જામનગર જિલ્લામાં જુલાઇ મહીનામાં સરકારી હોસ્પિટલમાં ૯૯૫૧ દર્દીઓ તાવ, શરદી, ઉધરસના નોંધાયા

  • August 10, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુન મહીનામાં ૭૪૮૯ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી: ખાનગી દવાખાનામાં પણ દર્દીઓનો ઘસારો: નવા પાણીને કારણે જામનગર શહેરમાં બે દિ’માં તાવ, શરદી, ઉધરસના ૩૫૦ કેસ નોંધાયા

જામનગર શહેર-જિલ્લામાં જુન મહીના કરતા જુલાઇ મહીનામાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં લગભગ અઢી હજાર જેટલા દર્દીઓનો વધારો થયો છે, છેલ્લા બે દિવસમાં નવા પાણીને કારણે ૩૫૦ જેટલા કેસ જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આવ્યા છે, રોગચાળો વધતો જાય છે, ગળુ બેેસી જવું, તાવ, વાયરલ ઇન્ફેકશન અને શરદીના કેસો વધી રહ્યા છે તે તંત્ર માટે અકડાવનારી વાત છે, ત્યારે મંદવાડની બેવડી ઋતુ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે છતાં પણ જામપાનું આરોગ્ય ખાતાના અધિકારીઓ હાથ દઇને બેસી રહ્યા છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ઓપીડીમાં ૩૬ ટકા દર્દીઓ વધી ગયા છે.
જામનગર મહાપાલિકા દ્વારા કેટલાક વિસ્તારમાં ધન્વંતરી રથ શરુ કરવામાં આવ્યા છે, જામનગર શહેરની વાત લઇએ તો જુન મહીનામાં ૭૪૮૯ દર્દીઓ હતાં અને જુલાઇ મહીનામાં ૯૯૯૧ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઇ ચૂકયા છે, એટલે કે ૩૩.૪૧ ટકાનો વધારો થયો છે, જામનગર શહેરમાં ત્રણ-ચાર દિવસથી વાયરલ ઇન્ફેકશન રહ્યા કરે છે, દર્દીઓને નબળાઇ એટલી બધી વધી જાય છે કે તે પાંચ દિવસ સુધી ઉભો થઇ શકતો નથી, તાવ એક થી બે હોય છે પરંતુ શરદી, ઉધરસ, ગળુ બેસી જવું અને કોઇક કિસ્સામાં પેટના દુ:ખાવાના દર્દ પણ વધી રહ્યા છે, સરકારે જાહેર કર્યુ છે કે, જુન મહીનામાં રાજયમાં ૮૯૫૧૭ કેસ તાવ, શરદી, ઉધરસના ઓપીડીમાં નોંધાયા છે જયારે જુલાઇ મહીનામાં ૧૧૬૭૯૩ કેસ નોંધાઇ ચૂકયા છે.
એક તરફ ક્ધઝકટીવાઇટીસના કેસ નોંધાયા છે, તેમાં હવે ઘટાડો થયો છે, તો બીજી તરફ જુલાઇ મહીનામાં ચામડીના રોગ પણ વધી રહ્યા છે, છેલ્લા બે દિવસથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં લગભગ ૩૫૦ જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના નિકળ્યા છે જયારે ખાનગી હોસ્પિટલમાં લગભગ ૩૦૦ જેટલા દર્દીઓ સારવારમાં રહ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં જુન મહીનામાં સરકારી હોસ્પિટલની ઓપીડીમાં ૨૯૫૩ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી જયારે જુલાઇ મહીનામાં ૪૦૨૬ દર્દીઓએ સારવાર લીધી છે. ઓગષ્ટ મહીનામાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં એવો કોઇ ઘટાડો થયો નથી.
ડોકટરોના જણાવ્યા મુજબ નવા પાણીની આવક થતાં લોકો બિમાર પડયા છે  એટલું જ નહીં ઉનાળામાં ઠંડાપીણા, અખાદ્ય અને ખુલ્લો ખોરાક ખાવાના કારણે બિમારી વધી છે, વાયરલ ઇન્ફેકશનના કેસો પણ સારા એવા વઘ્યા છે, ત્યારે શરદી, ઉધરસના કેસો ખુબ વધી રહ્યા છે તે ચિંતાજનક છે.
જામનગર શહેર અને જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે, નવા પાણી આવ્યા બાદ બે-ત્રણ દિવસથી કોર્પોરેશનના પાણીમાં પણ દવાનો છંટકાવ કર્યો હોવાનું જાણવા મળે છે, પાંચ-પાંચ દિવસ સુધી તાવ આવ્યા પછી લોકોને ખુબ જ નબળાઇ રહે છે, આંખના રોગ ઘટયા બાદ હજુ શરદી, ઉધરસ અને પેટના દુ:ખાવાના રોગ ઘટયા નથી, ત્યારે મેડીકલ સ્ટોરોમાં પણ આ રોગની દવાઓનું ધોમ વેંચાણ થઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application