ગુલાબનગરમાં થુંકવા જેવી સામાન્ય બાબતે કરપીણ હત્યા

  • August 04, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયેલો : દંપતિ પર છરી, પાઇપથી હુમલો : યુવાને સારવારમાં દમ તોડયો

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકીના સામેના ભાગમાં રહેતા એક મુસ્લિમ દંપતિ પર તેનાજ પાડોશીઓએ થુંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી જૂનું મનદુ:ખ રાખીને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં પતિનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશરબેન ઉપર ગઈ રાતે થુંકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઇર્શાદ મોહમદભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
 જેમાં યુસુફભાઇને ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે, અને બનાવ હત્યા માં પલટાયો છે. જયારે કૌસરબેનને પણ પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે છરી અને લોખંડના પાઇપની ઈજા થઈ હોવાથી તેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 આશરે નવેક મહિના પહેલા મરણજનાર યુસુફભાઇ પોતાના મકાનના ઉપરના માળેથી નીચે થુંકતા નજીકમાં રહેતા આરોપીના મકાનની ડેલી પાસે  થુંકની પિચકારી ઉડીને જતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાબતે અગાઉ ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું, ત્યારબાદ ગઇકાલે યુસુફભાઇના થુંકની પિંચકારી આરોપીના ઘરની ડેલી પાસે જતા આ બાબતનો ખાર રાખીને ઇર્શાદ અને બોદુએ અપશબ્દો બોલી યુસુફભાઇ સાથે ઝપાઝપી કરી આજે તને પતાવી દેવો છે તેમ કહી છરી, પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી
 જે બનાવ અંગે ગુલાબનગર ખાતે રહેતા ગેરેજના ધંધાર્થી ગુલામ હુસેન હારુનભાઈ સાંઘાણીની ફરિયાદ ના આધારે કલમ ૩૦૨,૩૨૬,૫૦૪,૧૧૪ તેમજ જી. પી. એકટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં બંને આરોપી ભાઈઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. આ અંગેની તપાસ સીટી-બી પીઆઇ એચ.પી. ઝાલા ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application