂદ અઝહર હાલમાં કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં કડક સુરક્ષા હેઠળ તેની સારવાર ચાલી રહી છે. મસૂદને કરાચીથી રાવલપિંડી કે ઈસ્લામાબાદની મોટી હોસ્પિટલમાં લઈ જવાની પણ વાત છે.


મસૂદ આતંકવાદી હુમલાઓનો માસ્ટર માઈન્ડ 
જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલ આતંકવાદી છે અને તેને ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. પાકિસ્તાનની સરકાર અને સેના પર મસૂદને પડદા પાછળ સમર્થન કરવાનો આરોપ છે. ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચોમાં મસૂદને પાકિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળવાનો મુદ્દો પણ ઘણી વખત ઉઠાવ્યો છે. અઝહર થોડા દિવસો પહેલા જ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે પાકિસ્તાનના બહાવલપુરમાં એક જાહેર સભામાં ભાષણ આપતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન પણ મસૂદ અઝહરે ભારત માટે ઝેર ઓક્યું હતું.


મસૂદ ભારત પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ છે
2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કાવતરાખોર ગણાતા અઝહરને તે જ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2022માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, અઝહર અફઘાનિસ્તાન ભાગી ગયો હતો. જો કે, આવી તસવીરો અને અહેવાલો વારંવાર સામે આવ્યા છે, જે દર્શાવે છે કે, મસૂદ પાકિસ્તાનમાં પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યો છે. મસૂદ પર 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે.​​​​​​​

પાકિસ્તાન સરકારે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ
મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેને 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 814 (IC814)ના અપહરણ બાદ બંધકોની મુક્તિના બદલામાં ભારતે મુક્ત કર્યો હતો. મસૂદ અને આ હાઇજેકિંગ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. ભારતનું કહેવું છે કે મસૂદ અઝહર તેની મુક્તિ બાદથી સરહદ પારથી ભારતીય ધરતી પર આતંકવાદી હુમલાઓ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે પાકિસ્તાનનું વલણ અવગણનાનું રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News