મોસ્કોમાં ISISનો આતંકી હુમલો: 60થી વધુ મોત

  • March 23, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોક્સ સીટી કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ લીધી છે.આ ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકો માયર્િ ગયા હોવાના અહેવાલ છે જયારે 140 જેટલા લોકો ઘાયલ થયા છે.જો કે 100 લોકો ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા. હોલમાં સંગીતનો કાર્યક્રમ ચાલુ હતો અને લગભગ 6000 લોકો હાજર હતા ત્યારે શસ્ત્રસજ્જ આતંકવાદીઓ ઘુસી આવ્યા હતા અને મશીનગનોથી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી દર્શકો પર અંધાધુંધ ગોળીઓ વરસાવવાનું શરુ કર્યું હતું. આઈએસઆઈએસની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે. પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.

આઈએસઆઈએસ એ કહ્યું છે કે તેણે મોસ્કોની બહારના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માયર્િ ગયા.આતંકવાદી હુમલા દરમિયાન, અંધાધુંધ ગોળીબાર કરાયો હતો અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાં 145 લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટનામાં મૃતકોની સંખ્યા 60થી વધુ છે.

મીડિયા રિપોટ્ર્સ અનુસાર, કેટલાક બંદૂકધારીઓએ એક સાથે લોકો પર ગોળીબાર શરૂ કર્યો. કટોકટી સેવાઓ મંત્રાલયે જણાવ્યું હતું કે ગોળીબાર પછી, લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવી જોઈએ. મોસ્કોના મેયરે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હુમલા બાદ મોસ્કોમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રશિયન એજન્સીઓએ મોસ્કોમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. જોકે, તેમણે કહ્યું કે આ હુમલો યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત હોવાના તાત્કાલિક કોઈ સંકેત મળ્યા નથી.


સેંકડો બંધક?
રશિયન મીડિયા અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે હોલમાં વિસ્ફોટ થયો હતો અને ભારે આગ લાગી હતી. આતંકીઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. જો કે હજુ સુધી બંધકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.


15 દિ’પહેલા ચેતવણી
લગભગ 15 દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, 48 કલાકમાં મોસ્કો પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે, પરંતુ તે સમયે હુમલો થયો ન હતો, પરંતુ લોકો 15 દિવસ પછી મોસ્કોમાં થયેલા આ હુમલાને અમેરિકાના તે નિવેદન સાથે જોડીને યાદ કરી રહ્યા છે.


મોદીનો સધિયારો
મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. તેમણે રશિયા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.


યુક્રેને હાથ ખંખેર્યા
આ તરફ કિવનું કહેવું છે કે કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી લડાઈ રશિયા અને રશિયન ફેડરેશનની નિયમિત સેના સાથે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application