28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ વિશ્વના મહત્વના વ્યાપારી માર્ગો પ્રભાવિત થયા છે. દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ ખરીદનાર દેશ તરીકે ભારત સામે પણ મોટો પડકાર હતો. પરંતુ ભારત સરકારે સંકટ આવતા પહેલા જ રશિયા અને લેટિન અમેરિકા જેવા વૈકલ્પિક સ્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને અંધકારમાં જતો બચાવી લીધો છે.
રશિયા બન્યું ભારતનું 'સંકટમોચક'
જ્યારે ખાડી દેશોમાંથી તેલ આવવું મુશ્કેલ બન્યું, ત્યારે ભારતે રશિયા તરફ પોતાની નજર દોડાવી. કેપ્લર (Kpler) ના રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ આશરે 1.98 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે, જે પાછલા મહિનાઓ કરતા સીધું બમણું છે. અમેરિકાના કડક પ્રતિબંધો હોવા છતાં, ભારતની મુત્સદ્દીગીરીને કારણે રશિયન તેલ પર વિશેષ છૂટ મેળવવામાં સફળતા મળી છે. એપ્રિલ મહિના માટે ભારતે વધુ 60 મિલિયન બેરલ તેલની ડીલ પાકી કરી લીધી છે.
આફ્રિકા અને વેનેઝુએલા સાથેનો વ્યૂહાત્મક તાલમેલ
ભારત માત્ર એક જ દેશ પર નિર્ભર રહ્યું નથી. સરકારે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશો સાથેના સંબંધો પણ મજબૂત કર્યા છે. આફ્રિકન દેશ અંગોલાથી તેલની આયાત ત્રણ ગણી વધીને 327,000 bpd પર પહોંચી ગઈ છે. વર્ષોથી અમેરિકી પ્રતિબંધોનો સામનો કરી રહેલા વેનેઝુએલા અને ઈરાન દેશો સાથે ભારતે ફરી તેલના વ્યવહાર શરૂ કર્યા છે. એપ્રિલના મધ્ય સુધીમાં ઈરાન અને વેનેઝુએલાથી લાખો બેરલ તેલ ભારતીય બંદરો પર પહોંચવા લાગ્યું છે.
વિશ્વમાં મોંઘવારી, પણ ભારતીય જનતાને રક્ષણ
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને હોવા છતાં, ભારત સરકારનો દાવો છે કે છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવા દીધો નથી. વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા હતા કે વૈશ્વિક દબાણને કારણે ભાવમાં પ્રતિ લિટર ₹28 સુધીનો ઉછાળો આવી શકે છે, પરંતુ સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને અને વ્યુહાત્મક અનામતનો ઉપયોગ કરીને સામાન્ય માણસના ખિસ્સા પર ભાર પડવા દીધો નથી.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે આટલા મોટા ભૌગોલિક-રાજકીય તણાવ છતાં પોતાની જનતાને મોંઘવારીની મારથી સંપૂર્ણ સુરક્ષિત રાખી છે. ભારતની આ 'તેલ કૂટનીતિ' આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે.