ખંભાળિયા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં રૂ. 2.57 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરાયું

  • March 31, 2021 09:03 PM 

મુખ્ય ત્રણ એજન્ડા સાથેની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના કરાઈ

ખંભાળિયા નગરપાલિકાના નવા વારાયેલા હોદેદારોની પ્રથમ ખાસ સામાન્ય સભા ગઈકાલે મંગળવારે સાંજે ચાર વાગ્યે અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી.

નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને પાલિકાના ચીફ ઓફિસર અતુલકુમાર સિંહાની ઉપસ્થતિમાં યોજવામાં આવેલી આ ખાસ સામાન્ય સભામાં 28 પૈકી 26 સભ્યો હાજર રહ્યા હતા. બસપાના ઝાહિરાબેન નુરમામદ પરીયાણી તથા ભાજપના મહંમદ હનીફ અબુ ભોકલ નામના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ત્રણ એજન્ડા સાથેની આ પ્રથમ ખાસ સામાન્ય સભામાં મુખ્ય એજન્ડા તરીકે આગામી વર્ષ 2021-22 ના બજેટને આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટન્ટ રમેશભાઈ થાનકી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બજેટમાં જાહેર બાંધકામ માટે રૂ. 41.74 કરોડ, વોટર વર્કસ માટે 3.24 કરોડ, પબ્લિક હેલ્થ એન્ડ સેનિટેશન માટે રૂ. એક કરોડ, જાહેર આરોગ્ય માટે 21 લાખ, જનરલ એડમિનિસ્ટ્રેશન માટે રૂ. 2.74 કરોડ, ઉત્સવ અને સમારંભ માટે રૂ. પાંચ લાખ તથા અન્ય મળી કુલ 64.13 કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 20-21 ની ઉઘડતી સિલક રૂ. 25.79 કરોડ તથા આગામી વર્ષ 2021-22 ની અંદાજિત ઉપજ 40.91 કરોડ મળી કુલ 66.70 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષનાં અંતે અંદાજે રૂપિયા 2,57,68,939 નું પુરાંતલક્ષી બજેટ આ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષમાં હાઉસ ટેક્સ, સફાઈવેરો, વોટર ટેક્સ, જમીન-મકાન ટેક્સ, સહિતના કરવેરા ઉપરાંત કારખાના ટેક્સ અને કેબલ ટી.વી. ટેકસનો આવકમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરને મળતી સંસદ સભ્યની ગ્રાન્ટ, શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ, સહિતની જુદી-જુદી ગ્રાન્ટ મારફતે શહેરમાં વિકાસકાર્યો કરવામાં આવશે. જેનો સમાવેશ આ બજેટમાં ઉપજ ખાતે કરવામાં આવ્યો છે.

કારોબારી કમિટિની રચના કરવામાં આવી

આ ખાસ સામાન્ય સભાના એજન્ડામાં લેવામાં આવેલા નગરપાલિકામાં આગામી ટર્મ માટે કારોબારી કમિટીની રચનાના મુદ્દામાં આ બેઠકમાં કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે હિનાબેન આચાર્ય, સાથે કારોબારીના સભ્ય તરીકે મહેશભાઈ રાડીયા, વિષ્ણુભાઈ પતાણી, સોનલબેન વાનરીયા, અરજણભાઈ ગાગિયા, રચનાબેન મોટાણી,  રસીલાબેન માવદીયા, હિતેશભાઈ ગોકાણી અને મુક્તાબેન નકુમ નામના અન્ય સભ્યો પણ કારોબારી સમિતિમાં નિમવામાં આવ્યા છે.

આ ઉપરાંત અન્ય એક એજન્ડા મુજબ પાલિકા કર્મચારી સલીમભાઈ કુંગડાની સ્વૈચ્છિક મંજૂરીને પણ આ મિટિંગમાં બહાલ રાખવામાં આવી હતી. મિટિંગની આ કાર્યવાહી કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભામાંં અહીંના પૂર્વ ધારાસભ્ય અને સતવારા જ્ઞાતિના આગેવાન મેઘજીભાઈ કણજારીયાના દુઃખદ નિધન બદલ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS