સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને માંડ બે ટંકનું ભોજન મેળવતા એક ગરીબ ફેરિયાને ઇન્કમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાડાના મકાનમાં રહેતા આ શ્રમિકના નામે કરોડોના વ્યવહારો દર્શાવતી આ નોટિસે ટેક્સ વિભાગની કામગીરીની પોલ ખોલી દીધી છે.
કોણ છે આ ફેરિયો અને શું છે મામલો?
ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિર સામે એક નાનકડા ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશ ભૈયા ગોમતી ઘાટ પર છૂટક મૂર્તિઓ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેમને પેટલાદ ઇનકમ ટેક્સ વિભાગ તરફથી રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે એક નોટિસ મળી હતી. આ નોટિસ ખોલતા જ ચિરાગ અને તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, કારણ કે તેમાં દર્શાવેલા આંકડા કોઈ મોટા ઉદ્યોગપતિને શોભે તેવા હતા.
ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં છેલ્લા બે નાણાકીય વર્ષોના વ્યવહારો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. જેમાં નાણાકીય વર્ષ 2021-22ના રૂ.11,86,00,000 (રૂ.11.86 કરોડ) અને નાણાકીય વર્ષ 2022-23માં રૂ.7,98,00,000 (રૂ.7.98 કરોડ). આમ કુલ આશરે રૂ.19.84 કરોડની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચિરાગ ભૈયાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, હું ગોમતી ઘાટે પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પેટીયું રળું છું. મેં જીવનમાં ક્યારેય આટલો મોટો આંકડો જોયો નથી, તો પછી આટલા રૂપિયાના વ્યવહાર ક્યાંથી કરું?
નોટિસના કવર પરની ટિકિટો ચર્ચાનો વિષય
આશ્ચર્યની વાત તો એ છે કે ઇનકમ ટેક્સ વિભાગે જે કવરમાં આ નોટિસ મોકલી હતી, તેના પર જ 5,500 રૂપિયાની ટિકિટો લગાવવામાં આવી હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ ટિકિટોની કિંમત જ આ ગરીબ ફેરિયાની આખા મહિનાની કુલ કમાણી કરતા પણ વધુ હોઈ શકે છે. ચિરાગ પોતે ઓછું ભણેલા હોવાથી શરૂઆતમાં તેમને આ મામલાની ગંભીરતા સમજાઈ ન હતી, પરંતુ જ્યારે જાણકારો પાસે તપાસ કરાવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ગંભીર સવાલો અને માનસિક તણાવ
જે વ્યક્તિ પાસે રહેવા માટે પોતાનું ઘર નથી અને જે રોજેરોજ મજૂરી કરીને પેટ ભરે છે, તેના નામે આટલી મોટી રકમના નાણાકીય વ્યવહારો કઈ રીતે થયા તે એક મોટો રહસ્યમય પ્રશ્ન છે. આ ઘટના બાદ ચિરાગ ભારે માનસિક તણાવમાં આવી ગયો છે.