જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. વાગડિયા ગામના ખેડૂત કિશોરભાઈ નારીયાએ આજે પોતાનો મગફળીનો પાક ટેકાના ભાવે વેચ્યો અને સરકારની આ પહેલ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમે અહીં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવ્યા છીએ. સરકાર અમને મણ દીઠ રૂ. ૧૪૫૨નો પોષણક્ષમ ભાવ ચૂકવી રહી છે. ખુલ્લી બજારમાં મગફળીના ભાવ રૂપિયા હજાર પણ નથી મળતા, ત્યારે સરકાર અમને આટલો સારો ભાવ આપીને ખેડૂતોને આર્થિક ટેકો આપી રહી છે. આ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.સાથે જ તેમણે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓની પણ સરાહના કરી જણાવ્યું કે કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ખરીદી કેન્દ્રમાં ખૂબ જ સુચારુ અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને તેમના પાકના વેચાણમાં કોઈ પણ પ્રકારની અગવડ પડતી નથી. સમગ્ર પ્રક્રિયા સરળ અને પારદર્શક હોવાથી ખેડૂતો સમયસર પોતાનો માલ વેચી શકે છે. અંતમાં, નારીયાએ પોષણક્ષમ ભાવો અને ઉત્તમ વ્યવસ્થાઓ દ્વારા ખેડૂતોને રાહત આપવા બદલ સરકાર અને સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા જામનગર એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું કે, ખેડૂતો માટે કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખૂબ જ ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય કરી રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયુ તે ખૂબ જ સરાહનીય છે. તેમ જણાવી ખેડૂતોને આ રાહત પેકેજ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ધરતીપુત્રોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા રૂ.૧૦ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.
યાર્ડના ડાયરેક્ટર સંજયભાઈ ભંડેરી તથા વિરેશભાઈ મહેતાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેવા કપરા સમયમાં રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદના સાથે ખેડૂતોની પડખે ઊભા રહીને આટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે, જે એક અત્યંત સમયબદ્ધ અને ઐતિહાસિક નિર્ણય છે.