પત્નીના વિયોગમાં પતિએ હીરની દોરથી ખાધો ફાંસો

  • August 22, 2024 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવાના નૈપ ગામે રહેતી પરણિતાનું છએક દિવસ પૂર્વે કળસારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મૃત્યુ થતા મૃતક પરણિતાના પતિ સહિત પરિવારજનોએ તબીબ સામે આક્ષેપ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. દરમ્યાન એમ પત્નીના ઓપરેશન બાદ અચાનક થયેલા મૃત્યુથી આઘાતમાં સરી પડેલા અને પત્નીને યોગ્ય ન્યાય નહીં મળે તેવા વિચારોમાં વ્યગ્ર બનેલા પતિએ આજે વ્હેલી સવારે પોતાના ઘરે હીરની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાના પગલે મહુવા ગ્રામ્ય પોલીસે દોડી જઈ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહુવા તાલુકાના નૈપ ગામે રહેતી કાજલબેન નિતેશભાઈ બારૈયા નામની પરણિતાને છએક દિવસ પૂર્વે કળસારની ખાનગી હોસ્પિટલમાં નિદાન માટે લઈ જવાતા તબીબ દ્વારા કાજલબેનને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યુ હતું. અને ઓપરેશન બાદ કાજલબેનનું બેશુદ્ધ હાલતે જ મૃત્યુ નીપજ્યું હતું. કાજલબેનના મૃત્યુના પગલે તેણીના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા હોસ્પિટલના તબીબોની બેદરકારીથી કાજલબેનનું મૃત્યુ થયાનો આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હરિ. દરમ્યાનમાં કાજલબેનના મૃત્યુથી આઘાતમાં સરી પડેલા નિતેશભાઈ વ્યગ્રતા અનુભવતા હતા સાથે તબીબોએ દાખવેલી બેદરકારીથી મૃત્યુ થયાના આક્ષેપ સાથે તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હોય તે અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા પત્ની કાજલબેનને યોગ્ય ન્યાય નહીં મળે તે વાતને લઈ ચિંતિત બનેલા નિતેશભાઈ જેશીંગભાઈ બારૈયા (ઉ. વ. ૨૭)એ આજે વ્હેલી સવારે પોતાના ઘરે હીરની દોરીથી ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસે દોડી જઈ નિતેશભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસના હે. કો. વી. પી. ગોહિલે ગણપતભાઈ વિરશીંગભાઈ બારૈયા (ઉ. વ. ૨૫, રે. નૈપ, તા. મહુવા)એ આપેલા નિવેદનના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. પત્નીના મૃત્યુ બાદ તેના વિયોગમાં અને યોગ્ય ન્યાય નહીં મળે તેવી ચિંતાથી પતિએ અંતિમ પગલું ભરી લેતા નૈપ ગામમાં શોક સાથે અરેરાટી છવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application