જી.આઈ.ડી.સી. ફેઝ-૩ માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન

  • December 27, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટિંગ માટે રૂ.૫૦ લાખના ખર્ચે નિર્મિત અત્યાધુનિક મેટાલેબની સુવિધા મળી: મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-૩ માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત નવેમ્બર-૨૦૦૮ માં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, સીડબી બેંક, નવાનગર બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓના સહયોગથી રૂ.૪૦ લાખના ખર્ચે મેટાલેબ શરૂ કરવામાં આવી હતી. આ અત્યાધુનિક પ્રોજેકટની વિશેષ નોંધ લઈને તેના વિસ્તરણ માટે રાજય સરકાર દ્વારા રૂ.૧૨૪.૩૬ લાખના પ્રોજેકટ માટે આર્થિક સહયોગ મંજુર કર્યો હતો. તાજેતરમાં, અત્યાધુનિક સાધન સામગ્રી ધરાવતી મેટાલેબનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
જે અન્વયે, જી.આઈ.ડી.સી. ફેસ- ૨, જી.આઈ.ડી.સી. ફેઝ- ૩ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટીંગ માટે દૂર સુધી આવવું ન પડે, તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના માર્ગદર્શન તળે જી.આઈ.ડી.સી. ફેસ-૩ વિસ્તારમાં રૂ.૫૦ લાખના ખર્ચ અત્યાધુનિક મશીનો સાથેની મેટાલેબ શાખાનું કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.
આ મેટલ ટેસ્ટીંગ સેન્ટર શરૂ થવાથી ફેઝ ૨ અને ૩ વિસ્તારના ઉદ્યોગકારો અને શ્રમિકોને તેમના ઘરઆંગણે જ અત્યંત વ્યાજબી દરથી મેટાલેબની અતિ આધુનિક સુવિધાઓનો લાભ ઉપલબ્ધ થશે. જેનાથી બ્રાસ ઉદ્યોગકારોના શ્રમ, સમય, શકિત અને નાણાંનો વ્યય થતો અટકાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગના તાલીમાર્થીઓને રોજગારલક્ષી તાલીમ આપી શકાય તથા બ્રાસઉદ્યોગ માટે નવી રોજગારીનું સર્જન કરી શકાય તે હેતુથી સી.એન.સી. મશીનની ટ્રેઈનિંગ આપવા માટે નાયરા એર્નજી તથા યુ.એન.ડી.પી.ના સહયોગથી સ્થપાયેલા સી.એન.સી. ટ્રેઈનિંગ સેન્ટરનું સાંસદ પુનમબેન માડમના હસ્તે તા.૨૫ ડિસેમ્બરના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં અત્યંત રાહત દરથી સી.એન.સી. મશીન ચલાવવા માટેની કામદારોને ટ્રેઈનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે મેમ્બર ડીરેક્ટરી-૨૦૨૩નું મહાનુભાવોના હસ્તે વિમાયન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપ પ્રમુખશ્રી સુરેશભાઈ હિરપરા, મંત્રી મનસુખભાઈ સાવલા, જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ બિપેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ પાનસરા, મેટાલેબના પ્રેસિડન્ટ જયદીપભાઈ ગોરેચા તેમજ બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application