હાલારમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો: લીવરના કમળાથી એક મોત

  • April 08, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી. હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજ ૧૦૦થી વધુ કેસો નોંધાયા: દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ કેસો વધતા તંત્ર સાબદુ

જામનગર સહિત સમગ્ર હાલારમાં કેટલાક ગામડાઓમાં તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી ગયું છે ત્યારે છેલ્લા ૩-૪ દિવસથી તાવ, ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમ-જેમ ગરમી વધતી જાય છે તેમ હોસ્પિટલમાં ઓપીડીમાં કેસો વધતા જાય છે, દરમ્યાનમાં લીવરના કમળાના રોગના કારણે બેડ ગામમાં રહેતા ૨૯ વર્ષના એક યુવાનનું મૃત્યુ થયું છે, આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે. 

બેડ ગામના યુવાનનું લીવરની બિમારીમાં કમળાની અસરથી મૃત્યુ

જામનગર નજીક બેડ ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા એક યુવાનને લીવરની બિમારી હોય અને કમળાની અસર થવાથી જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરજીભાઈ ધરમશીભાઈ સોનગરા નામના ૨૯ વર્ષના સતવારા યુવાનને લીવરની બીમારીમાં  ઝેરી કમળાની અસર થવાથી ગત ૩૧.૩.૨૦૨૫ના રોજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મુકેશભાઈ હરજીભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યા છે, પોસ્ટમોર્ટમ કરાવી, તેના લોહીના નમુના એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

જામનગરની ખાનગી હોસ્પિટલ તેમજ જી.જી.હોસ્૫િટલના અને મહાપાલીકાના આરોગ્ય કેન્દ્રમાં તાવ, ઝાડા-ઉલ્ટી, પેટમાં દુ:ખાવો અને ઉબકા આવવાના કેસો ખુબ જ વધી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોને તો દાખલ પણ કરવા પડે છે, જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે, ગામડાના દર્દીઓ હોસ્૫િટલમાં આવે છે તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

એસ.ટી. રોડ પર, વાલ્કેશ્ર્વરીનગરીમાં તેમજ અન્ય સ્થળોએ આવેલા દવાખાનામાં ઓપીડીમાં ૨૫ થી ૩૦ ટકા કેસમાં વધારો થયો છે, બપોરે ૧૨ થી ૫ દરમ્યાન આકરા તાપના કારણે લૂ લાગી જવાના બનાવો પણ બને છે, ખાસ કરીને ઝાડા-ઉલ્ટીના કેસો વધી ગયા છે, વાસી ખોરાક અને અસહ્ય તડકાના કારણે લોકો આ પ્રકારના રોગનો ભોગ બને છે. જામનગર શહેરના ૧૨ પીએચસી કેન્દ્રો તેમજ ગામડાઓના સીએચસી કેન્દ્રોમાં પણ ઝાડા-ઉલ્ટીનું પ્રમાણ વઘ્યું છે, જો કે દવાનો પુરવઠો અને ઓઆરએસ પુરતા પ્રમાણમાં હોય ગરીબ લોકોને તકલીફ પડતી નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application