રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા પર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન પર રશિયાના ઊર્જા સંબંધોનો અંત લાવવા દબાણ કરવા માંગે છે, પરંતુ આવા પગલાથી વિપરીત પરિણામ આવી શકે છે.ભારત ક્યારેય ઝૂક્યું નથી અને ઝુકશે પણ નહી જ.પુતિને ચેતવણી આપી હતી કે જો અમેરિકા રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદશે, તો તે વૈશ્વિક ભાવમાં વધારો થશે અને યુએસ ફેડરલ રિઝર્વને ઊંચા વ્યાજ દર જાળવી રાખવા દબાણ ઉભું થશે. તાજેતરમાં, અમેરિકાએ ભારતીય નિકાસ પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જેનાથી ટેક્સ 50% સુધી વધી ગયો છે.રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, "ભારત અને ચીન પોતાનું અપમાન થવા દેશે નહીં.તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, તો તેને નુકસાન થશે. પરંતુ ભારતીય લોકો અને નેતૃત્વ ક્યારેય આવું થવા દેશે નહીં. પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે મોદી આવું પગલું નહીં ભરે.
પુતિને અમેરિકાના બેવડા વલણ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકા પોતે રશિયા પાસેથી સમૃદ્ધ યુરેનિયમ ખરીદે છે, પરંતુ અન્ય દેશોને રશિયન ઉર્જાથી દૂર રહેવાનું કહે છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની સતત ટીકા કરી રહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથીઓએ પણ વારંવાર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ તો ભારતને "ટેરિફનો રાજા" પણ ગણાવ્યો હતો અને મોદી પર પુતિન અને શી જિનપિંગની નજીક હોવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ, પુતિને અમેરિકાને ચેતવણી આપી હતી કે ભારત અને ચીન સાથે વસાહતી યુગની ભાષામાં વાત કરી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે, "વસાહતીવાદનો યુગ પૂરો થઈ ગયો છે. ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓ કોઈપણ અલ્ટીમેટમ સામે ઝૂકશે નહીં. રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે પણ કહ્યું હતું કે ભારત અને ચીન જેવા દેશો ક્યારેય અમેરિકાના દબાણને સ્વીકારશે નહીં.