દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી રુપાલાએ જિલ્લાના આશ્રયસ્થાનોની મુલાકાત લીધી

  • June 14, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દવા, ભોજન સહિતની સુવિધાની ચકાસણી કરી

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મંગળવારે દેવભૂમિ દ્વારકા આવ્યા છે. અહીં તેમણે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેઓએ વરવાળામાં સ્થળાંતરિત લોકોના આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી અને  ખબરઅંતર પૂછ્યા હતા.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં વિવિધ હેતુલક્ષી વાવાઝોડા આશ્રયસ્થાન તૈયાર કરાયું છે. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પગલે અહીં આશરે ૩૮૦થી વધુ લોકોને આશ્રય અપાયો છે. નાના બાળકો માટે અહીં ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ અહીં માતા, બહેનો, વડીલોને મળીને તેમને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. અહીં દવાઓના પૂરતા જથ્થા સાથે આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક માટે રાખવામાં આવ્યા છે. ઉપરાંત ભોજન માટે રસોડું શરૂ કરાયું છે. લોકોની મદદ માટે અહીં ગ્રામ પંચાયતનો સ્ટાફ, શિક્ષકો વિગેરે પણ છે. સાથે સાથે તેમણે રૂપેણ બંદર પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલા આશ્રય સ્થાનની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. અહીં એન. ડી.આર.એફ.ના જવાનો પણ હાજર છે. અહીં ખડેપગે ફરજ બજાવતા સ્ટાફની પણ તેમણે સરાહના કરીને બિરદાવ્યા હતા. તેમની સાથે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ, તલસાણીયા, તાલુકા વિકાસ અધિકારી કે.ડી. સેરઠિયા વિગેરે રહ્યા હતા.
દરિયાકાંઠા વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અહીંના વિસ્તારોની મુલાકાત લઈને બચાવ માટે લેવાયેલ પગલા અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. દ્વારકા પાસેબા વરવાળા ગામે કાચા મકાનો તેમજ ઝૂપડામાં રહેતા લોકોને નજીકના પાક્કા બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરાયા છે. આ દરમિયાન એક મહિલા અને બે બાળકો ઝૂપડામાંથી મળી આવ્યા હતા, જેઓ પોતાનું ઘર છોડવા માટે રાજી નહોતા. મંત્રી રૂપાલાએ આ મહિલાને વાવાઝોડાના સંભવિત ખતરાની સમજ આપી હતી અને નજીકમાં જ આવેલા પાકા બાંધકામવાળા આશ્રયસ્થાનમાં જતા રહેવા સમજાવ્યા હતા.  આ સાથે સંબંધિત અધિકારીઓને પણ આ મહિલાના સ્થળાંતર માટે મદદ કરવા સૂચના આપી હતી.
**
નાગરિકોની ફરિયાદના તાત્કાલિક નિવારણ માટે ૦૨૮૩૩ ૨૯૬૩૩૦ નંબર કાર્યરત
સંભવિત વાવાઝોડા અંગે કરાયેલી આગાહીને ધ્યાનમાં રાખીને  આગામી સમયમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે વાવાઝોડા અને ભારે વરસાદના સંજોગોમાં નાગરિકોની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૦૨૮૩૩-૨૯૬૩૩૦ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
**
વાવાઝોડા દરમિયાન જરૂરી આરોગ્ય સેવાઓની માટે સઘન આયોજન
વાવાઝોડા સંદર્ભે સંભવિત નુકસાની નિવારી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાઓ તેમજ વાવાઝોડા દરમિયાન ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે પાણી, વીજળી અને આરોગ્ય સહિતની આવશ્યક સેવાઓ ખોરવાય નહિ તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાનાં સમય દરમિયાન આરોગ્ય સેવાઓની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાની ઈમરજન્સી મેડિકલ સેવા માટે પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
૧૦૮ના પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદની સ્થિતિમાં જાનહાની ન થાય એ માટે આરોગ્ય વિભાગ તૈયાર છે.  એમ્બ્યુલન્સની સાથે ૨૨ લોકોનો સ્ટાફ પણ ફરજ પર તૈનાત છે. જે ૨૪ કલાક ખડેપગે લોકોની સેવામાં રહેશે. આ એમ્બ્યુલન્સ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતે મૂકવામાં આવશે. જેથી આવનારા આગામી દિવસમાં ઉભી થનારી કોઈ પણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી શકાય.
આ એમ્બ્યુલન્સમાં એક્સીડ્રેશન કીટ પણ આવેલી છે. જેમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે જરૂરી સામગ્રી જેવી કે કરવત, બોલ્ટ કટર, રસ્સો એમ રેસ્ક્યું કરવા માટેની તમામ સામગ્રી પણ રાખવામાં આવી છે. જેથી વાહન કે કાટમાળમાં ફસાયેલ વ્યક્તિને સરળતાથી બહાર કાઢી શકાય. અત્યારે જિલ્લામાં કુલ ૧૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે ૮૦ કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.
**
ખંભાળિયા તાલુકાના આશ્રયસ્થાનોમાં વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ
વાવાઝોડાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લધુત્તમ નુકસાન રહે તે પ્રકારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટરના નેતૃત્ત્વ હેઠળ અગમચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે જોખમકારક બને તેવા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
આ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, મામલતદાર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખંભાળિયાના શેલ્ટર હોમની મુલાકાત લેવામાં આવી હતી અને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કરાયેલા લોકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ લોકોને સતર્ક રહેવા અને અફવાઓ પર ધ્યાન નહિ આપવા અંગે સમજૂત કરવામાં આવ્યા હતા તેમજ જરૂર પડ્યે ક્ધટ્રોલ રૂમનો સંપર્ક કરવા અંગે પણ માહિતગાર કરાયા હતા.
**
ખંભાળિયાના શેલ્ટર હોમની મુલાકાત કરતા કેન્દ્રીયમંત્રી રુપાલા અને સાંસદ પૂનમબેન માડમ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત રહી પૂર્વ તૈયારીઓ, બચાવના પગલાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની મુલાકાત લઈને  તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે ખંભાળિયા ખાતેના શેલ્ટર હોમની પણ મુલાકાત લીધી હતી. અહીં સ્થળાંતરિત કરાયેલા લોકો માટે કરવામાં આવેલી સુવિધાનું નિરિક્ષણ કરતા જરૂરી સુચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ તેમની સાથે રહી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થળાંતરીત કરાયેલા લોકોના ખબર - અંતર પૂછ્યા હતા અને કુદરતી આપદાના સમયમાં ખોટી અફવાઓમાં નહિ આવવા, સતર્ક રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application