ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ના ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ (GCI) માં ભારતને રોલ-મોડલ દેશોની 'ટિયર-૧' કેટેગરીમાં સ્થાન મળ્યું છે, જ્યાં ભારતે ૧૦૦ માંથી ૯૮.૪૯ નો શાનદાર સ્કોર કર્યો છે. કાનૂની અને તકનીકી મોરચે લીધેલા કડક પગલાંને લીધે ભારત દુનિયાના ટોચના ૧૦ દેશોમાં સામેલ છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન અલગ છે. વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ અનુસાર, સાયબર હુમલાખોરોના ટાર્ગેટ પર રહેનારો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે અને અહીંની સંસ્થાઓ પર દર અઠવાડિયે હજારો ડિજિટલ હુમલા થાય છે.
હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર એક મોટો સાયબર હુમલો થયો હતો. આ હુમલાને કારણે સિસ્ટમની સુરક્ષા તૂટી ગઈ અને આશરે ૫૦ વિદ્યાર્થીઓને પોર્ટલનો અનધિકૃત એક્સેસ મળી ગયો હતો. પરિણામે ફીના આંકડા ખોરવાઈ ગયા અને પ્રતિ વિષય ફી ૧ રૂપિયાથી લઈને ૬૮ હજાર રૂપિયા સુધીની દેખાવા લાગી હતી.આ પહેલાં એક ૧૯ વર્ષના એથિકલ હેકરે પણ બોર્ડના ઓન-સ્ક્રીન માર્કિંગ પોર્ટલમાં નબળા પાસવર્ડ જેવી ખામીઓ ખુલ્લી પાડી હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક IIT મદ્રાસ અને IIT કાનપુરના ટેકનિકલ એક્સપર્ટ્સને આખા સિસ્ટમનું સુરક્ષા ઓડિટ કરવા માટે તૈનાત કરવા પડ્યા છે
સાયબર ડિફેન્સ બજેટ
ગ્લોબલ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહેલું અમેરિકા અને બ્રિટન જેવા દેશો તેમના કુલ આઈટી બજેટનો એક બહુ મોટો ભાગ સાયબર સિક્યોરિટી અને AI આધારિત સુરક્ષા પાછળ ખર્ચે છે.
કડક કાયદો (GDPR)
યુરોપમાં 'જીડીપીઆર' (GDPR) નામનો દુનિયાનો સૌથી સખત ડેટા પ્રાઇવસી કાયદો લાગુ છે. ત્યાં જો ડેટા લીક થાય તો કંપનીઓ પર કરોડોનો દંડ થાય છે, જેથી સુરક્ષા સાથે ક્યારેય સમાધાન થતું નથી.
ભારતની સ્થિતિ
ભારતે 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' (DPDPA) જેવો કાયદો ચોક્કસ બનાવ્યો છે, પરંતુ પશ્ચિમી દેશોની જેમ તેને જમીની સ્તરે સખતાઈથી લાગુ કરવાનો હજી બાકી છે.