ભારતીય વાયુસેના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મોટું ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. વાયુસેના દ્વારા હવે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી આધારિત લાંબા અંતરનું 'કામિકાઝે' ડ્રોન વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈપણ ચીની સામગ્રી, પાર્ટ્સ કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમિલનાડુના સુલુર ખાતે આવેલા વાયુસેનાના પાંચમા બેઝ રિપેર ડેપોમાં આ આધુનિક ડ્રોન વિકસાવવાનું આયોજન છે, જેના ઉત્પાદન માટે ભારતીય સંરક્ષણ કંપનીઓ પાસેથી સત્તાવાર ટેન્ડર પણ મંગાવી લેવામાં આવ્યા છે.
લશ્કરી પરિભાષામાં કામિકાઝે ડ્રોનને 'વન-વે એટેક માનવરહિત એર સિસ્ટમ' તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું ઘાતક હથિયાર છે જે દુશ્મનના ચોક્કસ લક્ષ્ય પર જઈને તેની સાથે જ બ્લાસ્ટ થઈ જાય છે અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. વાયુસેના આ ડ્રોનના બૌદ્ધિક સંપદા અધિકારો પોતાની પાસે જ રાખશે, જેથી ભવિષ્યમાં યુદ્ધની જરૂરિયાતો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કે વિસ્તરણ સરળતાથી કરી શકાય. હાલના સમયમાં ભારતીય વાયુસેના આ પ્રકારની કામગીરી માટે ઇઝરાયેલની 'હાર્પ સિસ્ટમ' પર નિર્ભર છે, પરંતુ આ નવા પ્રોજેક્ટથી ભારતની વિદેશી નિર્ભરતા ઘટશે.
આ સ્વદેશી ડ્રોનની વિશેષતાઓ અને ક્ષમતા અત્યંત પ્રભાવશાળી છે. આ ડ્રોન આધુનિક 'ફિક્સ્ડ-વિંગ' ડિઝાઇન ધરાવતું હશે, જે દિવસ અને રાતના કોઈપણ સમયે અંધારામાં પણ ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી સફળતાપૂર્વક ઉડી શકશે. આ ડ્રોન પોતાની સાથે આશરે ૩૦ કિલોગ્રામ જેટલો ઘાતક પેલોડ (વિસ્ફોટકો કે હથિયાર) વહન કરવા માટે સક્ષમ હશે. આ સિવાય તેમાં સેટેલાઈટ નેવિગેશન ન હોય તો પણ પોતાના રૂટ પર સ્વાયત્ત રીતે ઉડાન ભરવાની અને નેવિગેટ કરવાની અદભુત ક્ષમતા હશે.
આ પ્રોજેક્ટ હેઠળ ડ્રોનને મલ્ટી-પર્પઝ બનાવવામાં આવી રહ્યું છે, જેથી જરૂરિયાત મુજબ તેમાં શસ્ત્રો, સેન્સર અને ડેટા રિલે સિસ્ટમ જેવા મહત્વના સાધનો તાત્કાલિક બદલી શકાશે. એટલું જ નહીં, જો મિશન દરમિયાન હુમલો ન કરવો હોય તો આ ડ્રોન સુરક્ષિત રીતે પોતાના બેઝ પર પરત ફરી શકે તેવી ક્ષમતા પણ વિકસાવવામાં આવશે. આ સ્વદેશી હાઈટેક ડ્રોન ભારતીય વાયુસેનાની ચોકીદારી અને હુમલાની શક્તિને અનેકગણી મજબૂત કરશે, જેનાથી સરહદ પર દુશ્મન દેશોની ચિંતામાં ચોક્કસપણે વધારો થશે.