BREAKING NEWS

IND A vs SL A: પ્રથમ વન-ડેમાં ઇન્ડિયા A ની રોમાંચક જીત; ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી બાદ અર્શદ ખાને એક જ ઓવરમાં પલટી નાખી આખી બાજી

  • June 09, 2026 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ રોમાંચક વન-ડે મેચમાં ઇન્ડિયા એ (India A) ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકા એ (Sri Lanka A) ટીમને ૮ રનથી હરાવીને શ્રેણીમાં વિજયી પ્રારંભ કર્યો છે. મેચની અંતિમ ઓવરો સુધી ચાલેલી આ રસાકસીમાં ભારતીય ટીમે હારેલી બાજી પોતાના નામે કરી લીધી હતી.


પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૭૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૪૮.૫ ઓવરમાં ૨૬૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ રોમાંચક જીત અને મેચના હીરો બનેલા ખેલાડીઓનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશી માત્ર ૧૪ રન અને વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ માત્ર ૨ રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા.


ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી અને તિલકની ધીમી ફિફ્ટી
બે વિકેટ વહેલી પડી ગયા બાદ ઓપનર ઋતુરાજ ગાયકવાડે અને પ્રિયાંશ આર્યા (૩૨ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૫૩ રન જોડ્યા હતા. પ્રિયાંશના આઉટ થયા બાદ ગાયકવાડ અને તિલક વર્મા વચ્ચે ચોથી વિકેટ માટે ૧૫૦ રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. ઋતુરાજે ૧૧૪ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૦૧ રનની શાનદાર સદી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. કેપ્ટન તિલકે રન ચોક્કસ બનાવ્યા પરંતુ તેની બેટિંગ ખૂબ જ ધીમી રહી હતી, તેણે ૯૭ બોલ રમીને માત્ર ૬૦ રન કર્યા હતા.


અંતિમ ઓવરોની આક્રમકતા

લોઅર ઓર્ડરમાં આયુષ બડોનીએ ૧૮ બોલમાં ૨૪ રન અને સૂર્યાંશ શેગડેએ ૧૪ બોલમાં ઝડપી ૨૬ રન ફટકારીને ટીમને ૨૭૭ ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.


શ્રીલંકાના ઓપનરોએ મજબૂત પાયો નાખ્યો હતો
૨૭૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા એ ની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. ઓપનર નિરોશન ડિકવેલા (૪૭ રન) અને અવિષ્કા ફર્નાન્ડોએ (૪૫ રન) પ્રથમ વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સદીરા સમરવિક્રમાએ ૪૬ રન અને કેપ્ટન સહાન અરાચ્ચિગેએ સૌથી વધુ ૭૪ રનની ઇનિંગ રમીને શ્રીલંકાને જીતની બિલકુલ નજીક પહોંચાડી દીધું હતું. એક સમયે શ્રીલંકા આ મેચ આસાનીથી જીતી જશે તેવું લાગતું હતું.

અર્શદ ખાને ૪૯મી ઓવરમાં કર્યો ચમત્કાર
મેચની આખરી ઓવરોમાં ભારતીય બોલરો અને ફિલ્ડરોએ અદભુત વાપસી કરી હતી. શ્રીલંકાની ઇનિંગની ૪૯મી ઓવર ફેંકવા આવેલા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદ ખાને તરખાટ મચાવ્યો હતો. અર્શદે આ ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરતા બે મહત્વની વિકેટો ઝડપી લીધી હતી અને છેલ્લી ઓવરમાં શ્રીલંકાએ કુલ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અર્શદ ખાનના આ ઘાતક સ્પેલના કારણે શ્રીલંકાની આખી ટીમ ૫૦ ઓવર પૂરી રમે તે પહેલાં જ ૨૬૯ રન પર ડૂબી ગઈ હતી અને ભારતે ૮ રનથી આ રોમાંચક મેચ જીતી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News