ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું: ટ્રમ્પ

  • March 08, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેરીફ લાદવાની ટ્રમ્પની વારંવારની ધમકીથી ડરીને ભારતે અંતે પોતાના કાંડાં કાપી આપ્યા હોવાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિએ કરી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે કે ભારત અમેરિકાથી નિકાસ થતા માલ પર ટેરિફમાં મોટો ઘટાડો કરવા સંમત થયું છે.અમેરિકન ઉત્પાદનોન પર દુનિયાભરના દેશો વધુ આયાત જકાત, ટેરીફ લગાવે છે તેને બંધ કરાવવા માટે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી નિવેદનો આપીને દબાણ બનાવી રહ્યા છે. તેણે ભારત પર દબાણ કરવા માટે વારંવાર ભારતનું નામ લઈને ટેરીફ લાદવાની ધમકીઓ આપી હતી. તેમનો મકસદ ભારતને ટેરીફ ઘટાડવા માટે મજબૂર કરવાનો હતો જે સફળ થયો છે. ભારત જો ખરેખર ટેરીફ ઘટાડવા માટે સહમત થયું હોય તો તે ભારતીય ઉદ્યોગો માટે મોટી મુશ્કેલી પેદા કરનાર નિર્ણય હશે.

ભારત અંગે ટેરિફ સંબંધિત નિવેદન આપી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભારત આપણા પર 100 ટકાથી વધુ ઓટો ટેરિફ લાદે છે. હવે ગઈકાલે યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, કેનેડામાં લાકડા પરનો ટેરિફ ખૂબ ઊંચો છે. સમાન ટેરિફ અંગે ટૂંક સમયમાં કંઈક કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન ટેરિફના મામલે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યું છે. ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. બ્રિટન સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડી રહી છે, તેમની પાસે કોઈ કાર્ડ નથી.

ગઈકાલે ટ્રમ્પનું બીજું એક નિવેદન આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન સાથે શાંતિ કરાર ન થાય ત્યાં સુધી રશિયા પર ટેરિફ લાદવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે રશિયા હાલમાં યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યું છે. બંને પક્ષો (રશિયા-યુક્રેન) સમાધાન કરવા માંગે છે, અમે તેને ઉકેલીશું. તેમણે તેને ત્રીજું વિશ્વયુદ્ધ ગણાવ્યું અને કહ્યું કે તે ખરેખર સમાપ્ત થઈ શકે છે. આપણે આ બંધ કરવું પડશે. બાઈડેને પાણીની જેમ પૈસા આપ્યા. કોઈપણ સુરક્ષા ગેરંટી પહેલાં યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માંગુ છું.

તેમણે કહ્યું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. ટ્રમ્પ રશિયા સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ અટકાવવા માંગે છે ત્યારે અમેરિકા રશિયા પર પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલોના થોડા દિવસો બાદ રિપબ્લિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન આવ્યું છે.


૪ માર્ચના રોજ એક અહેવાલમાં જણાવાયું છે કે વ્હાઇટ હાઉસે રાજ્ય અને ટ્રેઝરી વિભાગોને આગામી દિવસોમાં રશિયન પ્રતિનિધિઓ સાથે યુએસ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવા માટે હળવા કરી શકાય તેવા પ્રતિબંધોની યાદી તૈયાર કરવા જણાવ્યું છે, જે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવા માટે મોસ્કો સાથે વહીવટની વ્યાપક વાટાઘાટોના ભાગ રૂપે છે.


ટ્રમ્પના પુરોગામી જો બાઈડેને 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં ભારે પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ જ્યારે ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના પગલા તરીકે પ્રતિબંધો પાછા ખેંચવાની જાહેરાત કરી, ત્યારે ટીકાકારોએ ચેતવણી આપી કે તે વ્લાદિમીર પુતિનને હિંમત આપી શકે છે, જેનાથી રશિયાને તેના લશ્કરી કામગીરી જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત મળી શકે છે. હવે, ટ્રમ્પ દ્વારા રશિયા પર ફરીથી મોટા પ્રતિબંધો લાદવાથી એવી અટકળોને વેગ મળી શકે છે કે તે બે યુદ્ધરત દેશો, યુક્રેન અને રશિયા વચ્ચેના પ્રસ્તાવિત શાંતિ કરાર પર નકારાત્મક અસર કરી શકે છે.


ભારતે બજારને કૃષિ ઉત્પાદનો માટે ખુલ્લું મૂકવું પડશે,યુએસ

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ભારત-અમેરિકા સંબંધો, વેપાર અને ટેરિફ પર વાત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોન્ક્લેવમાં ભાગ લેનારા લુટનિકે ટ્રમ્પના નિવેદનને રીપીટ કર્યું કે ભારત વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જે અમેરિકન માલ પર સૌથી વધુ ટેરિફ લાદે છે. તેમણે કહ્યું કે ભારતે ટેરિફમાં મોટો ઘટાડો કરવો પડશે જેથી અમેરિકા ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે અને બંને દેશો વચ્ચે સમાન ધોરણે વેપાર થઈ શકે. લટનિકે કહ્યું, ભારતે બજારને કૃષિ ઉત્પાદનો માટે ખુલ્લું મૂકવું પડશે. તમારે સમજદારીપૂર્વક વેપાર કરવો પડશે. આ વ્યવસાય કરવાની રીત નથી. ભારતે તેના ટેરિફ ઘટાડવા જોઈએ અને અમેરિકાને તેના બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ. આ કંઈક મોટું કરવાનો સમય છે, ફક્ત કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાથી કામ નહીં ચાલે. અમેરિકાએ પહેલા ટેરિફ લાદ્યો ન હતો અને ભારત શરૂઆતથી જ અમેરિકન માલ પર ભારે ટેરિફ લાદી રહ્યું છે. પરંતુ અમેરિકા હવે પોતાની નીતિ બદલી રહ્યું છે. હવે ટ્રમ્પ સમાન ટેરિફ લાદી રહ્યા છે. હવે, જે પણ દેશ અમારી સાથે વર્તે છે, અમે તેની સાથે એ જ રીતે વર્તીશું.


આખરે કોઈ તો છે જે ભારતને ખુલ્લું પાડી રહ્યું છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે આખરે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે કારણ કે આખરે કોઈ તો છે જે તેમના કાર્યોની પોલ ખોલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકી માલ પર જકાત લાદનારા દેશો પર પારસ્પરિક જકાત 2 એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ બેઈમાની છે. ભારત અમારી પાસેથી ૧૦૦ ટકાથી વધુ ઓટો ટેરિફ વસૂલ કરે છે. તેમણે કહ્યું, હું તેમને દોષ નથી આપતો, પણ આ વ્યવસાય કરવાની એક અલગ રીત છે. ભારતમાં ઉત્પાદનો વેચવા ખૂબ મુશ્કેલ છે. ભારતે આખરે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે કારણ કે આખરે કોઈ તો છે જે તેની પોલ ખોલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application