સિવિલમાં ગેરકાયદેસર કીડી જેવડો ઓટલો તોડ્યો, હાથી જેવડા અન્નક્ષેત્ર અડીખમ

  • April 24, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જેનું પાનું ચાલે એનું એનું રાજ જેવી સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો.દેશમુખ બાદ આજસુધીના સુપ્રિટેન્ડેન્ટમાં પોપા બાયના રાજ જેવું પોલાણ જાણી જતા હોસ્પિટલ કેમ્પસની હજારો ફૂટ સરકારી જગ્યામાં અન્નક્ષેત્ર ઉભા કરી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી હોસ્પિટલ તંત્ર દ્વારા જાણે ખાલી કરાવવા માટે હરફ સુધ્ધા પણ કરવામાં આવી નથી જેના કારણે દિવસેને દિવસે અન્નક્ષેત્રનું ક્ષેત્રફળ પણ કેમ્પસમાં વધતું રહયું છે. એક બાજુ સરકારી જમીનો પરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને કરોડો રૂપિયાની જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટ સિવિલ કેમ્પસમાં અન્નક્ષેત્રના નામે છેલ્લા કેટલાક વર્ષથી દબાણ થયેલી જગ્યા બાબતે ન હતો સિવિલ તંત્ર અને ન હતો કલેકટર તંત્ર દ્વારા આજસુધી કાર્યવાહી કરવામાં આવી નથી. આ પાછળ સિવિલ તંત્ર ભયભીત હોય અથવા તો કોઈના દબાણથી આ દબાણ દૂર કરવામાં આવતું ન હોવાનું સ્પષ્ટ પણે સાબિત થઇ રહ્યું છે.


અહીંથી પણ અટકવાને બદલે અન્નક્ષેત્રના સંચાલકોએ સરકારી જગ્યા પર દાદાગીરી પૂર્વક રાતોરાત ડોમ ઉભા કરી પાકા બાંધકામ ખડકી દીધાની સાથે હોસ્પિટલની જ વીજળીનો લંગરીયા નાખી મફત વપરાશ કરવામાં આવતો હતો એકંદરે જોઈએ તો સરકારી માલીકીમાંથી ગેરકાયદેસર વીજચોરી જ કરવામાં આવતી હતી. જે બે દિવસ પૂર્વે એક્સ-રે વિભાગની વીજ સપ્લાયની પેટીમાં આગનું છમકલું થતા દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ કેમ થયું તે બાબતે પીઆઈયુ અને સિવિલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા વીજ પેટીમાંથી એક જ સિંગલ લેયર કેબલમાં જોઈન્ટ મારી અન્નક્ષેત્રમાં પણ વીજપુરવઠો સપ્લાય થતો હતો. આ જોતા જ હોસ્પિટલ તંત્રની આંખ પણ પહોળી થઇ ગઈ હતી. બાદમાં તાકીદે વીજ કનેક્શન કાપી નાખવા માટેનો ઓર્ડર કરતા કનેક્શન કાપવામાં આવ્યું હતું. અને ગઈકાલે અન્નક્ષેત્રનો ઓટલો તોડવામાં આવ્યો હતો.


અહીં સવાલ એ ખડા થઇ રહ્યા છે કે, ઓટલાનું દબાણ હોવાનું કહી તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ બંને અન્નક્ષેત્ર જ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે એ તોડી પાડવામાં હોસ્પિટલના સત્તાધીશો અને કલેકટર તંત્રને કોઈ નેતા કે સંસ્થાના આગેવાનો કે પછી અન્ય કોની શરમ નડી રહી છે ? અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે હોસ્પિટલ કેમ્પસમાં અન્નક્ષેત્ર જ્યારથી ધમધમવાનું શરૂ થયું છે ત્યારથી દેશી, વિદેશી દારૂનું વેચાણ કરતા મહિલા સહિતના પકડાયા છે, ચોર ગઠિયાઓ અને રખડતા ભટકતાઓ પણ સેલ્ટર હોમની જેમ અહીં જ ખાઈ પી ને સુઈ જતા હોવાથી હોસ્પિટલ કેમ્પસના અસામાજિક પ્રવૃત્તિએ પણ માઝા મૂકી છે. ત્યારે સિવિલના સત્તાધીશો થોડી હિંમત બતાવી કલેકટર તંત્ર સાથે સંકલનમાં રહી હજારો ફૂટની જગ્યામાં ગેરકાયેદસર અન્નક્ષેત્રોના દબાણને દૂર કરી જગ્યા ખુલ્લી કરાવેએ જરૂરી બન્યું છે.


વીજપાવરની ચોરી કરતા અન્નક્ષેત્ર પાસેથી રિકવરી કરો

ઓછામાં ઓછા 6 વર્ષથી સિવિલના કેમ્પસમાં અન્નક્ષેત્રના ડોમ ઉભા કરી દબાણ કરવામાં આવ્યું છે અને વીજ પુરવઠો પણ સિવિલ હોસ્પિટલનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તંત્રને બે દિવસ પહેલા ખબર પડી હતી. ત્યારે માત્ર વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં છ વર્ષથી જો આ ગેરકાયદેસર સિવિલનો વીજ વપરાશ કર્યો હોય તો તેની પણ રિકવરી પીજીવીસીએલ સાથે સંકલન કરી કરવી જરૂરી છે. અને આ મુદ્દે વીજચોરીનો પણ કેસ બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application