મહાપાલિકામાં આધાર કેન્દ્રનું ગેરકાયદે બાંધકામ

  • July 13, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિસિપલ બાબુઓ કે દલા તરવાડી ? રીંગણા લઉં બે-ચાર...અરે ! ભાઇ લ્યોને દસ બાર

જીડીસીઆરના પાર્કિંગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી ખુદ મ્યુનિ.બાંધકામ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામ: ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ બાંધકામ પ્લાન ઇનવર્ડ કરાવવો પડે, તે પણ કરાયો નથી: શું હવે બાંધકામ થઇ ગયા બાદ ઇમ્પેક્ટ ફીની સ્કિમ હેઠળ પ્લાન મુકશે !?




રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ઢેબરભાઇ રોડ ઉપર આવેલી મહાપાલિકાની મુખ્ય કચેરીના સંકુલની પાર્કિંગ પ્લેસમાં આધાર કાર્ડ કેન્દ્રનું ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ ખુદ બાંધકામ શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમામ મ્યુનિ.અધિકારીઓ અને પદાધિકારીઓની નજર સામે જ નિયમભંગ કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે છતાં આ મામલે કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું દૂર નોટિસ પણ આપવામાં આવી નથી.





૫૦ વર્ષ જૂનું છતાં મજબૂત એવા મહાપાલિકા કચેરીના જૂના બિલ્ડીંગનું ડિમોલિશન કરી ૨૦૧૨માં નવું અને કુદરતી હવા ઉજાસ વિહોણું બંધિયાર બિલ્ડીંગ નિર્માણ કરાયું છે. આ બિલ્ડીંગ સંકુલમાં હાલમાં પણ પાર્કિંગ પ્લેસ જરૂરિયાતની તુલનાએ ઓછી પડી રહી છે. દરરોજ ૨૦૦૦થી વધુ મુલાકાતીઓની અવરજવર ધરાવતી મહાપાલિકાની મુખ્ય કચેરીમાં મુલાકાતીઓને વાહન પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. પાર્કિંગ પ્લેસની આવી સ્થિતિ વચ્ચે આ કચેરીના પાર્કિંગ સંકુલમાં આધારકાર્ડ કેન્દ્રનું ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સો મણનો સવાલ એ છે કે જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ અને ટાઉન પ્લાનિંગ એક્ટ અહીંયા લાગુ ન પડે ? સામાન્ય શહેરીજનોએ પોતાની દુકાન કે મકાન બહાર ઓટલો કે છાપરૂ બનાવ્યું હોય તો તેને પાર્કિંગ રૂલ્સનું વાયોલેશન ગણાવી નોટિસો ફટકારી ઝુંબેશ સ્વરૂપે ડિમોલિશન કરતી મહાપાલિકા હવે પોતાની જ કચેરીમાં થતા ગેરકાયદે બાંધકામ મામલે કોની સામે અને શું પગલાં લેશે ? તે જાણવા નાગરિકો આતુર છે. શહેરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અનેક દબાણકર્તાઓ જે રીતે હાલમાં અમલી ઇમ્પેક્ટ ફીની સ્કિમનો ગેરલાભ લઇ રહ્યા છે તે રીતે ખુદ મહાપાલિકા તંત્ર પણ ગેરકાયદે બાંધકામ પૂર્ણ થાય પછી ઇમ્પેક્ટ ફીની સ્કિમ હેઠળ પોતાનું આ ગેરકાયદે બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવવા પ્લાન ઇનવર્ડ કરશે !? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.





અલબત્ત ઉપરોક્ત બાંધકામના કિસ્સામાં તો પાર્કિંગના નિયમોનો ભંગ નહીં પરંતુ પાર્કિંગ પ્લેસ સંપૂર્ણ કવર કરી તેમાં જ બાંધકામ કરાયું છે. હાલ ઇમ્પેક્ટ ફીની સ્કિમમાં પાર્કિંગના નિયમભંગના કારણે જે રીતે અરજદારોના પ્લાન રિજેક્ટ થઈ રહ્યા છે તે રીતે મહાપાલિકા પ્લાન મૂકે તો પણ રિજેક્ટ જ થાય તે નિશ્ચિત છે.



બાંધકામ પ્લાન મુકવાની શું જરૂર હોય ? ડેપ્યુટી ઇજનેર

વોર્ડ નં.૭ના બાંધકામ શાખાના ડેપ્યુટી ઇજનેર પટેલીયાએ જણાવ્યું હતું કે અમે હયાત બાંધકામમાં ફેરફાર કરી રહ્યા છીએ કોઇ નવું બિલ્ડીંગ બનાવતા નથી આથી મંજૂરી લેવાની કોઇ જરૂરિયાત જણાતી નથી. અગાઉ કરેલા બાંધકામમાં ફેરફાર કરતા હોય તો તેમાં બાંધકામ પ્લાન મુકવાની શું જરૂર હોય ?


બાંધકામ પ્લાન મુકવો પડે, પણ મુકાયો નથી: ટીપીઓ

જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આધાર કાર્ડ કેન્દ્રના નિર્માણ અંગેનો બાંધકામ પ્લાન ઇનવર્ડ કરાયો નથી કે મંજૂરી લેવાઇ નથી.અલબત્ત નિયમ મુજબ મુકવો પડે તેમ ઉમેર્યું હતું. હયાત બાંધકામમાં ફેરફાર કે નવીનીકરણ થતું હોય તો રિનોવેશન પ્લાન મુકવાનો રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application