ભાણવડમાં હત્યા પ્રકરણનો પેરોલ જમ્પ કરી અને નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • May 25, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ પણ બે વખત નાસી છૂટેલા આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધો

ભાણવડ તાલુકાના રહીશ એવા એક શખ્સ કે અગાઉ ભાણવડ પંથકમાં થયેલી એક હત્યાના ગુનામાં કસૂરવાન સાબિત થયેલ, અને આજીવન કારાવાસની સજા ભોગવતો આ આરોપી પેરોલ જમ્પ કરીને ત્રીજી વખત નાસી જતા એલસીબી પોલીસે ઉપરોક્ત શખ્સને દબોચી લીધો હતો.

આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા જેતસી ઉર્ફે સાકો લખમણભાઇ ધરણાતભાઈ કનારા નામના એક શખ્સ સામે વર્ષ 1996 માં હત્યા સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. ઉપરોક્ત આરોપીને જામનગરની સેશન્સ અદાલત દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

ઉપરોક્ત આરોપીએ ગત તારીખ 27-7-2020 થી તારીખ 18-8-2020 સુધી ત્રણ અઠવાડિયાની 21 દિવસની પેરોલ રજા મેળવી અને જેલમાંથી મુક્ત થયો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સ નિયત દિવસે જામનગર જિલ્લા જેલ ખાતે રજા પુરી થયા પછી પણ હાજર થયો ન હતો અને સતત ત્રીજી વખત પેરોલ જમ્પ કરીને નાસી છુટ્યો હતો.

આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ તથા પરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. કેસુરભાઈ ભાટીયા અને હેડ કોસ્ટેબલ જીતુભાઈ હુણ દ્વારા ઉપરોક્ત આરોપીની ભાળ મેળવવા લાંબા સમયથી વોચ ગોઠવવામાં આવી હતી.

છેલ્લે આશરે નવેક માસથી ફરાર ઉપરોક્ત શખ્સ રાજકોટના ધોરાજી થી શિવા ગામે આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા છુપા વેશે વોચ ગોઠવી શિવા ગામના પાટીયાથી ગામ તરફ જતા જેતસી ઉર્ફે સાકો લખમણભાઇ કનારા (ઉ.વ. 45, રહે. હાલ નવાગામ- રાજકોટ) ને દબોચી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પાકા કામનો આરોપી અગાઉ પણ વર્ષ 2004-2005 બાદ બીજી વખત 2014માં મળી બે વખત પેરોલ જમ્પ કરીને નાસી છુટ્યો હતો. જેને જે-તે સમયે પોલીસે દબોચી લઈ જેલ ભેગો કર્યો હતો.

ઉપરોક્ત આરોપીનો કબજો હાલ ભાણવડ પોલીસને સોંપી અને કોરોના ટેસ્ટ બાદ જામનગર જિલ્લા જેલ હવાલે મોકલવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફના કેસુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઇ ચાવડા અને જીતુભાઈ હુણ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS