BREAKING NEWS

ઇન્ડિગો પર 1000 કરોડનો દંડ ઝીંકાય તેવી શક્યતા

  • December 10, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છેલ્લા એક સપ્તાહથી હવાઈ સેવાને ગંભીર રીતે ખોરવી નાખીને ઇન્ડિગો એરલાઈને ડીજીસીએના નાકમાં દમ કરી નાખ્યો છે તો બીજી તરફ 8 દિવસમાં 5000થી વધુ

ફ્લાઈટ રદ કરી મુસાફરીની પરેશાનીઓ ઔર વધારી દેનારી ઇન્ડિગો પર હવે આકરા પગલા લેવાય તેવી શક્યતાઓ વધી છે અને મુસાફરોને 750 કરોડનું રીફંડ જારી કરી છૂટી જનારી એરલાઈન પર 1000 કરોડનો દંડ ઝીંકવામાં આવે તેવી સંભાવનાઓએ જોર પકડ્યું છે. ઇન્ડિગોની દાદાદીરી ન અટકતા તેના પર વધુ એક સંકટ પણ તોળાઈ રહ્યું છે અને હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એરલાઇનમાં એન્ટિટ્રસ્ટ તપાસ કરવાનું વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસનો હેતુ એ નક્કી કરવાનો હોઈ શકે છે કે ઇન્ડિગોએ તેના બજાર પ્રભુત્વનો દુરુપયોગ કર્યો છે અને મુસાફરોની સેવાઓમાં વિક્ષેપ પાડ્યો છે કે અન્યાયી શરતો લાદી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં નક્કી કરશે કે તેના અધિકારક્ષેત્રમાં આવતી બાબતોની તપાસ શરૂ કરવી કે નહીં. દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનઆ કટોકટીની વ્યાપક તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે.બીજી તરફ મંગળવારે દિલ્હીમાં ઈન્ડીગોની 76 ઉડાન રદ કરી દેવામાં આવી હતી.તેમજ બેન્ગલુરું અને હૈદરાબાદથી પણ 180 ફ્લાઈટસ રદ થતા મુસાફરોમાં દેકારો યથાવત રહ્યો છે.




ડીજીસીએનું વધુ આક્રમક પગલું

ઈન્ડીગો સામે આકરી કાર્યવાહી કરતા વિમાન મંત્રાલયએ વિન્ટર શેડ્યુલમાં આપવામાં આવતી વૃદ્ધીમાં ધટાડો કર્યો છે અને ઉડાનોમાં 5 ટકાનો ઘટાડો કરવા નિર્દેશ આપ્યો છે તો બીજી તરફ ડીજીસીએની સખ્તી પણ વધી રહી છે.એક ખાસ અહેવાલમાં અધિકારીઓએ નિર્દેશ આપ્યો છે કે ઈન્ડીગો પર 1000 કરોડનો દંડ લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે.


કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સીટની રચના કરશે

એક અહેવાલમાં એવો પણ નિર્દેશ અપાયો છે કે દેશની હવાઈ સેવાને પ્રભાવિત કરનારી આ કટોકટી અંગે તલસ્પર્શી તપાસ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સીટની રચના કરશે,જે આ બનવા પાછલન કારણોની તપાસ કરીને અહેવાલ સોપે પછી એરલાઈન સામે દંડાત્મક પગલાની ભલામણ કરશે.જો કે અધિકારીક સુત્રોએ જણાવ્યું છે કે હજુ સરકાર આ બાબતે વિચાર કરી રહી છે અને જો એમ થશે તો ઈન્ડીગોએ કાનૂની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડી શકે.



સ્થાનિક એરલાઇન બજારમાં ઇન્ડિગોનો 65% હિસ્સો

સ્થાનિક એરલાઇન બજારના આશરે 65% હિસ્સો નિયંત્રિત કરતી ઇન્ડિગોને નવા પાઇલટ છૂટછાટ નિયમોને યોગ્ય રીતે લાગુ કરવામાં અસમર્થતાને કારણે ક્રૂની ભારે અછતનો સામનો કરવો પડ્યો. આના પરિણામે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. એરલાઇનને કુલ 2,422 કેપ્ટનની જરૂર હતી, પરંતુ તેમની પાસે ફક્ત 2,357 હતા.



શો કોઝ નોટિસ ફટકારાઈ

ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને સીઓઓ ઇસિદ્રે પોર્કેરાસને નોટિસ મોકલી, તેમને 24 કલાકની અંદર જવાબ આપવા કહ્યું. જોકે, એરલાઇને જણાવ્યું હતું કે તેનું નેટવર્ક એટલું મોટું અને જટિલ છે કે તાત્કાલિક જવાબ આપવો મુશ્કેલ છે. તેથી, તેણે ડીજીસીએ પાસેથી 15 દિવસનો સમય માંગ્યો, જે સ્થાપિત નિયમોમાં છે.


કલમ 4 હેઠળ પ્રતિબંધો લાગુ થઈ શકે

સ્પર્ધા કાયદાની કલમ 4 કોઈપણ મોટી અથવા પ્રભાવશાળી કંપનીને પોતાના ફાયદા માટે અન્યાયી અથવા ભેદભાવપૂર્ણ નિયમો સ્થાપિત કરવા, કોઈપણ સેવા અથવા ઉત્પાદનના પુરવઠામાં અવરોધ લાવવા અથવા ગ્રાહકો પર અન્યાયી શરતો લાદવાથી પ્રતિબંધિત કરે છે. જો સીસીઆઈ તેની પ્રારંભિક તપાસમાં નક્કી કરે કે કોઈ કંપની આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, તો તે સંપૂર્ણ તપાસનો આદેશ આપી શકે છે.

ઇન્ડિગો અગાઉ પણ એન્ટિટ્રસ્ટ તપાસમાં ફસાયેલી છે. જોકે, સીસીઆઈએ 2015 અને 2016 માં દાખલ કરાયેલા બે કેસોને ફગાવી દીધા જેમાં એક વ્યક્તિગત ફરિયાદ (મુસાફરો પર લાદવામાં આવેલી અન્યાયી શરતો અંગે) અને એર ઇન્ડિયાની ફરિયાદનો સમાવેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application