દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શૈક્ષણિક ક્ષેત્રોમાં સંકુલોમાં ફાયર સહિતના મુદ્દે જરૂરી પગલાંઓ લેવાયા

  • June 11, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવહનના સાધનો અંગે પણ સાવચેતીના પગલા લેવા શિક્ષણાધિકારી દ્વારા તાકીદ



સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી ગુરૂવારથી તમામ સ્કૂલોમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં ફાયર સેફ્ટી તેમજ જર્જરીત ઇમારત ઉપરાંત શાળા પરિવહનના વાહનો સહિતના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 13 જૂનથી નવા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટી અંગેના તમામ સાધનો સુચારૂ રૂપે કાર્યરત હોવા અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ અવસ્થામાં હોવા અંગેની ચકાસણી કરાઈ હતી. આ સાથે આગામી સમયમાં પણ કોઈ પણ શાળામાં આગની પરિસ્થિતિમાં ફાયર સેફ્ટીના સાધનો સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા જણાવાયું છે.


આ ઉપરાંત જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાની જર્જરીત ઇમારતો અંગે પણ જરૂરી સૂચનાઓ આપી અને જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ શાળાઓના સંચાલકો, ટી.પી.ઓ. તથા બી.આર.સી.ને સૂચનાઓ આપવામાં આવી છે.


શાળામાં વિદ્યાર્થીઓના આવા-ગમન માટે પરિવહનના દરેક વાહનો અંગે તકેદારી તેમજ તમામ જરૂરી સાવચેતી કેળવવા પણ લાગતાવળગતાઓને તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.


જિલ્લામાં સંભવતઃ આગામી સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે. ત્યારે શાળાઓમાં પ્રી-મોન્સુન કામગીરી અંગે તમામ શાળાઓને પરિપત્ર પાઠવી અને જરૂરી પગલાઓ લેવા પણ સૂચના આપવામાં આવી હોવાનું શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું છે.

આગામી સત્રમાં સમગ્ર જિલ્લામાં શિક્ષણને લગતા કોઈ પ્રશ્ન ન સર્જાય તેમજ ફાયર, વાહન પરિવહન અને ચોમાસાને લગતી કામગીરી વિગેરે બાબતે સી.આર.સી., બી.આર.સી. અને કેળવણી નિરીક્ષક સાથે ચેકિંગ અંગેની કામગીરીની જવાબદારી સ્થાનિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે. જેમાં કોઈ ક્ષતિ જણાશે તો જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application