ગુરુવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 7 રને રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ભારત હવે ચોથી વખત (2007, 2014, 2024 અને 2026) આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ્યું છે. રનથી ભરપૂર આ મેચમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ અંતે બાજી ભારતના પક્ષમાં રહી.
ટીમ ઈન્ડિયાનો રનનો પહાડ
ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બેટર્સ માટે જાણે આમંત્રણ સમાન સાબિત થયો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
સંજુ સેમસનની શાનદાર ઈનિંગ
ઓપનિંગમાં આવેલા સંજુ સેમસને માત્ર રન જ નહીં પણ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે 89 રનની આક્રમક ઈનિંગ રમી હતી. મધ્યમ ક્રમનો ટેકાની વાત કરીએ તો શિવમ દુબેએ (43), ઈશાન કિશને (39) અને હાર્દિક પંડ્યાએ (27) ઉપયોગી રન જોડીને સ્કોરને 250ની પાર પહોંચાડ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને વિલ જેક્સે 2-2 વિકેટ ઝડપી હતી, પરંતુ તેઓ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
જેકબ બેથેલની લડાયક સદી એળે ગઈ
254 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પણ જબરદસ્ત લડત આપી હતી. ઈંગ્લેન્ડની આખી ઈનિંગ યુવા બેટર જેકબ બેથેલની આસપાસ ફરેલી રહી. જેકબ બેથેલે માત્ર 48 બોલમાં 105 રન ફટકારીને ભારતની છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તેણે ટી-20 વર્લ્ડ કપની આ મહત્ત્વની મેચમાં યાદગાર સદી ફટકારી હતી.
છેલ્લી ઓવરનો રોમાંચ
બેથેલની સદી છતાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 246 રન જ બનાવી શકી અને ભારતનો 7 રને વિજય થયો.