ભાટીયામાં કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં ધો. 9 થી 12 બંધ કરાતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

  • July 09, 2021 10:45 AM 

આવેદનપત્ર આપતી વખતે વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ અધિક કલેક્ટર સામે ધુસ્કે ધુસ્કે રોઈ પડી: ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપવાની ચીમકી

         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. કે.જી.બી.વી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા વર્ગની દીકરીઓ જે ભણતર છોડી દે છે તેમને રહેવા જમવાની મફત સગવડ આપી બાળકીઓમાં શિક્ષણ સ્તર ઊંચું આવે તેવા આશયથી તત્કાલીન કેન્દ્ર સરકારે આ યોજના અમલમાં મૂકી હતી. જેમાં અભ્યાસ અધુરો મુકેલી બાળકીને પહેલા, સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીને અને બી.પી એલ. કાર્ડ ધારક વાળીના બાળકીને જ પ્રવેશ પાત્રતા હોય છે.

       ભાટિયા સ્થિત કે.જી.બી.વી. શિક્ષણ, સંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમત બધી જ બાબતોમાં રાજ્યમાં ચોથો ક્રમ ધરાવતી શાળા છે. જિલ્લા, રાજ્ય કક્ષાએથી જ્યારે જ્યારે ઈન્સ્પેકસન આવ્યું ત્યારે ત્યારે ગ્રેટ રિમાર્ક આપીને ગયું. તેવી શાળા ભાટિયા કે.જી.બી.વી.માં જિલ્લા જેન્ડરના રાગ - દ્વેસના કારણે કન્યાઓનો ભોગ લેવાયો હોવાની વાતો વચ્ચે વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીનીઓના કહેવા મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા તંત્ર એમ કહે છે કે કોરોનાના કારણે અને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે શાળામાં ધોરણ 9, 10, 11, 12 બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . ત્યારે સવાલ એ છે કે કન્યા કેળવણીની  વાતો સરકાર અને સ્થાનિક નેતાઓ આ મુદ્દે કેમ ચૂપ બેસી ગયા છે.?

  વાલીઓએ અહીંના આગેવાનો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, સચિવ- સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રીને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા નાછૂટકે ગઈકાલે ગુરુવારે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ એકત્રિત થઈ આક્રોશ સાથે ખંભાળિયામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

     આવેદનપત્ર આપતા રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી. બી.પી.એલ. કાર્ડ ધારક ગરીબ કે  સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીઓ માટે સરકારની સારી યોજના હોવા છતાં આ યોજના મુજબ સંખ્યામાં ઘટાડો કરવાનો નહિ પણ જરૂર પડે ત્યારે 300 સુધી સંખ્યામાં વધારો કરવાની યોજના હોવા છતાં 120 વિદ્યાર્થીનીઓના ભવિષ્યને અંધકારમાં શા માટે ધકેલવામાં આવી રહ્યા છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. વાલીઓએ અને વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે જો આવતા સોમવાર સુધીમાં કોઈ જ હકારાત્મક નિર્ણય નહિ આવે તો અમો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV સામે અનિશ્ચિત મુદતના પ્રતીક ઉપવાસ પર બેસી જઈશું. અમારો અભ્યાસ ખરાબ થશે, અમારું ભવિષ્ય ખરાબ થશે તેના માટે સંપૂર્ણપણે જવાબદાર આ તંત્ર જ હશે તેમ પણ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS