રાજકોટમાં ક્યાં વિસ્તારમાં ક્યાં ગુનેગારની રંજાડ છે તે પોલીસ જાણે છે, માત્ર જરૂર છે તેના પર કડક એક્શનની: મોટા મગરમચ્છો પર તવાઇ ક્યારે?

  • March 26, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે રાજકોટ પોલીસે ૧૦૦ કલાકમાં ૭૫૬ અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની આ કામગીરીથી હાલ ગુનેગારોમાં ફફડાટ છે. સવાલ એ છે કે, જયારે પોલીસને અગાઉથી જ ખબર છે કે કયાં વિસ્તારમાં કયાં શખસની રંજાડ છે તો પછી તેની સામે અગાઉ કાર્યવાહી કેમ કરવામાં ન આવી? ખેર, દેર આયે દુરૂસ્ત આયે. પણ જો પોલીસ આ રીતે અસરકારક કામીગરી કરી કાયદાનું કડક પાલન કરાવે તો શહેરમાં કોઇ ગુનેગાર માથુ ઉંચકવાની હિંમત ન કરે.


રાજકોટ પોલીસે ડીજીના ૧૦૦ કલાકના ટાસ્કને લઇ ગુનેગારોની યાદી તૈયાર કરી તેમના પર ધોંસ બોલાવી છે. જેના પગલે અસમાજિક અને ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસ આ પ્રકારની જ કામગીરી કાયમી ધોરણે યથાવત રાખે તો કાયદો હાથમાં લેતા પૂર્વે ગુનેગારોને સો વખત વિચાર કરવો પડે.


પોલીસની આ કાગમીરીમાં એક એવી વાત પણ છાનાખૂણે ચર્ચાઇ રહી છે કે, છાપેલ કાટલા સામે પોલીસે કાર્યવાહી કરી પરતું તે નાના માછલાઓ છે જયારે મગર મચ્છો પર હજુ તવાઇ ઉતરી નથી. આઇપીએલ શરૂ થઇ ચૂકયો છે સૌ કોઇ જાણે કે ક્રિકેટ સટ્ટાની મોસમ આઈપીએલમાં પુર બહારમાં ખીલતી હોય છે. પોલીસને પણ મોટેભાગે અગાઉથી જ ખ્યાલ હોય છે કે કયાં વિસ્તારમાં કોણ બુકી સટ્ટો રમાડી રહ્યો છે. પરંતુ તેમ છતાં ચોક્કસ કારણોસર તેમની સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવામાં આવતી હોય છે. હાલમાં પોલીસે કરેલી કામગીરીમાં બુકી સહિતના કેટલાક મોટા વ્હાઇટ કોલર ગુનેગારોના કાંઠલા સુધી કાનૂનના લાંબા હાથ પહોંચ્યા ન હોવાની ચર્ચા ચાલી રહી છે. 


આગામી સમયમાં આ વ્હાઇટ કોલર ક્રિમિનલ સામે પોલીસ આક્રમક કાર્યવાહી કરશે કે પછી અકળ કારણોસર તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું પોલીસ માંડી વાળશે? તે તો જોવું રહ્યું. પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે શહેર પોલીસે છેલ્લા અઠવાડિયા દરમિયાન જે કામગીરી કરી છે તે પ્રકારની કામગીરી યથાવત રહે તો રાજકોટમાં ગુનેગારો ભોં ભીતર થઈ જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application